હઝકિયેલ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રબોધક થવા હઝકિયેલને ઈશ્વરનું તેડું 1 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.” 2 તેણે મને એમ કહ્યું ત્યારે [ઈશ્વરના] આત્માએ મારામાં પ્રવેશ કરીને મન મારા પગ પર ઊભો કર્યો, અને મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી. 3 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલી લોકો પાસે, એટલે જે બંડખોર પ્રજાઓએ મારી વિરુદ્ધ બંડ કર્યુ છે તેમની પાસે, મોકલું છું. તેઓના પૂર્વજો તથા તેઓ પોતે છેક આજ સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે. 4 એ પુત્રો ઉદ્ધતને કઠણ હ્રદયના છે; હું તને તેમની પાસે મોકલું છું. તારે તેઓને કહેવું, ‘પ્રભુ યહોવા આમ કહે છે.’ 5 પછી ગમે તો તેઓ સાંભળે કે ન સાંભળે, (કેમ કે તેઓ બંડખોર પ્રજા છે) તોપણ તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે. 6 હે મનુષ્યપુત્ર, જો કે તને ઝાંખરા તથા કંટાળાનો સંગ થાય, ને વીછુઓમાં તારે રહેવું પડે, તોપણ તારે તેઓથી બીવું નહિ, ને તેમના શબ્દોથી પણ ડરવું નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓના શબ્દોથી તારે બીવું નહિ, ને તેઓના ચહેરાથી ગભરાવું નહિ. 7 ગમે તો તેઓ સાંભળે, ગમે તો તેઓ ન સાંભળે, તોપણ તારે મારાં વચન તેઓને કહી સંભળાવવાં; કેમ કે તેઓ અત્યંત બંડખોર છે. 8 પણ, હે મુષ્યપુત્ર, જે કંઈ હું તને કહું તે તું સાંભળ. એ બંડખોર પ્રજાની જેમ તું બંડખોર ન થા. તારું મોં ઉઘાડ, ને હું તને જે આપું તે ખા.” 9 ત્યારે મેં જોયું, તો, જુઓ, એક હાથ મારા તરફ લાંબો કરવામાં આવ્યો, અને તેમાં એક પુસ્તકનું ઓળિયું હતું. 10 તે તેણે મારી આગળ ખુલ્લું કર્યું. તેની અંદરની બાજુએ ને બહારની બાજુએ લખેલું હતું, અને તેની અંદર વિલાપ તથા શોક તથા આફત લખેલાં હતાં. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India