નિર્ગમન 38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અર્પણો બાળવા માટેની યજ્ઞ વેદી બનાવી ( નિ. ૨૭:૧-૮ ) 1 અને મૂસાએ બાવળના લાકડાની યજ્ઞ વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ તથા તેની પહોળાઈ પાંચ હાથ, એટલે તે ચોરસ હતી; અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી. 2 અને તેણે તેના ચાર ખૂણા પર તેનાં શિંગ બનાવ્યં; તેનાં શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં; અને તેણે તેને પિત્તળથી મઢી. 3 અને તેણે તે વેદીનાં સર્વ પાત્રો એટલે ભસ્મપાત્રો તથા તાવડીઓ તથા તપેલાં તથા ત્રિશૂળ તથા સગડીઓ બનાવ્યાં. તેણે તેનાં બધાં પાત્રો પિત્તળનાં બનાવ્યાં. 4 અને તેણે વેદીને માટે તેની ધારની નીચે તેની આસપાસ પિત્તળની ગૂંથેલી જાળી તેની અડધી ઊંચાઈએ પહોંચે તેવી બનાવી 5 અને તેણે પિત્તળની જાળીના ચાર છેડાને માટે દાંડા રાખવાને માટે ચાર કડાં ઢાળ્યાં. 6 અને તેણે બાવળના લાકડાનાં દાંડા બનાવ્યા, ને તેમને પિત્તળથી મઢયા. 7 અને વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુઓ પરનાં કડાંમાં તે દાંડાં નાખ્યા. તેણે તે [વેદી] ખોખા જેવી પોલી બનાવી. પિત્તળનો હોજ બનાવ્યો ( નિ. ૩૦:૧૮ ) 8 અને તેણે મુલાકાતમંડપના દ્વાર આગળ સેવા કરનારી સ્ત્રીઓની આરસીઓનો પિત્તળનો હોજ તથા તેનું પિત્તળનું તળિયું બનાવ્યાં. મુલાકાતમંડપનું આંગણું બનાવ્યું ( નિ. ૨૭:૯-૧૯ ) 9 અને મૂસાએ આંગણું બનાવ્યું; દક્ષિણ તરફ દક્ષિણ બાજુએ આંગણાનો પડદો ઝીણા કાંતેલા શણનો એક સો હાથનો હતો. 10 તેમના સ્તંભ વીસ તથા એમની પિત્તળની કૂંભીઓ વીસ હતી; સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા. 11 અને ઉત્તરની બાજુને માટે એક સો હાથના પડદા, તેમના સ્તંભ વીસ, તથા એમની પિત્તળની કૂંભીઓ વીસ, સ્તંભોના આંકડાં તથા તેઓના સળિયા રૂપાના હતા. 12 અને પશ્ચિમ બાજુને માટે પડદા પચાસ હાથ, તેઓના સ્તંભો દશ, તથા તેઓની કૂંભીઓ દશ હતાં. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા; 13 અને પૂર્વ તરફ પૂર્વ બાજુને માટે પચાસ હાથ [ના પડદા હતા]. 14 [દરવાજાની] એક બાજુને માટે પડદા પંદર હાથના હતા; તેમન સ્તંભો ત્રણ, તથા તેઓની કૂંભીઓ ત્રણ. 15 અને બીજી બાજુને માટે પણ તેમ જ હતું. આંગણાના દરવાજાની પાસે આ બાજુએ તથા પેલી બાજુએ પંદર પંદર હાથના પડદા હતા; તેમના સ્તંભો ત્રણ, તથા તેમની કૂંભીઓ ત્રણ હતાં. 16 આંગણાની આસપાસના સર્વ પડદા ઝીણાં કાંતેલા શણના હતા. 17 અને સ્તંભોને માટે કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા; અને તેઓનાં મથાળાં રૂપાથી મઢેલાં હતાં; અને આંગણાના સર્વ સ્તંભ રૂપાથી મઢેલા હતા. 18 અને આંગણાના દરવાજાનો પડદો ભરત ભરનારે બનાવેલો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. અને તેની લંબાઈ વીસ હાથ, ને પહોળાઈમાં તેની ઊંચાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો. 19 અને તેઓના સ્તંભ ચાર, તથા તેઓના આંકડા રૂપાના, તથા તેઓનાં મથાળાં તથા સળિયા રૂપાથી મઢેલાં હતાં. 20 અને મંડપની તથા ચોતરફના આંગણાની બધી ખીલીઓ પિત્તળની હતી. મુલાકાતમંડપમાં વપરાયેલી ધાતુઓ 21 મંડપનો એટલે કરારમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકર ઇથામારની હસ્તક કરવામાં અવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે. 22 અને જે વિષે યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે સર્વ યહૂદાના કુળના હૂરના દીકરા ઊરીના દીકરા બસાલેલે બનાવ્યું. 23 અને તેની સાથે દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબાબ હતો, તે નકશી કોતરનાર તથા બાહોશ કારીગર, તથા નીલ, તથા જાંબુંડા, તથા કિરમજી તથા ઝીણા શણનું ભરત ભરનાર હતો. 24 જે સોનું પવિત્રસ્થાનના સર્વ કામને માટે વાપરવામાં આવ્યું, એટલે અર્પણનું સોનું, તે બધું ઓગણત્રીસ તાલંત, તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે સાતસો ને ત્રીસ શેકેલ હતું. 25 અને લોકોમાંના જે સર્વની ગણતરી થઈ તેઓનું રૂપું એક સો તાલંત, તથા પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે એક હજાર સાતસો ને પંચોતેર શેકેલ હતું. 26 વીસ વર્ષના તથા તેથી વધારે વયના જે માણસો ગણતરીમાં દાખલ થયા, એટલે છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ, તેઓમાંથી પ્રત્યેક માણસ માથાદીઠ એક બેકા, એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ [લાવ્યો]. 27 અને સો તાલંત રૂપું પવિત્રસ્થાનની કૂંભીઓ તથા પડદાની કૂંભીઓ ઢાળવાને માટે હતું. સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની [હતી]. 28 અને એક હજાર સાતસો ને પંચોતેર શેકેલ વડે તેણે સ્તંભોના આંકડા બનાવ્યા, તથા તેમનાં મથાળાં મઢયાં, તથા તેઓને માટે સળિયા બનાવ્યા. 29 અને અર્પેલું પિત્તળ સિત્તેર તાલંત, તથા બે હજાર ને ચારસો શેકેલ હતું. 30 અને તે વડે તેણે મુલાકાતમંડપના દરવાજાની કૂંભીઓ તથા પિત્તળની વેદી, તથા તેને માટે પિત્તળની જાળી, તથા વેદીનાં સર્વ પાત્રો, 31 તથા આસપાસના આંગણાની કૂંભીઓ, તથા મંડપની સર્વ ખીલીઓ, તથા આસપાસના આંગણાની સર્વ ખીલિઓ બનાવ્યાં. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India