Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હઝકિયેલ 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યરુશાલેમ ઉપર ઊતરનારી આફત

1 વળી આત્મા મને ઊંચકીને યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજા આગળ લાવ્યો. અને જુઓ, તે દરવાજાના બારણા આગળ પચીસ માણસો હતા. મેં તેઓમાં લોકોના સરદાર આઝઝુરના દીકરા યાઝનિયા તથા બનાયાના દીકરા પલાટ્યાને જોયા.

2 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ભૂંડાં તરકટો રચનાર તથા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો એ જ છે,

3 તેઓ કહે છે કે, ‘હમણા ઘરો બાંધવાનો વખત નથી. આ નગર તો કઢાઈ છે, ને આપણે માંસ છીએ.’

4 એ માટે તેઓની વિરુદ્ધ ભવિષ્ય ભાખ, હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખ.”

5 પછી યહોવાનો આત્મા મારા પર ઊતરી આવ્યો, ને તેણે મને કહ્યું, “બોલ, યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, તમે એ પ્રમાણે કહ્યું છે; કેમ કે તમારા મનમાં જે જે વિચારો આવે છે તે હું જાણું છું.

6 તમે કતલ કરેલાઓની સંખ્યા નગરમાં વધારી દીધી છે, ને કતલ થયેલાઓથી તમે તેની શેરીઓ ભરી દીધી છે.

7 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, તમે કતલ કરેલાઓને [શહેરની] અંદર નાખ્યા છે તેઓ પેલું માંસ છે, ને આ [નગર] તે કઢાઈ છે; પણ તેમાંથી હું તમને બહાર લાવીશ.

8 તમે તરવારથી બીતા હતા, પણ પ્રભુ યહોવા કહે છે કે, “હું તમારા પર તરવાર લાવીશ.

9 તેમાંથી તમને બહાર કાઢીને હું તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, ને ન્યાય કરીને તમને શિક્ષા કરીશ.

10 તમે તરવારથી પડશો. ઇઝરાયલની સરહદ પર હું તમારો ન્યાય કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

11 આ નગર તમારી કઢાઈરૂપ થશે નહિ ને તમે તેની અંદર માંસરૂપ થશો નહિ. હું ઇઝરાયલની સરહદ પર તમારો ન્યાય કરીશ.

12 ત્યારે તમે જાણશો કે હું યહોવા છું, કેમ કે તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારી આજ્ઞાઓનો અમલ કર્યો નથી, પણ તમારી આસપાસની પ્રજાઓની વિધિઓનું અનુસરણ કર્યું છે.”

13 હું ભવિષ્ય કહેતો હતો એટલામાં બનાયાનો દીકરો પલાટ્યા મરણ પામ્યો. ત્યારે હું ઊંધો પડ્યો, ને મેં મોટે સ્વરે બૂમ પાડીને કહ્યું, “અરેરે પ્રભુ યહોવા! શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”


બંદીવાસીઓને છુટકારાનું પ્રભુનું વચન

14 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

15 “હે મનુષ્યપુત્ર, તારા ભાઈઓને, એટલે તારાં સગાંવહાલાંને, તથા તમામ ઇઝરાયલ લોકોને યરુશાલેમના રહેવાસીઓએ કહ્યું છે, ‘યહોવાથી દૂર જાઓ. આ દેશ તો તમને વતન તરીકે આપવામાં આવ્યો છે.’

16 એ માટે [તેઓને] કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જો કે મેં તેઓને દૂરના વિદેશીઓમાં કાઢી મૂક્યા છે, ને જો કે મેં તેઓને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડી મુદત સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.

17 એ માટે કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હું તમને વિદેશીઓમાંથી ભેગા કરીશ, ને જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી એકત્ર કરીને હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.

18 તેઓ ત્યાં આવીને ત્યાંની સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા ત્યાંની સર્વ તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે.

19 હું તેઓને એક અંત:કરણ આપીશ, ને હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હ્રદય દૂર કરીને તેમને માંસનું હ્રદય આપીશ.

20 જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે‍ ચાલે ને મારા નિયમો પાળે, ને તેમનો અમલ કરે. અને તેઓ મારી પ્રજા થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.

21 પણ જેઓના અંત:કરણનું વલણ તેમની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


ઇશ્વરનું ગૌરવ યરુશાલેમ તજે છે

22 ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી, ને પૈડાં તેમની પડખે હતાં. અને ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેમના પર હતું.

23 અને યહોવાનું ગૌરવ નગરમાંથી ઊપડીને નગરની પૂર્વ બાજુએ આવેલા પર્વત પર થંભ્યું.

24 પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદી દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. પછી જે સંદર્શન મને થયું હતું તે મારી પાસેથી લોપ થયું.

25 ત્યારે જે સર્વ બાબતો યહોવાએ મને બતાવી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan