નિર્ગમન 36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે. લોકો ઘણું દાન લાવ્યા 2 અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ અક્કલ મૂકી હતી તે સર્વને એટલે પ્રત્યેક માણસ જેનું હ્રદય તેને એવી પ્રેરણા કરતું હતું કે કાર્યમાં દાખલ થઈને તે કરવું તેઓને મૂસાએ બોલાવ્યા. 3 અને જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. અને હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી અર્પણ લાવતા હતા. 4 અને સર્વ બુદ્ધિમાન માણસો જેઓ પવિત્રસ્થાનનું બધું કામ કરતા હતા તેઓમાંનો પ્રત્યેક માણસ પોતે જે કામ કરતો હતો ત્યાંથી આવ્યો. 5 અને તેઓએ મૂસાની સાથે વાત કરીને કહ્યું, “જે કાર્ય કરવાની આજ્ઞા યહોવાએ કરી છે તેની સેવાને માટે જોઈએ એ કરતાં લોકો ઘણું લાવે છે.” 6 અને મૂસાએ આજ્ઞા કરી, ને તેઓએ આખી છાવણીમાં એવો ઢંઢેરો પિટાવ્યો, “પવિત્રસ્થાનના અર્પણને માટે કોઈ પુરુષે કે કોઈ સ્ત્રીએ હવે કંઈ કાર્ય ન કરવું, ” તેથી લોકો લાવતાં અટક્યા. 7 કેમ કે તેમની પાસે જે સામાન હતો તે બધું કાર્ય કરવાને માટે બસ હતો, ઊલટું જોઈએ તે કરતાં વધારે હતો. મુલાકાતમંડપ બનાવવામાં આવ્યો ( નિ. ૨૬:૧-૩૭ ) 8 અને તેઓમાંનો પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણના તથા નિપુણ કારીગરની કારીગરીના કરૂબોવાળા દશ પડદાનો મંડપ બનાવ્યો. 9 દરેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ, તથા દરેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા. 10 અને તેણે પાંચ પડદા એકબીજાની સાથે જોડયા. અને બાકીના પાંચ પડદા એકબીજાની સાથે જોડાયા. 11 અને પહેલાં સમૂહના છેલ્લા પડદાની કોરે તેણે નીલરંગી નાકાં બનાવ્યાં; અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે પણ તેણે એ જ પ્રમાણે કર્યું. 12 એક પડદામાં તેણે પચાસ નાકાં બનાવ્યાં, ને બીજા સમૂહના પડદાની કોરે તેણે પચાસ નાકાં બનાવ્યાં. નાકાં એકબીજાની સામસામાં હતાં. 13 અને તેણે સોનાના પચાસ ચાપડા બનાવ્યા, ને તે ચાપડા વડે પડદાને એકબીજાની સાથે જોડી દીધાથી આખો મંડપ બન્યો. 14 અને મંડપ ઉપર તબું બનાવવાને માટે તેણે બકરાંના વાળના પડદા બનાવ્યા; એવા અગિયાર પડદા તેણે બનાવ્યા. 15 દરેક પડદાની લંબાઈ ત્રીસ હાથ, તથા દરેક પડદાની ચોડાઈ ચાર હાથ હતી; તે અગિયારે પડદા એક જ માપના હતા. 16 અને તેણે પાંચ પડદા સાથે જોડયા, ને [બાકીના] છ પડદા સાથે જોડયા. 17 અને પહેલા સમૂહના છેલ્લા પડદાની કોરે તેણે પચાસ નાકાં બનાવ્યાં, અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે તેણ પચાસ નાકાં બનાવ્યાં. 18 અને તેમને જોડી દઈને આખો તંબુ બનાવવા માટે તેણે પિત્તળના પચાસ ચાપડા બનાવ્યા. 19 અને તેણે તંબુને માટે મેંઢાનાં રાતાં રંગેલાં ચામડાંનું આચ્છાદાન બનાવ્યું ને તે પર સીલ [માછલાં] નાં ચામડાંનું આચ્છાદાન બનાવ્યું. 20 અને મૂસાએ મંડપને માટે બાવળના લાકડાનાં ઊભાં પાટિયાં વહેરાવ્યાં. 21 દરેક પાટિયાની લંબાઈ દશ હાથ હતી, ને દરેક પાટિયાની ચોડાઈ દોઢ હાથ હતી. 22 દરેક પાટિયાને એકબીજા સાથે જોડાયેલાં બે સાલ હતાં. મંડપનાં સર્વ પાટિયાંને તેણે એ જ પ્રમાણે કર્યું. 23 અને તેણે મંડપને માટે પાટિયાં વહેરાવ્યાં [તેની વિગત] :દક્ષિણ તરફ દક્ષિણ બાજુને માટે વીસ પાટિયાં; 24 અને તેણે તે વીસ પાટિયાંની નીચે રૂપાની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ, ને બીજા પાટિયા નીચે તેનાં બે સાલને માટે બે કૂંભીઓ [એ પ્રમાણે]. 25 અને ઉત્તર તરફ મંડપની બીજી બાજુને માટે તેણે વીસ પાટિયાં, 26 તથા તેઓની રૂપાની ચાળીસ કૂંભીઓ બનાવી. એક પાટિયા નીચે બે કૂંભીઓ, ને બીજા પાટિયા નીચે બે કૂંભીઓ [એ પ્રમાણે]. 27 અને પશ્ચિમ તરફ મંડપની પછી તેને માટે તેણે છ પાટિયાં વહેરાવ્યાં. 28 અને મંડપની પછીતના ખૂણાઓને માટે તેણે બે પાટિયાં વહેરાવ્યા. 29 અને તેઓ નીચેથી જોડેલાં હતાં, અને એ જ પ્રમાણે સળંગ ટોચ સુધી જઈને તેઓ એક કડામાં જોડાયેલાં હતાં. તેણે બે ખૂણામાં બન્નેને તે જ પ્રમાણે કર્યું. 30 અને આઠ પાટિયાં હતાં, ને તેઓની રૂપાની કૂંભીઓ સોળ; એટલે દરેક પાટિયા નીચે બબ્બે કૂંભીઓ. 31 અને તેણે બાવળના લાકડાની ભૂંગળો બનાવી. મંડપની એક બાજુનાં પાટિયાંને માટે પાંચ, 32 ને મંડપની બીજી બાજુના પાટિયાંને માટે પાંચ ભૂંગળો, ને પશ્ચિમ તરફ મંડપની પાછળનાં પાટિયાંને માટે પાંચ ભૂંગળો. 33 અને તેણે વચલી ભૂંગળ પાટિયાંને મધ્ય ભાગે એક છેડાથી તે બીજા છેડા સુધી ખોસી. 34 અને તેણે પાટિયાં સોનાથી મઢયાં, ને તેણે ભૂંગળોને રહેવાની જગાને માટે સોનાનાં કડાં બનાવ્યાં, ને ભૂંગળોને સોનાથી મઢી. 35 અને મૂસાએ નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. નિપુણ કારીગરે કરૂબોવાળો તે બનાવ્યો. 36 અને તેણે તેને માટે બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યા, ને તેઓને સોનાથી મઢયા. તેઓને માટે રૂપાની ચાર કૂંભીઓ ઢાળી. 37 અને તેણે મંડપના દ્વારને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો ભરત ભરનારના હાથે બનેલા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો; 38 તથા તેના પાંચ સ્તંભ તેઓના આંકડા સહિત, અને તેણે તેઓનાં મથાળાં તથા ચીપો સોનાથી મઢયાં; અને તેઓની પાંચ કૂંભીઓ પિત્તળની હતી. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India