Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો, અને એનો પ્રતિષ્ઠા વિધિ થયો

1 અને યહોવાએ મૂસાની સાથે વાત કરતાં કહ્યું,

2 “તું પહેલા માસને પહેલે દિવસે મુલાકાતમંડપનો માંડવો ઊભો કર.

3 અને તેની અંદર કરારકોશ મૂક, ને કોશને પડદાનો ઓથો કર.

4 અને મેજને અંદર લાવીને તેનો સામાન તે પર રીતસર ગોઠવ; અને દીપવૃક્ષને અંદર લાવ, ને તેના દીવા સળગાવ.

5 અને તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂક, ને મંડપના દ્વારને પડદો લગાડ.

6 અને તું યજ્ઞ વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.

7 અને તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી ભર.

8 અને તું આસપાસનું આંગણું ઊભું કર, ને આંગણાના દરવાજાનો પડદો લગાડ.

9 અને તું અભિષેક કરવાનું તેલ લઈને મંડપના સર્વ સામાનનો અભિષેક કરીને તેને તથા તેના બધા જ સામાનને પાવન કર, એટલે તે પવિત્ર થશે.

10 અને તું યજ્ઞ વેદીનો તથા તેનાં સર્વ પાત્રોનો અભિષેક કરીને વેદીને પાવન કર, એટલે વેદી પરમપવિત્ર થશે.

11 અને તું હોજનો તથા તેના તળિયાનો અભિષેક કરીને તેને પાવન કર.

12 અને મુલાકાતમંડપના દરવાજા આગળ હારુનને તથા તેના દીકરાઓને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ.

13 અને તું હારુનને પવિત્ર વસ્‍ત્રો પહેરાવીને તેનો અભિષેક કરીને તેને પવિત્ર કર કે, તે યાજકપદમાં મારી સેવા બજાવે.

14 અને તું તેના દીકરાઓને [ત્યાં] લાવીને તેઓને અંગરખા પહેરાવ.

15 અને જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો તેમ તેઓનો અભિષેક કર કે, તેઓ યાજકપદમાં મારી સેવા કરે. અને તેઓનો અભિષેક વંશપરંપરા તેઓને સદાના યાજકપદને માટે થાય.

16 એ પ્રમાણે મૂસાએ કર્યું; જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.

17 અને એમ થયું કે બીજા વર્ષના પહેલા માસમાં તે માસને પહેલે દિવસે મંડપ ઊભો કરવાનું કામ પૂરું થયું.

18 અને મૂસાએ મંડપ ઊભો કર્યો, ને તેની કૂંભીઓ બેસાડી, ને તેનાં પાટિયાં ચોઢયાં, ને તેની ભૂંગળો નાખી, ને તેના સ્તંભ ઉપર રોપ્યા.

19 અને મંડપ ઉપર તેણે તંબુ પસાર્યો, ને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

20 અને તેણે કરારલેખ લઈને કોશમાં મૂક્યો, ને કોશ પર દાંડા ગોઠવ્યા, ને કોશ પર દયાસન મૂક્યું.

21 અને મૂસા કોશને મંડપમાં લાવ્યો, ને અંતરપટ લટકાવીને કરારકોશને ઓથો કર્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

22 અને તેણે મેજને મુલાકાતમંડપમાં, મંડપની ઉત્તર બાજુએ પડદાની બહાર મૂકી.

23 અને તેની ઉપર તેણે યહોવાની આગળ રીતસર રોટલી ગોઠવી; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

24 અને દીપવૃક્ષને તેણે મુલાકાતમંડપમાં મેજની સામે મંડપની દક્ષિણ બાજુએ મૂક્યું.

25 અને તેણે યહોવાની આગળ દીવા સળગાવ્યા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

26 અને સોનાની વેદીને તેણે મુલાકાત મંડપમાં પડદાની સામે મૂકી.

27 અને તેણે તેની ઉપર ખુશબોદાર સુગંધીઓનો ધૂપ બાળ્યો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

28 અને તેણે મંડપના દરવાજાને પડદો લગાડયો.

29 અને યજ્ઞવેદીને તેણે મુલાકાતમંડપના માંડવાના દરવાજાની પાસે મૂકી, ને તેની ઉપર તેણે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

30 અને હોજને તેણે મુલાકાતમંડપ તથા વેદીની વચમાં મૂક્યો, ને તેની અંદર સ્નાન કરવા માટે પાણી ભર્યું.

31 અને મૂસા તથા હારુન તથા તેના પુત્રો પોતાના હાથપગ ત્યાં ધોતા.

32 જ્યારે તેઓ મુલાકાતમંડપમાં જતા, અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા. ત્યારે તેઓ સ્નાન કરતા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

33 અને તેણે મંડપ તથા વેદીની આસપાસ આંગણું ઊભું કર્યું, ને આંગણાના દરવાજાને તેણે પડદો લગાડયો. એ પ્રમાણે મૂસાએ તે કામ પૂરું કર્યું.


મુલાકાતમંડપ પર મેઘનું આચ્છાદન
( નિ. ૯:૧૫-૨૩ )

34 તે વખતે મેઘે મુલાકાતમંડપ ઉપર આચ્છાદન કર્યું, ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.

35 અને મૂસા મુલાકાતમંડપમાં પેસી શક્યો નહિ. કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો, ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો.

36 અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવતો, ત્યારે ઇઝરાયલી લોકો પોતાની સર્વ મૂસાફરીઓમાં આગળ ચાલતાં;

37 પણ જો મેઘને ઉઠાવી લેવામાં આવતો નહિ, તો તેને ઉઠાવી લેવામાં આવે નહિ તે દિવસ સુધી તેઓ કૂચ કરતા નહિ.

38 કેમ કે ઇઝરાયલના આખા ઘરના જોતાં તેઓની સર્વ મૂસાફરીઓમાં યહોવાનો મેઘ દિવસે મંડપ ઉપર રહેતો, ને રાતે તેમાં અગ્નિ રહેતો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan