નિર્ગમન 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અદલ ઇનસાફ અને ન્યાયી વહેવાર 1 “તું જૂઠી અફવા માની ન લે; દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર. 2 બહુમતીનું અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર; અને કોઈ મુકદમામાં બહુમતીની તરફેણમાં વળી જઈને જૂઠી સાક્ષી પૂરીને ન્યાય ન મરડ. 3 અને ગરીબ માણસના દાવામાં પક્ષપાત ન કર. 4 તું તારા શત્રુના બળદને કે તેના ગધેડાને નાસી જતાં જુએ તો તેને ત્યાં જરૂર તેને પાછું પહોંચાડ. 5 જો તું તારા દુશ્મનના ગધેડાને તેના ભારથી ચગદાઈને પડી રહેલું જુએ, ને જો તેની ખાતર તેને છૂટું કરવાની મરજી તને ન હોય, તો તેને સહાય આપીને તારે તેને છૂટું કરવું જ. 6 તું ગરીબના દાવામાં ન્યાય ન મરડ. 7 જૂઠી બાબતથી દૂર રહે; અને નિર્દોષને તથા ન્યાયીને તું મારી ન નાખ; કેમ કે હું દુષ્ટને ન્યાયી ઠરાવીશ નહિ. 8 તું કંઈ લાંચ ન લે; કેમ કે લાંચ દેખતાને અંધા બનાવે છે, ને ન્યાયીઓના દાવાને ઊંધો વાળે છે. 9 અને પરદેશીને તું હેરાન ન કર; કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા, માટે તમે પરદેશીની લાગણી જાણો છો. સાતમું વર્ષ અને સાતમો દિવસ 10 અને છ વરસ તું તારા ખેતરમાં વાવેતર કર, ને તેની ઊપજ ભેગી કર; 11 પણ સાતમે વર્ષે તેને વિશ્રામ આપી પડતર રાખ; કે તારા લોકોમાંના ગરીબોને ખાવાનું મળે, ને તેઓ પડયું મૂકે તે વનપશુઓ ખાય. તારી દ્રાક્ષાવાડી તથા તારી જૈતવાડીને પણ તું એ પ્રમાણે કર. 12 છ દિવસ તું તારું કામ કર, ને સાતમે દિવસે વિશ્રામ લે; કે તારા બળદને તથા તારા ગધેડાને વિસામો મળે, ને તારી દાસીનો દીકરો તથા પરદેશી વિશ્રામ લે. 13 અને જે બધી બાબતો મેં તમને કહી છે તે વિષે સાવચેત રહો. અને અન્ય દેવોનાં નામ ન ઉચ્ચાર, ને તે તારા મુખમાંથી ન સંભળાય. ત્રણ મોટાં પર્વ ( નિ. ૩૪:૧૮-૨૬ ; પુન. ૧૬:૧-૧૭ ) 14 વર્ષમાં તું મારે માટે ત્રણ વાર પર્વ પાળ. 15 બેખમીર રોટલીનું પર્વ પાળ; એટલે તને મેં આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલે સમયે બેખમીર રોટલી તું સાત દિવસ ખા (કેમ કે તે [માસ] માં તું મિસરમાંથી નીકળ્યો); અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ. 16 વળી ખેતરમાં વાવેલામાંથી લઈને તારી મહેનતના પ્રથમ ફળનું, એટલે કાપણીનું પર્વ પાળ; અને વર્ષને અંતે ખેતરમાંથી તારી મહેનતનું ફળ ભેગું કરે ત્યારે તું સંગ્રહપર્વ પાળ. 17 તારામાંના દરેક પુરુસે વર્ષમાં ત્રણવાર ઈશ્વર યહોવાની આગળ હાજર થવું. 18 મારા યજ્ઞનું રક્ત તું ખમીરી રોટલી સહિત અર્પણ કરીશ નહિ; તેમ જ મારા પર્વનો મેદ તું આખી રાત સવાર સુધી રહેવા ન દઈશ. 19 તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ. વચનો અને શિખામણ 20 જો, માર્ગે તને સંભાળવાને માટે; ને મેં જે ઠેકાણું તૈયાર કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું. 21 તેની વાતને ધ્યાન દેજે, ને તેની વાણી સાંભળજે, તેને ક્રોધ ચઢાવીશ નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ. કેમ કે તે તમારો અપરાધ માફ કરશે નહિ; કારણ કે મારું નામ તેનામાં છે. 22 પણ જો તું તેની વાણી સાંભળ્યા કરીશ જ, ને હું જે કહું છું તે બધું કરીશ, તો હું તારા વૈરીઓનો વૈરી ને તારા શત્રુઓનો શત્રુ થઈશ. 23 કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા કનાની, હિવ્વી તથા યબૂસી લોકની પાસે તે તને લઈ જશે; અને હું તેઓને નષ્ટ કરીશ. 24 તેઓના દેવો આગળ તું ન નમીશ, ને તેઓની સેવા ન કરીશ, ને તેઓનાં કામ પ્રમાણે ન કરીશ; પણ તેઓને તું તદન તોડી પાડ, ને તેઓના સ્તંભોના ચૂરેચૂરા કર. 25 વળી તમે યહોવા તમારા ઈશ્વરની સેવા કરજો, ને તે તારા અન્નજળને આશીર્વાદ આપશે; અને હું તારી મધ્યેથી રોગ દૂર કરીશ. 26 તારા દેશમાં ગર્ભપાત થશે-નહિ; ને વાંઝણી પણ હશે નહિ. તારા આયુષ્યના પૂરા દિવસો હું તને આપીશ. 27 હું તારી આગળ મારો ત્રાસ એવો મોકલીશ કે, જે બધા લોકોમાં થઈને તું જશે તેમને હું થથરાવી નાખીશ, ને તારા સર્વ શત્રુઓ તારી તરફ પીઠ ફેરવે એવું હું કરીશ. 28 વળી તારી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિત્તી લોકોને તારી આગળથી હાંકી કાઢીશે. 29 હું એક જ વર્ષમાં તેમને તારી આગળથી હાંકી કાઢીશ નહિ; રખેને દેશ ઉજ્જડ થઈ જાય, ને જંગલના પ્રાણીઓ તારી સામે વધી જાય. 30 તું વધી જાય ને દેશનો વારસો પામે ત્યાં સુધીમાં હું તેમને તારી આગળથી રફતે રફતે હાંકી કાઢીશ. 31 અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ; કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ; અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ. 32 તું તેઓની સાથે અથવા તેઓના દેવોની સાથે કરાર કરીશ નહિ. 33 તેઓ તારા દેશમાં ન વસે, રખેને તેઓતારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે; કેમ કે જો તું તેઓના દેવોની સેવા કરે, તો જરૂર તે તને ફાંદારૂપ થઈ પડશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India