Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યાજકોના પોશાક બનાવ્યા
( નિ. ૨૮:૧-૧૪ )

1 અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં ઝીણાં વસ્‍ત્ર બનાવ્યાં. તેમ હારુનને માટે પણ તેઓએ પવિત્ર વસ્‍ત્ર બનાવ્યાં.

2 અને તેણે સોનાનો, નીલ, જાંબુડા તથા કિરમજી રંગનો, તથા ઝીણા કાંતેલા શણનો એફોદ બનાવ્યો.

3 અને તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમને કાપીને તેના તાર બનાવ્યા, એ માટે કે તેમને નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા શણની સાથે નિપુણ કારીગરીથી વણે.

4 તેઓએ તેને માટે ભેગી સાંધી લીધેલી સ્કંધપટીઓ બનાવી; તેની બે કોરો ભેગી સાંધી દીધેલી હતી.

5 અને એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા માટે તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો, તથા ઝીણા કાંતેલા શણનો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

6 અને તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને, તેમના પર ઇઝરાયલી કુળના નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડયાં.

7 અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓને ઇઝરાયલી લોકો માટે સ્મરણપાષાણો થવા માટે એફોદની સ્કંધપટીઓ પર લગાડયા.


ઉરપત્ર બનાવ્યું.
( નિ. ૨૮:૧૫-૩૦ )

8 અને મૂસાએ એફોદના જેવી બનાવટનું તથા નિપુણ કારીગરની કારીગરીનું ઉરપત્ર બનાવ્યું; એટલે સોનાનું, નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા કાંતેલા શણનું [બનાવ્યું].

9 તે ચોરસ હતું; તેઓએ ઉરપત્રને બેવડું બનાવ્યું:બેવડાની લંબાઈ એક વેંત, તથા પહોળાઈ એક વેંત હતી.

10 અને તેઓએ તેમાં પાષાણની ચાર હારો જડી:માણેક, પોખરાજ તથા લાલની હાર તે પહેલી હાર હતી.

11 અને બીજી હાર લીલમ, નીલમ તથા હીરાની,

12 અને ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની.

13 અને ચોથી હાર પિરોજ તથા ગોમેદ તથા યાસપિસની. તેઓએ તેઓનાં ઘરોમાં બેસાડીને તેમને ચોકઠામાં જડયા હતા.

14 અને પાષાણો તેઓનાં નામ પ્રમાણે એટલે ઇઝરાયલી કુળનાં નામ પ્રમાણે બાર હતા; બારે કુળોમાંના પ્રત્યેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.

15 અને તેઓએ ઉરપત્ર પર ચોખ્ખા સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.

16 અને તેઓએ સોનાનાં બે ચોકઠાં તથા સોનાની બે કડીઓ બનાવી; અને તે બે કડીઓ તેઓએ ઉરપત્રના બે છેડા પર લગાડી.

17 અને તેઓએ તે સોનાની ગૂંથેલી બે સાંકળીઓ ઉરપત્રના છેડા આગળની બે કડીઓને લગાડી.

18 અને તે ગૂંથેલી બે સાંકળીઓના બાકીના બે છેડાને બે ચોકઠાંમાં જડીને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડયા.

19 અને તેઓએ સોનાની બે કડીઓ બનાવીને તેઓને ઉરપત્રના બે છેડા પર, એટલે અંદરની બાજુએ એફોદ તરફની કોર પર લગાડી.

20 અને તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદની સ્કંધપટીઓની નીચલી બાજુએ, તેના આગલા ભાગમાં તેના સાંધાની નજીક, એફોદના નિપુણ કારીગરીના પટકાનિ ઉપલી બાજુએ તેઓને લગાડી.

21 અને તેઓએ નીલરંગી ફીતથી ઉરપત્રને તેની કડીઓ વડે એફોદના નિપુણ કારીગરીના પટકા ઉપર રહે, ને ઉરપત્ર એફોદથી છૂટું પડી ન જાય; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


યાજકોનાં અન્ય વસ્‍ત્ર બનાવ્યાં
( નિ. ૨૮:૩૧-૪૩ )

22 અને મૂસાએ એફોદનો જામો તમામ નીલ રંગનો વણેલો બનાવ્યો.

