હઝકિયેલ 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)હઝકિયેલ સંકેતરૂપે દેશવટો ભોગવે છે 1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 2 “હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકોમાં રહે છે કે, જેઓને જોવાને આંખો છે પણ જોતા નથી, ને જેઓને સાંભળવાને કાન છે પણ સાંભળતા નથી; કેમ કે તેઓ તો બંડખોર લોકો છે. 3 એથી, હે મનુષ્યપુત્ર, તું પોતાને માટે પરદેશ જવા માટે સામાન તૈયાર કર, ને તેમના દેખતાં દિવસે નિકળ. અને તેમના દેખતાં તું તારી જગાએથી બીજી જગાએ જા. અને જો કે તેઓ બંડખોર લોકો છે તોપણ તેઓ કદાચ વિચાર કરે. 4 તું દિવસે તેઓના દેખતાં તારો મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ; અને જેમ લોક દેશનિકાલને માટે ચાલી નીકળે છે તેમ તું પોતે સાંજે તેમના દેખતાં ચાલી નીકળ. 5 તેમના દેખતાં કોટમાં ખોદીને બાકું પાડ, ને તેમાં થઈને સામન બહાર લઈ જા. 6 તેમનાં દેખતાં તારે તે પોતાને ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જવો. તારે પોતાનું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલ લોકને માટે નિશાની તરીકે ઠરાવ્યો છે. 7 પછી જેમ મને આજ્ઞા કરવામાં આવી હતી તેમ મેં કર્યું:મેં મારો લઈ જવાનો સામાન દિવસે બહાર કાઢ્યો, ને સાંજે મેં મારા પોતાના હાથથી કોટમાં બાકું પાડ્યું. હું સામાનને અંધારામાં બહાર કાઢી લાવ્યો, ને તેઓના દેખતાં સામાનને મારી ખાંધ પર મૂક્યો. 8 સવારમાં યહોવાનું વચન મારી પાસે આવ્યું, 9 ‘હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના બંડખોર લોકે શું તને એમ નથી પૂછ્યું કે, તું શું કરે છે?’ 10 તું તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, આ ઈશ્વરવાણી યરુશાલેમમાંના સરદારને તથા સર્વ ઇઝરાયલ લોકોને [લાગુ] પડે છે. 11 તું કહે કે, હું તમારે માટે નિશાની છું; જેમ મેં કર્યું છે તેમજ તેમને કરવામાં આવશે. તેઓ પરદેશમાં, બંદીવાસમાં જશે. 12 તેમનામાં જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર ભાર ઊંચકીને ચાલી નીકળશે; તેઓ કોટમાં બાકું પાડીને તેમાં થઈને [સામાન] બહાર કાઢશે; તે પોતાનું મોં ઢાંકશે, કેમ કે તે પોતાની આંખોને દેશને જોશે નહિ. 13 મારી જાળ પણ હું તેના પર નાખીશ, ને તે મારા પાશમાં સપડાશે; હું તેને ખાલદીઓના દેશના બાબિલમાં લાવીશ. જો કે તે ત્યાં [બાબિલમાં] મરણ પામશે તોપણ તે તેને દેખશે નહિ. 14 તેની આસપાસના તેના સર્વ મદદગારોને તથા તેની સર્વ પલટણોને હું ચારે દિશાએ વિખેરી નાખીશ; અને હું તેમની પાછળ તરવાર તાણીશ. 15 જ્યારે હું તેઓને વિદેશીઓમાં દેશેદેશમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. 16 પણ હું તેઓમાંના થોડાક માણસોને તરવાર, દુકાળ તથા મરકી ના સપાટામાં થી જવતા રહેવા દઈશ, જેથી જે જે પ્રજાઓમાં તેઓ જાય ત્યાં તેઓ પોતાનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.” હઝકિયેલે આપેલી ધ્રૂજારીનો સંકેત 17 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 18 “હે મનુષ્યપુત્ર, તું ધ્રૂજતો ધ્રૂજતો તારી રોટલી ખા, ને કંપારી તથા ચિંતાસહિત તારું પાણી પી. 19 આ દેશના લોકોને કહે કે, યરુશાલેમના રહેવાસીઓ વિષે તથા ઇઝરાયલ દેશ વિષે પ્રભુ યહોવા કહે છે, કે તેઓ ચિંતાતુર થઈને પોતાની રોટલી ખાશે ને ભયભીત થઈને પોતાનું પાણી પીશે, જેથી તેના સર્વ રહેવાસીઓના જુલમને લીધે તેના દેશમાં જે સર્વ હોય તે નાશ પામે ને તે ઉજજડ થઈ જાય. 20 વસતિવાળાં નગરોને વેરાન કરવામાં આવશે, ને દેશ ઉજજડ થશે; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.” ગમતી કહેવત અને અણગમતો સંદેશો 21 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 22 “હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે ને દરેક સંદર્શન નિષ્ફળ જાય છે, ’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં, તમારા લોકોમાં, ચાલે છે, તે શું છે? 23 એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હું આ કહેવત બંધ પાડીશ, ને તેઓ ઇઝરાયલમાં હવે પછી તેને કહેવત તરીકે કદી વાપરશે નહિ. પણ તેઓને કહે કે, વખત આવી પહોચ્યો છે, જેમાં દરેક સંદર્શન પરિપૂર્ણ થશે. 24 કેમ કે હવે પછી ઇઝરાયલ લોકોમાં વ્યર્થ સંદર્શન તથા ખુશકારક શકુન જોવામાં આવશે નહિ. 25 કેમ કે હું યહોવા છું; હું બોલીશ તે ફળીભૂત કરીશ, એમ પ્રભુ યહોવા કહે છે.” 26 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, 27 “હે મનુષ્યપુત્ર, જો, ઇઝરાયલ લોકો કહે છે કે, ‘જે સંદર્શન તને થાય છે તે ઘણા દિવસો પછીના વખતને માટે છે, ને તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.’ 28 એ માટે તેઓને કહે, પ્રભુ યહોવા કહે છે કે, મારું કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહિ, પણ જે વચન હું બોલીશ તે ફળીભૂત થશે, એમ પ્રભુ યહોવા કહે છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India