નિર્ગમન 33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઇઝરાયલી લોકોને સિનાઈ પર્વત આગળથી છાવણી ઉપાડવાનો યહોવાનો હુકમ 1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ચાલ, ને જે લોકોને તું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને સમ ખાઈને કહ્યું ‘તારા સંતાનને હું તે આપીશ, ’ તે દેશમાં જા. 2 અને તારી આગળ હું દૂતને મોકલીશ; અને કનાની તથા અમોરી તથા હિત્તી તથા પરિઝી તથા હિવ્વી તથા યબૂસીને હું હાંકી કાઢીશ; 3 એટલે દૂધ તથા મધની રેલમછેલવાળા દેશમાં જા. તું તો હઠીલી પ્રજા છે, માટે હું તારી મધ્યે ચાલીશ નહિ, રખેને હું રસ્તામાં તારો સંહાર કરું.” 4 અને લોકોએ આ માઠી ખબર સાંભળીને વિલાપ કર્યો; અને કોઈએ પોતાનાં ઘરેણાં પહેર્યાં નહિ. 5 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને કહે, ‘તમે હઠીલી પ્રજા છો. જો હું એક પળવાર તારી મધ્યે આવું તો હું તારો સહાર કરું. તો હવે તારાં ઘરેણાં ઉતાર કે, મારે તને શું કરવું તે હું જાણું.” 6 અને હોરેબ પર્વતથી માંડીને ઇઝરાયલી લોકોએ પોતાનાં ઘરેણાં ઉતારી મૂક્યાં. યહોવાની હાજરીનો મંડપ (મુલાકાતમંડપ) 7 હવે મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે તાણતો હતો; અને તેણે તેનું [નામ] મુલાકાતમંડપ પાડયું. અને એમ થયું કે યહોવાને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો. 8 અને એમ થયું કે મૂસા નીકળીને પોતપોતાના તંબુના બારણામાં ઊભાર રહેતા, ને મંડપમાં મૂસાના પેસતાં સુધી તેની પાછળ જોઈ રહેતા. 9 અને એમ થયું કે મૂસા મંડપમાં પેસતો એટલે મેઘસ્તંભ ઊતરતો ને મંડપના દ્વાર પાસે થોભતો; અને [યહોવા] મૂસાની સાથે વાત કરતા. 10 અને સર્વ લોકો મેઘસ્તંભને મંડપના દ્વાર પાસે ઊભો રહેલો જોતા. અને સર્વ લોકો ઊઠીને પોતપોતાના તંબુના બારણા આગળ ભજન કરતા. 11 અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે, તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતા. પછી તે છાવણીમાં પાછો આવતો; પણ તેનો સેવક, નૂનનો દીકરો યહોશુઆ, જે જુવાન માણસ હતો, તે મંડપમાંથી નીકળતો ન હતો. યહોવા પોતાના લોકોની સાથે રહેવાનું વચન આપે છે. 12 અને મૂસાએ યહોવાને કહ્યું, “જુઓ, તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જા;’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પરંતુ તમે કહ્યું છે, ‘હું તને ઓળખું છું, તારું નામ પણ જાણું છું, ને વળી મારી દષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’ 13 તો હવે તમારી દષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને તમારા માર્ગ જણાવજો કે, હું તમને ઓળખું, એ માટે કે હું તમારી દષ્ટિમાં કૃપા પામું; અને આ પ્રજા તે તમારા લોક છે એ તમે લક્ષમાં લો.” 14 અને યહોવાએ કહ્યું, “મારી સમક્ષતા તારી સાથે આવશે, ને હું તને વિસામો આપીશ.” 15 અને મૂસાએ તેમને કહ્યું, “જો તમારી સમક્ષતા સાથે ન આવે તો અમને અહીંથી લઈ ન જાઓ. 16 કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોક તમારી દષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે, તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોક પૃથ્વી ઉપરના સર્વ લોકથી જુદા છીએ?” 17 અને યહોવાએ મૂસાને કહ્યું, “જે વાત તું બોલ્યો છે તે પ્રમાણે પણ હું કરીશ; કેમ કે તું મારી દષ્ટિમાં કૃપા પામ્યો છે, ને હું તને નામે ઓળખું છું.” 18 અને મૂસાએ કહ્યું, “કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો.” 19 અને યહોવાએ કહ્યું, “હું મારી સઘળી ભલાઈનું દર્શન તને કરાવીશ, ને હું તારી આગળ યહોવાનું નામ પ્રગટ કરીશ, અને જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ, ને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.” 20 વળી યહોવાએ કહ્યું, “તું મારું મુખ જોઈ શકતો નથી; કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહિ.” 21 અને યહોવાએ કહ્યું, “જો, મારી પાસે એક જગા છે, ને તું ખડક પર ઊભો રહે. 22 અને એમ થશે કે મારું ગૌરવ ત્યાં થઈને જશે તે વખતે હું તને ખડકની ફાટમાં રાખીશ, ને હું ત્યાં થઈને જાઉં ત્યાં સુધી હું મારા હાથથી તને ઢાંકી રાખીશ. 23 પછી હું મારો હાથ લઈ લઈશ, ને તું મારી પીઠ જોશે. પણ મારું મુખ તું જોવા પામશે નહિ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India