23 અને જામાની વચ્ચે તેનો છેદ કવચના છેદ જેવો હતો, ને તે ફાટી ન જાય માટે તેણે આસપાસથી તે ઓટી લીધો હતો.

24 અને તેઓએ જામાના ઘેર પર નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં તથા કાંતેલા શણનાં દાડમ બનાવ્યાં.

25 અને તેઓએ ચોખ્ખા સોનાની ઘૂઘરીઓ બનાવી, અને તે ઘૂઘરીઓ જામાના ઘેરને ફરતી દાડમની વચ્ચે વચ્ચે લગાડી;

26 એટલે પહેરીને સેવા કરવા માટે, જામાના ઘેરને ફરતી એક ઘૂઘરી ને એક દાડમ, એક ઘૂઘરી ને એક દાડમ, એમ લગાડયાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

27 અને તેઓએ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે ઝીણા વણેલા શણના અંગરખા,

28 તથા ઝીણ શણની પાઘડીઓ, તથા ઝીણા શણનાં સુશોભિત ફાળિયાંમ તથા ઝીણા કાંતેલા શણની ઇજારો [બનાવ્યાં].

29 તથા ઝીણા કાંતેલા શણનો, તથા નીલ જાંબુડા તથા કિરમજી રંગનો, ભરત ભરનારની કારીગરીનો કમરપટો બનાવ્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

30 અને તેઓએ ચોખ્ખા સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું, ને તેના પર, ‘યહોવાને માટે પવિત્ર, ’ એવો લેખ, મુદ્રાના જેવી કોતરણીથી કોતર્યો.

31 નઅએ તેને પાઘડીની ટોચે બાંધવા માટે તેઓએ તેને નીલ રંગની ફીત લગાડી; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


બધાં કામ પૂર્ણ થયાં
( નિ. ૩૫:૧૦-૧૯ )

32 મુલાકાતમંડપના માંડવાનું બધું કામ એ પ્રમાણે પૂરું થયું; અને યહોવાએ મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું.

33 અને તેઓ મંડપ મૂસા પાસે લાવ્યા, એટલે મંડપ તથા તેનો સર્વ સામાન, તેના ચાપડા, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તથા તેના સ્તંભો, તથા તેની કૂંભીઓ;

34 તથા મેંઢાનાં રાતાં રંગેલા ચામડાનું આચ્છાપન તથા સીલ [માછલાં] નાં ચામડાંનું આચ્છાદન તથા અંતરપટ;

35 કરારકોશ તથા તેના દાંડા તથા દયાસન;

36 મેજ, તેનાં સર્વ પાત્રો, તથા અર્પેલી રોટલી;

37 શુદ્ધ દીપવૃક્ષ તથા તેના દીવા, એટલે [તે પર] ગોઠવવાના દીવા, તથા તેનાં સર્વ પાત્રો, તથા રોશનીને માટે તેલ;

38 તથા સોનાની વેદી, તથા અભિષેક કરવાનું તેલ, તથા ખુશબોદાર ધૂપ, તથા મંડપના દરવાજાનો પડદો;

39 પિત્તળની જાળી, તેના દાંડા, તથા તેનાં સર્વ પાત્રો, હોજ તથા તેનું તળિયું;

40 આંગણાના પડદા, તેના સ્તંભ, તથા તેની કૂંભીઓ, તથા આંગણાના દરવાજાનો પડદો, તેની દોરીઓ, તથા તેની ખીલીઓ, તથા મુલાકાતમંડપને માટે માંડવાની સેવાનાં સર્વ પાત્રો;

41 પવિત્રસ્થાનમાં સેવા કરવાને ઝીણાં વણેલાં વસ્‍ત્રો, તથા યાજકપદ બજાવવા માટે હારુન યાજકને માટે પવિત્ર વસ્‍ત્રો, તથા તેના દીકરાઓને માટે વસ્‍ત્રો [તે બધું તેઓ લાવ્યા].

42 જે આજ્ઞા યહોવાએ મૂસાને આપી હતી, તે સર્વ પ્રમાણે ઇઝરાયલી લોકોએ સર્વ કામ કર્યું.

43 અને મૂસાએ બધું કામ જોયું, તો જુઓ, તેઓએ તે પૂરું કર્યું હતું; જેમ યહોવાએ આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે તેઓએ તે કર્યું હતું; અને મૂસાએ તેમને આશીર્વાદ આપ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan