Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ગરુડનું ને દ્રાક્ષાવેલાનું રૂપક

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

2 “હે મનુષ્યપુત્ર, ઉખાણું કહીને ઇઝરાયલ લોકોને એક ર્દ્દષ્ટાંત આપ કે,

3 પ્રભુ યહોવા કહે છે કે, મોટી પાંખોવાળો તથા લાંબા પરવાળો, રંગબેરંગી પીંછાવાળો મોટો ગરૂડ લબાનોનમાં આવ્યો, બે એરેજવૃક્ષની ટોચ તેણે તોડી લીધી.

4 તેમની કુમળી ડાખળીઓમાંથી સૌથી ટોચેથી ચૂંટી લઈને તેને તે સોદાગરોના પ્રદેશમાં લઈ ગયો. તેણે તેને સોદાગરોના નગરમાં રાપી.

5 વળી તેણે તે દેશનું બી લઈને તેણે ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે [ઉગેલા] વૃક્ષની જેમ રોપ્યું.

6 તે તો વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો, તેની ડાળીઓ તેની તરફ વળી, ને, તેનાં મૂળ તેની નીચે હતાં. એવી રીતનો તે દ્રાક્ષાવેલો બન્યો, ને તેને કાળીઓ આવી ને કૂંપળો ફૂટી.

7 વળી એક બીજો મોટી પાંખોવાળો તથા ઘણાં પીંછાવાળો ગરૂડ પક્ષી હતો. ક્યારામાં રોપવામાં આવ્યો હતો તે ક્યારામાંથી પોતાનાં મૂળિયાં તેની તરફ વાળ્યાં, ને પોતાની ડાળીઓ તેની તરફ ફેલાવી કે, જેથી તે એને પાણી સિંચે.

8 તેને સારી જમીનમાં મોટા જળાશયને કિનારે રોપવામાં આવ્યો હતો, જેથી તેને ડાળીઓ ફૂટે ને તેને ફળ આવે, ને એમ તે મજાનો દ્રાક્ષાવેલો બને.”

9 હવે તું કહે, “પ્રભુ યહોવા પૂછે છે કે, શું તે ફાલશે? ઘણું બળ કે ઘણા લોકોને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે? તેનાં મૂળ ઉખેડી નાખીને તથા તેનો ફાલ કાપી નાખીને તેને ચીમળાવી નહિ નાખે? અને તેમાં સર્વ તાજાંં ફૂટેલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે?

10 હા, જુઓ, રોપાયું, પણ શું તે ફાલશે? પૂર્વનો વાયુ લાગતાં શું તે છેક ચીમળાઈ નહિ જશે? જે ક્યારામાં તે ઊગ્યું હતું તેમાં જ તે ચીમળાઈ જશે.”


ઉપરના રૂપકનો ખુલાસો

11 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

12 “હવે બંડખોર લોકોને તું કહે કે, આ વાતોનો શો અર્થ છે તે શું તમે નથી જાણતા? આ વાતોનો શો અર્થ‌ છે તે શું તમે નથી જાણતા? તેઓને કહે કે, જો બાબિલનો રાજા યરુશાલેમ આવીને ત્યાંના રાજાને તથા ત્યાંના સરદારોને પકડીને પોતાની પાસે બાબિલમાં લઈ ગયો.

13 તેણે રાજાનાં કુટુંબમાંના એક માણસની સાથે કોલકરાર કર્યા. વળી તેણે તેની પાસે સોગન ખવડાવ્યા.

14 અને તે રાજ્ય નિર્બળ થાય, ને ગર્વ કરે નહિ, પણ તેની સાથે કરેલો કરાર પાળીને ટકી રહે, માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો.

15 પણ તેને ઘોડા તથા ઘણા લોકો આપવામાં આવે ઞર મતલબથી તેણે પોતાના એલચીઓને મિસરમાં મોકલીને તેની વિરુદ્ધ બંડ કર્યું, શું તે ફતેહ પામશે? આવા કામો કરનાર શું બચી જશે? શુ તે કરાર તોડ્યા છતાં પણ બચી જશે?

16 પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જેણે તેને રાજા બનાવ્યો, તથા જેના સોગનને તેણે તુચ્છ ગણ્યા, તથા જેનો કરાર તેણે તોડ્યો, તે રાજા જ્યાં રહે છે તે જગાએ, એટલે બાબિલમાં, તેની સાથે તે મરણ પામશે.

17 યુદ્ધમાં જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા માટે મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે તે વખતે ફારુન પોતાનું મહાન સૈન્ય તથા મોટો સમુદાય છતાં તેના લાભમાં કંઈ કરી શકશે નહિ.

18 કેમ કે કરાર તોડીને તેણે સોગનને તુચ્છ ગણ્યા છે. અને જુઓ, કોલ આપ્યા છતાં તેણે આ સર્વ કામો કર્યા છે. તે બચવાનો જ નથી.

19 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, મારા જે સોગન તેણે તુચ્છ ગણ્યા છે, ને મારો કરાર તેણે તોડ્યો છે, તેથી હું નક્કી તેને તેનો બદલો આપીશ.

20 હું મારી જાળ તેના પર પાથરીશ, તે મારા છટકામાં સપડાશે, ને હું તેને બાબિલમાં લાવીને તેણે મારો જે અપરાધ કર્યો છે તેને લીધે હું ત્યાં તેની સાથે વિવાદ કરીશ.

21 તેના નાસી ગયેલા સર્વ લોકોની બધી ટુકડીઓ તરવારથી પડશે, ને જેઓ બાકી રહેશે તેઓ ચાર દિશાએ વિખેરાઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું.”


ઈશ્વરનું આશાભર્યું વચન

22 પ્રભુ યહોવા કહે છે, “વળિ હું એરેજવૃક્ષની ટોચેથી [ડાળી] લઈને તેને રોપીશ. હું તેની સૌથી ઊંચી કુમળી કૂંપણોમાંથી એક કાપી લઈને તેને ઉંચા તથા પ્રસિદ્ધ પર્વત પર રોપીશ.

23 ઇઝરાયલના ઊંચા પર્વત પર હું તેને રોપીશ. તેને ડાળીઓ ફૂટશે, તેને ફળ આવશે, ને તે એક મજાનું એરેજવૃક્ષ થશે. તેની નીચે સર્વ પ્રકારની પાંખોવાળાં સર્વ પક્ષીઓ વાસો કરશે. તેની ડાળીઓની છાયામાં તેઓ વસશે.

24 વનનાં સર્વ વૃક્ષો જાણશે કે મેં યહોવાએ ઊંચા ઝાડને નીચે કર્યુ છે, નીચા ઝાડને ઊંચું કર્યું છે, લીલા ઝાડને સૂકવી નાખ્યું છે, ને સૂકા ઝાડને ખીલવ્યું છે; હું યહોવા તે બોલ્યો છું, ને મેં તે પાર પાડ્યું છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan