હઝકિયેલ 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુના ગૌરવે મંદિરનો ત્યાગ કર્યો 1 ત્યાર પછી મેં જોયું, તો જુઓ, કરુબોના માથા પર જે ઘૂમટ હતો તેમાં તેમના પર ઊંચે નીલમણિ જેવું કંઈ દેખાયું, ને તેનો આકાર રાજ્યાસન જેવો દેખાતો હતો. 2 તેણે શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “ફર્યા કરતાં પૈડાની વચમાં, એટલે કરુબ નીચે, પેસ, ને કરુબોની વચ્ચેથી ખોબો ભરીને અગ્નિના અંગારા લે, ને તેને નગર પર નાખ.” અને મારા દેખતાં તે અંદર પ્રવેશ્યો. 3 હવે એ માણસ અંદર પ્રવેશ્યો ત્યારે કરુબો મંદિરની જમણી બાજુએ ઊભેલા હતા અને અંદરનો ચોક વાદળાથી ભરાઈ ગયો. 4 પછી યહોવાનું ગૌરવ કરુબ ઉપરથી ઉપડીને મંદિરના ઊમરા ઉપર થંભ્યું; અને મંદિર વાદળાથી ભરાઈ ગયું, ને ચોક પ્રભુના ગૌરવના પ્રકાશથી ભરપૂર હતો. 5 કરુબોની પાંખોનો અવાજ બહારના આંગળા સુધી સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો સંભળાતો હતો. 6 જ્યારે તેણે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી, “ફર્યા કરતાં પૈડાં વચ્ચેથી, એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે.” ત્યારે તે અંદર જઈને એક પૈડા પાસે ઊભો રહ્યો. 7 અને કરુબોની વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબોની વચમાંના અગ્નિ તરફ લંબાવીને તેમાંથી કેટલોક અગ્નિ લઈને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યો, ને એ તે લઈને બહાર નીકળ્યો. 8 કરુબોમાં તેઓની પાંખો નીચે મનુષ્યના જેવો હાથ દેખાયો. 9 પછી મેં જોયું, તો એક કરુબને પડખે પૈડું ને બીજા કરુબને પડખે બીજું પૈડું, એમ કરુબોને પડખે ચાર પૈડાં દેખાયાં; અને પૈડાંનો દેખાવ પોખરાજના તેજ જેવો હતો. 10 દેખાવમાં તે ચારેનો ઘાટ એક સરખો હતો.જાણે કે એક પૈડું બીજાની મધ્યે હોય તેમ. 11 તેઓ ચાલતાં ત્યારે તેઓની ચારે બાજુઓ ફરતી. ચાલતાં ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ, પણ જે જગા તરફ તેનું માથું હોય તે તરફ તેઓ તેની પાછળ પાછળ જતાં ચાલતાં ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ. 12 તેઓનું આખું અંગ, તેઓની પીઠો, તેઓના હાથ, તેઓની પાંખો તથા પૈડાં, એટલે એ ચારેનાં પૈડાં ચારે તરફ આંખોથી ભરપૂર હતાં. 13 પૈડાંને તો મારા સાંભળતાં “ફરતાં પૈડાં” એવું નામ આપવામાં આવ્યું. 14 તે દરેકને ચાર મુખ હતાં:પહેલું મુખ કરુબનું હતું, ને બીજું મુખ મનુષ્યનું હતું, ને ત્રીજું સિંહનું હતું, ને ચોથું ગરૂડનું હતું. 15 કરુબો ઊડીને ઊંચે ચઢ્યા. જે પ્રાણી મેં કબાર નદીની પાસે જોયું હતું તે એ જ. 16 કરુબો ચાલતા, ત્યારે પૈડાં તેમની બાજુએ ચાલતાં; અને કરુબો પૃથ્વી પરથી ઊડી જવાને પોતાની પાંખો ઊંચી કરતાં ત્યારે પૈડાં પણ તેમને પડખેથી ખસી જતાં નહિ. 17 તેઓ ઊભા રહેતા ત્યારે એ પણ ઊભાં રહેતાં; અને તેઓ ઊંચે ચઢતા, ત્યારે તેઓ પણ તેમની સાથે ઊંચે ચઢતાં, કેમ કે તેઓમાં પ્રાણીનો આત્મા હતો. 18 પછી યહોવાનું ગૌરવ મંદિરના ઊમરા પરથી જઈને કરુબો પર થંભ્યું. 19 કરુબોએ પોતાની પાંખો ફેલાવી, ને તેઓ તથા તેમની બાજુ પરનાં પૈડાં મારાં દેખતાં પૃથ્વી પરથી ઊંચા ચઢીને બહાર આવ્યાં; અને તેઓ યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજાના બારણા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઊંચે ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું. 20 એ પ્રાણી મેં ઇઝરાયલના ઈશ્વરની નીચે કબાર નદીની પાસે જોયું હતું તે જ એ છે; અને મેં જાણ્યું કે તેઓ કરુબો હતા. 21 દરેકને ચચ્ચાર મુખ, ને દરેકને ચાર પાંખો હતી. અને તેમની પાંખો નીચે મનુષ્યના જેવા હાથ હતા. 22 તેઓના મુખોનો ઘાટ તો દેખાવમાં ને સ્વરૂપમાં કબાર નદીની પાસે જે મુખો મેં જોયાં હતાં તેના જેવો હતો. તે દરેકને સીધું આગળ ચાલતું હતું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India