Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ધૂપવેદી
( નિ. 3૭:૨૫-૨૮ )

1 અને તું ધૂપ બાળવા માટે વેદી બનાવ; તું તેને બાવળની બનાવ.

2 તે એક હાથ લાંબી ને એક હાથ પહોળી, એટલે તે ચોખંડી થાય; અને તે બે હાથ ઊંચી થાય. તેનાં શિંગ તેની સાથે સળંગ હોય.

3 અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, એટલે તેના મંથાળાને તથા તેની ચારેગમની બાજુઓને તથા તેનાં શિંગોને તું મઢ; અને તેને માટે તું સોનાની ફરતી કિનારી બનાવ.

4 અને તેને માટે તેની કિનારી નીચે તું સોનાનાં બે કડાં બનાવ; બન્‍ને બાજુએ, તેનાં બે પડખાં પર તું તેઓને બનાવ. અને તેઓ તેને ઊંચકવાને સારું બે દાંડાને માટે જગા થાય.

5 અને દાંડાઓ તું બાવળના બનાવ, ને તેઓને સોનાથી મઢ.

6 અને કરારકોશ પાસેનઅ પડદા આગળ, એટલે જ્યાં હું તને મળીશ તે કરાર પરના દયાસન આગળ તું તેને મૂક.

7 અને હારુન તે પર સુગંધીદાર ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફસૂફ કરે ત્યારે તે ધૂપ બાળે.

8 અને સાંજે જ્યારે હારુન બત્તીઓ સળગાવે ત્યારે તે ધૂપ બાળે. તમારામાં પેઢી દરપેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય.

9 તે વેદી પર તમે અન્ય ધૂપ કે દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ ચઢાવશો નહિ; અને તે પર કંઈ પેયાર્પણ રેડશો નહિ.

10 અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”

11 અને યહોવાએ મૂસાને કહ્યું,

12 “ઇઝરાયલી લોકોની સંખ્યા કેટલી છે તે જોવા જ્યારે તું ગણતરી કરે ત્યારે તેમની ગણતરી થતી વખતે તેઓમાંનો દરેક પુરુષ પોતાના જીવના બદલામાં યહોવાને ખંડણી આપે; એ માટે કે જ્યારે તેમની ગણતરી થાય ત્યારે તેઓ મધ્યે કંઈ મરકી ન આવે.

13 તેઓ આ પ્રમાણે આપે “ગણમાં જેઓ દાખલ થાય તેઓમાંનો દરેક પુરુષ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ આપે (વીસ ગેરાહનો શેકેલ થાય છે), યહોવાને અર્પણ તરીકે તે અડધો શેકેલ આપે.

14 વીસ વર્ષનો કે તેથી વધારે વયનો જે દરેક પુરુષ ગણમાં દાખલ થાય, તે યહોવાને આ અર્પણ આપે.

15 તમારા જીવના બદલામાં પ્રાયશ્ચિત કરવાને માટે તેઓ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે દ્રવ્યવાન માણસ અડધા શેકેલ કરતાં વત્તું ન આપે, તેમ દરિદ્રી તેથી ઓછું ન આપે.

16 અને ઇઝરાયલી લોકોની પાસેથી પ્રાયશ્ચિતના પૈસા લઈને તું તેને મુલાકાતમંડપની સેવાને અર્થે ઠરાવ. એ માટે કે તે તમારા જીવને માટે પ્રાયશ્ચિત કરવાને અર્થે ઇઝરાયલી લોકોને માટે યહોવાની આગળ યાદગીરીરૂપ થાય.”


પિતળનો હોજ

17 અને યહોવાએ મૂસાને કહ્યું,

18 “વળી હાથપગ ધોવાને માટે તું પિત્તળનો હોજ બનાવ, ને તેનું તળિયું પિત્તળનું થાય; અને તું તેને મુલાકાતમંડપ તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી રેડ.

19 અને હારુન તથા તેના દીકરાઓ તેમાં હાથપગ ધુએ.

20 તેઓ મુલાકાતમંડપમાં પેસે, અથવા સેવા કરવાને માટે, એટલે યહોવાને માટે હોમયજ્ઞ બાળવાને માટે, એટલે યહોવાને માટે, હોમયજ્ઞ બાળવાને માટે, વેદી પાસે આવે ત્યારે તેઓ માર્યા ન જાય માટે પાણીથી સ્નાન કરે.

21 એમ જ તેઓ હાથપગ ધુએ, એ માટે કે તેઓ મરે નહિ. અને તે તેઓને માટે એટલે પેઢી દરપેઢી તેને માટે તથા તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.”


અભિષેકનું તેલ

22 વળી યહોવાએ મૂસાને કહ્યું,

23 “તું તારી પાસે મુખ્ય સુગંધીઓ પણ લે, અડધો ભાગ એટલે અઢીસો શેકેલ સુગંધીદાર તજ, ને અઢીસો શેકેલ સુગંધીદાર બરુ,

24 ને પાંચસો શેકેલ દાલચીની, એ પ્રમાણે તું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લે. વળી તું એક હીન જૈતૂનફળનું તેલ લે;

25 અને તું તેને પવિત્ર અભિષેકનું તેલ, સુગંધી બનાવનારના હુન્‍નર મુજબ મિશ્ર કરેલી સુગંધી બનાવ; તે અભિષેકનું પવિત્ર તેલ થાય.

26 અને તેથી તું મુલાકાતમંડપને તથા કરારકોશને,

27 તથા તેનાં બધાં પાત્રો સહિત મેજને, તથા તેનાં બધાં પાત્રો સહિત દીપવૃક્ષને, તથા ધૂપવેદીને,

28 તથા તેનાં બધાં પાત્રો સહિત યજ્ઞવેદીને, તથા હોજને તથા તેના તળિયાને અભિષિક્ત કર.

29 અને તું તેઓને પવિત્ર કર કે તેઓ પરમપવિત્ર થાય; તેઓને જે કંઈ અડકે તે પણ પવિત્ર થશે.

30 અને તું હારુનને તથા તેના દીકરાઓને અભિષિકત કરીને પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે.

31 અને તું ઇઝરાયલી લોકોને કહે કે તમારી પેઢી દરપેઢી આ મારે માટે અભિષેકનું પવિત્ર તેલ થાય

32 તે માનવના દેહ પર ન રેડાય, ને તેના જેવી મેળવણીનું તમે કંઈ બનાવશો નહિ; તે પવિત્ર છે, ને તે તમારે માટે પવિત્ર ગણાશે.

33 જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પરાક્રમ માણસ પર રેડે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”


ધૂપ

34 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલેથ તથા હેલ્બનાએ, સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સહિત લે; દરેકને સરખા તોલ પ્રમાણે લે.

35 અને તેનો ધૂપ એટલે સુગંધી બનાવવનારના હુન્‍નર મુજબ સુગંધી બનાવ, તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય.

36 અને તેમાંથી કેટલુંક ઝીણું ખાંડીને તું તેને મુલાકાતમંડપમાં, કરારકોશની આગળ, જ્યાં હું તને મળીશ, ત્યાં મૂક. તે તમારે માટે પરમપવિત્ર ગણાશે.

37 અને જે ધૂપ તું બનાવે, તેના જેવી બનાવટનો તમે પોતાને માટે બનાવશો નહિ. તે તને યહોવાને માટે પવિત્ર હોય.

38 તેના જેવા જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan