Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મુલાકાત મંડપ માટેનાં દાનો
( નિ. ૩૫:૪-૯ )

1 અને યહોવાએ મૂસાની સાથે બોલતાં કહ્યું,

2 “ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારે માટે દાન ઉઘરાવે. જેના મનમાં આપવાની હોંસ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો.

3 તેઓની પાસેથી જે દાન ઉઘરાવવું તે આ પ્રમાણે:સોનું તથા રૂપું તથા પિત્તળ;

4 અને નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગો, ને શણ ને બકરાંના વાળ;

5 અને ઘેટાંનાં લાલ રંગેલાં ચામડાં તથા સીલ [માછલી] નાં ચામડાં ને બાવળનું લાકડું;

6 બત્તીને માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુંગધીઓ;

7 ગોમેદ પાષાણો. ને એફોદ તથા ઉરપત્રને માટે જડવાના પાષાણો.

8 અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.

9 જે સર્વ હું તને બતાવું છું, એટલે મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો, તે પ્રમાણે તમે તે બનાવો.


કરારકોશ
( નિ. ૩૭:૧-૯ )

10 અને તેઓ બાવળનો કોશ બનાવે. તેની લંબાઇ અઢી હાથ, ને તેની પહોળાઇ દોઢ હાથની હોય.

11 અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, અંદરથી તથા બહારથી તું તેને મઢ, ને તેને ફરતી સોનાની કિનારી બનાવ.

12 અને તેને માટે તું સોનાનાં ચાર કડાં ઢાળ, ને તેમને તેના ચાર પાયામાં જડલ અને એક બાજુએ બે કડાં ને બીજી બાજુએ બે કડાં, એ પ્રમાણે રાખ.

13 અને તું બાવળના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ.

14 અને કોશ ઊંચકવાને માટે તું કોશની બાજુઓ પરનાં કડાંમાં દાંડાં નાંખ.

15 દાંડા કોશનાં કડાંમાં રહે. તેઓ તેમાંથી લઈ લેવામાં ન આવે.

16 અને હું જે કરારલેખ તને આપીશ, તે તું કોશમાં મૂકજે.

17 વળી તું ચોખ્ખા સોનાનું દયાસન બનાવ; તેની લંબાઇ અઢી હાથ, ને પહોળાઈ દોઢ હાથની હોય.

18 અને તું સોનાના બે કરૂબો બનાવ. તેઓ દયાસનના બે છેડા પર, ઘડતર કામના થાય.

19 અને એક કરૂબ એક છેડા પર, ને બીજો બજા છેડા પર બનાવ. દયાસનને બે છેડે તેની સાથે સળંગ, એ પ્રમાણે તું કરૂબો બનાવ.

20 અને કરૂબો પાંખો ઊંચી પસારીને મુખો સામસામાં રાખીને દયાસન પર પોતાની પાંખોથી આચ્છાદાન કરે; કરૂબોનાં મોં દયાસન તરફ રહે;

21 અને કોશ ઉપર તું દયાસન મૂક; અને હું તને જે કરારલેખ આપીશ, તે તું કોશની અંદર મૂકજે.

22 અને ત્યાં હું તને મળીશ, ને ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.


ઈશ્વરને અર્પેલી રોટલીનું મેજ
( નિ. ૩૭:૧૦-૧૬ )

23 વળી તું બાવળની મેજ બનાવ. તે બે હાથ લાંબી, એક હાથ પહોળી તથા દોઢ હાથ ઊંચી હોય.

24 અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, ને તેને ફરતી સોનાની કિનારી બનાવ.

25 અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવ, ને કોરની આસપાસ સોનાની કિનારી બનાવ.

26 અને તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડ.

27 મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કોરની નજીક રહે.

28 અને તું મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ.

29 અને તું તેની થાળીઓ તથા કડછીઓ તથા વાડકા તથા રેડવાને માટે પ્યાલા બનાવ; તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવ;

30 અને તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખ.


દીપવૃક્ષ

31 વળી તું ચોખ્ખા સોનાનું દીપવૃક્ષ બનાવ. તે ઘડતર કામનું હોય, ને તેની બેઠક, તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલો, તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલાં હોય.

32 અને તેની બાજુઓમાંથી છ શાખઓ, ને બીજી બાજુમઆંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ, ને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.

33 એક શાખામાં ત્રણ બદામફૂલના આકારનાં ચાડાં, એક કળી તથા એક ફૂલ; તે પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય.

34 અને દીપવૃક્ષમાં ચાર બદામફૂલના આકારનાં ચાંડાં, તેઓની કળીઓ તથા તેઓનાં ફૂલો સહિત હોય,

35 અને શાખાઓની એક જોડની નીચે નીચે તેની સાથે એક કળી, તથા ત્રીજી જોડની નીચે તેની સાથે એક કળી, એ પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છ શાખાઓનું કરવું.

36 તેઓની કળીઓ તથા શાખાઓ, તે તેની સાથે હોય; તે તમામ ચોખ્ખા સોનાના એક જ ટુકડાનું ઘડી કાઢેલું થાય.

37 વળી તેના તું સાત દીવા બનાવજે; અને તેની આગળ અજવાળું આપવા માટે તેઓ દીવા સળગાવે.

38 અને તેના ચીપિયા તથા તેની તબકડીઓ ચોખ્ખા સોનાનાં થાય.

39 અને આ બધાં પાત્રો સહિત તે એક તાલંત સોનાનું બને.

40 અને જોજે, તેઓનો જે નમૂનો તને પર્વત પર બતાવવામાં આવ્યો છે, તે પ્રમાણે તું તેઓને બનાવ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan