Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


જૂઠા પ્રબોધકો સામે ચેતવણી

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

2 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના જે પ્રબોધકો પોતાના મનમાંથી કલ્પીને પ્રબોધ કરે છે, તેઓની વિરુદ્ધ પ્રબોધ કરીને તેઓને કહે કે, તને યહોવાનું વચન સાંભળો.

3 પ્રભુ યહોવા કહે છે કે, જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે તેવો પ્રબોધ કરે છે ને જેઓને કંઈ સંદર્શન થયું નથી, તેઓને સફસોસ!

4 હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડિયેરોમાં રહેનાર લોંકડીના જેવા થયા છે.

5 યહોવાને દિવસે યુદ્ધમાં ઊભા રહેવા માટે તમે કોટમાં પડેલાં બાકોરાં અગળ ચઢી નથી ગયા, તેમ ઇઝરાયલ લોકોને માટે વાડ કરી નથી.

6 જેઓને યહોવાએ મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે યહોવા આમ આમ કહે છે, તેઓને વ્યર્થતાનું તથા જૂઠા શકૂનનું દર્શન થયું છે અને તેઓએ માણસોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેમનું વચન ફળીભૂત થશે.

7 જો કે હું બોલ્યો નથી તોપણ તમે કહો છો કે યહોવા બોલ્યા છે, તો શું તમને વ્યર્થ સંદર્શન થયું નથી, ને શું તમે જૂઠા શકુન જોયા નથી?”

8 તેથી પ્રભુ યહોવા કહે છે, “તમે વ્યર્થ વાતો બોલ્યા છો ને તમને જૂઠાં સંદર્શન થયાં છે, માટે પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું તમારી વિરુદ્ધ છું.

9 જે પ્રબોધકો વ્યર્થ સંદર્શન તથા જૂઠા શકુન જુએ છે તેઓની વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ને તેઓ ઇઝરાયલ લોકોના દફતરમાં નોંધાશે નહિ, ને તેઓ ઇઝરાયલના દેશમાં પ્રવેશ કરશે નહિ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

10 કેમ કે જો શાંતિ નથી તોપણ ‘શાંતિ છે’ એમ કહીને તેઓએ મારા લોકને ભમાવ્યા છે. અને જ્યારે કોઈ ભીંત બાંધે છે, તેને કાચા કોલથી લપેડી મૂકે છે,

11 ત્યારે કાચા કોલને લપેડો કરનારાઓને કહે છે કે, એ તો પડી જશે. રેલ આવે એવું મોટું ઝાપટું પડશે, અને મોટા કરા પડશે, અને તોફાની પવન તેને પાડી નાખશે.

12 ભીંત પડી જશે ત્યારે શું તમને કહેવામાં નહિ આવે કે, જે કાચા કોલથી તમે લપેડી મૂક્યું છે તે ક્યાં છે?”

13 માટે પ્રભુ યહોવા કહે છે, “હું મારા ક્રોધમાં તેને તોફાની પવનથી પાડી નાખીશ અને મારા કોપને લીધે રેલ આવે એવું મોટું ઝાપટું પડશે, ને તેનો નાશ કરે એવા મોટા કરા [પડશે].

14 એમ જે ભીંતને કાચા કોલથી લપેડી મૂકી છે તેને હું તોડી પાડીશ, ને તેને એવી જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઈ જશે. અને તે પડી જશે,, ને તમે તેની નીચે નાશ પામશો. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

15 એવી રીતે ભીંત પર તથા તેને કાચા કોલનો લપેડો કરનારાઓ પર હું મારા ક્રોધનો અમલ કરીશ! અને હું તેમને કહીશ કે, ભીંત તેમજ તેને કાચા કોલનો લપેડો કરનારાઓ નષ્ટ થયા છે;

16 એટલે ઇઝરાયલના જે પ્રબોધકો યરુશાલેમ વિષે પ્રબોધ કરે છે, ને શાંતિ ન છતાં તેને માટે શાંતિના સંદર્શન જુએ છે તેઓ [નષ્ટ થયા છે] , ” એવું પ્રભુ યહોવા કહે છે.


જૂઠી પ્રબોધિકાઓ સામે ચેતવણી

17 “હે મનુષ્યપુત્ર, તારા લોકોની જે પુત્રીઓ મન કલ્પિત પ્રબોધ કરે‍ છે તેઓની વિરુદ્ધ તારું મુખ રાખ, અને તેમની વિરુદ્ધ એવો પ્રબોધ કર કે,

18 પ્રભુ યહોવા કહે છે કે, જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, ને માણસોના આત્માઓનો શિકાર કરવા માટે સર્વ કદના માથાંને બેસતા આવે એવા બુરખા બનાવે છે તેઓને અફસોસ! શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, અને તમારા પોતાના જીવ બચાવી રાખશો?

19 મારા લોકોમાંથી જેઓ જૂઠી વાત પર લક્ષ આપે છે તેઓની આગળ તમે જૂઠું બોલીને, જે જીવોને મરવું ઘટિત નથી તેમને સંહારવાને, ને જે જીવોને જીવવું ઘટિત નથી તેઓને બચાવી રાખવાને તમે મુઠ્ઠી મુઠ્ઠી જવ ને ટુકડો ટુકડો રોટલી લઈને, મને મારા લોકોમાં હલકો પાડ્યો છે.

20 તેથી પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તમારાં જે તાવીજો વડે તમો જીવોનો પક્ષીઓની જેમ શિકાર કરો છો તેઓની વિરુદ્ધ હું છું, ને તેમને હું તમારા હાથ પરથી ફાડી નાખીશ; અને તમે જે જીવોનો પક્ષીઓની જેમ શિકાર કરો છો તે જીવોને હું છોડાવી લઈશ.

21 તમારા બુરખાઓને પણ હું ફાડી નાખીશ, ને મારા લોકોને તમારા હાથમાંથી છોડાવીશ, ને તેઓ હવે પછી શિકાર તરીકે તમારા હાથમાં આવશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

22 કેમ કે જે નેક માણસોને મેં દિલગીર નથી કર્યા તેઓનાં મન તમે જૂઠાણાંથી દુભાવ્યાં છે; અને દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણથી ન ફરે ને તમનો બચાવ ન થાય તે માટે તમે તેમના હાથ બળવાન કર્યા છે.

23 એથી હવે પછી તમને વ્યર્થ સંદર્શન થશે નહિ, તેમ જ તમે શકુન જોશો નહિ. હું મારા લોકોને તમારા હાથમાંથી છોડાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan