Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દાસી-દાસીઓ અને ચાકરો પ્રત્યેના વર્તાવ વિષે

1 “અને તારે જે કાનૂનો તેઓની આગળ રજૂ કરવા તે આ છે:

2 જો તું કોઈ હિબ્રૂ દાસ ખરીદે, તો તે છ વર્ષ સુધી ચાકરી કરે; અને સાતમે વર્ષે તે એમ ને એમ છૂટી જાય.

3 અને જો તે છડો આવ્યો હોય, તો તે છડો છૂટે. જો તે પરણેલો આવ્યો હોય, તો તેની સાથે તેની પત્ની પણ છૂટે.

4 અને જો તેના શેઠે તેને પત્ની કરાવી આપી હોય, ને જો તેને પેટે તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય; તો તે સ્‍ત્રી તથા તેનાં છોકરાં તેના શેઠનાં થાય, ને પેલો એકલો છૂટે.

5 પણ જો તે દાસ સ્પષ્ટ કહે, ‘હું મારા શેઠને તથા મારી પત્નીને તથા મારાં છોકરાંને ચાહું છું; મારે તો છૂટવું નથી.’

6 તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.

7 અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો દાસોની પેઠે તે ન છૂટે.

8 જે માણસે તેને રાખી હોય તેને જો તે ન ગમે, તો તે તેનું મૂલ્ય લઈને તેને છૂટી થવા દે. પારકા લોકોને ત્યાં તેને વેચવાની સત્તા તેને નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.

9 અને જો તે તેના દીકરાને માટે તેને રાખે, તો તે તેની પ્રત્યે પોતાની પુત્રીઓની જેમ વર્તે.

10 જો તે બીજીને રાખે, તો તે તેની ખોરાકીપોષાકી તથા લગ્નહકમાંથી કંઈ ઘટડો ન કરે.

11 અને જો તે તેની પ્રત્યે એ ત્રણ [ફરજો] અદા ન કરે, તો તે મફત એટલે વિના મૂલ્યે છૂટી જાય.


આવેશી હુમલાનાં કાર્યો માટે નિયમો

12 જે કોઈ માણસને મારીને તેનું મોત નિપજાવે, તે નિશ્ચે માર્યો જાય.

13 પણ લાગ તાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય, પણ તેના હાથમાં ઈશ્વર [કોઇને] સોંપે, તો તેને નાસી જવા માટે એક જગા હું તારે માટે ઠરાવીશ.

14 અને જો કોઈ માણસ જાણીજોઈને પોતાના પડોશી પર ઘસી પડીને તેને કપટથી મારી નાખે; તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો.

15 અને જે કોઈ પોતાના પિતા ને કે પોતાની માતાને મારે, તે નક્કી માર્યો જાય.

16 અને જે કોઈ ચોરીથી મનુષ્યહરણ કરીને તેને વેચે, અથવા જો એ તેના કબજામાં મળી આવે, તો તે નક્કી માર્યો જાય.

17 અને જે કોઈ પોતાના પિતાને કે પોતાની માતાને શાપ દે તે નક્‍કી માર્યો જાય.

18 અને જો કોઈ માણસો ઝઘડો કરતા હોય, ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્‍કીથી એવો મારે કે તે મરી જાય નહિ પણ ખાટલે પડે;

19 અને જો તે પાછો ઊઠે ને લાકડીએ ટેકીને હરીફરી શેક, તો તેને મારનાર છૂટી જાય. ફક્ત એ તેના વખતની નુકસાની ભરી આપે, ને તેને પૂરેપૂરો સાજો કરાવી આપે.

20 અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે, તો તેને નક્‍કી શિક્ષા થાય.

21 પણ જો તે એક બે દિવસ જીવતું રહે, તો એને શિક્ષા ન થાય; કેમ કે તે તેની પોતાની સંપત છે.

22 અને જો માણસો એકબીજા સાથે લડતાં કોઈ ગર્ભપાત નીપજે, પણ પાછળથી બીજું કંઈ નુકશાન ન થાય; તો તે સ્‍ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે; અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે.

23 પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ,

24 આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,

25 બાળવાને બદલે બાળવું, ધાને બદલે ઘા, ફટકાને બદલે ફટકો, ભરી આપવાં.

26 અને જો કોઈ માણસ પોતાના ચાકરને આંખ પર કે પોતાની ચાકરડીને આંખ પર મારીને તે ફોડી નાખે, તો તેની આંખની ખાતર તે તેને છોડી દે.

27 અને જો તે પોતાના ચાકરનો દાંત કે પોતાની ચાકરડીનો દાંત ભાંગી નાખે, તો તેના દાંતની ખાતર તે તેને છોડી દે.


માલિકની જવાબદારી

28 અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્‍ત્રીને શિંગડું મારીને તેનું મોત નિપજાવે, તો તે બળદને નક્‍કી પથ્થરે મારવો, ને તેનું માંસ ન ખાવું; પણ બળદનો માલિક નિર્દોષ ઠરે.

29 પણ જો તે બળદને પહેલાંથી શિંગડું મારવાની ટેવ હોય, ને તેના માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે માલિકને તેની ખબર હોય, તેમ છતાં તેણે તેને કબજે રાખ્યો ન હોય, ને તેથી તેણે કોઈ પુરુષનો અથવા સ્‍ત્રીનો જીવ લીધો હોય; તો તે બળદ પથ્થરે માર્યો જાય.

30 અને જો તેને માથે મૂલ્ય ઠરાવવામાં આવે, તો તેના જીવને સાટે જે મૂલ્ય તેને માથે ઠરાવવામાં આવે તે તે ભરી આપે.

31 તેણે કોઈના દીકરાને શિંગડું માર્યું હોય, કે કોઈની દીકરીને શિગડું માર્યું હોય, તોપણ આ કાનૂન પ્રમાણે તેના પર અમલ કરવો.

32 જો તે બળદ કોઈના ચાકરને કે કોઈની ચાકરડીને શિંગડું મારે; તો [તેનો માલિક] તેમના શેઠને ત્રીસ શેકેલ રૂપું ભરી આપે, ને તે બળદ પથ્થરે મરાય.

33 અને જો કોઈ માણસ કોઈ ખાડો ખોદે, અથવા જો કોઈ માણસ ખાડો ખોદીને તેને ઢાંકે નહિ, ને તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડી જાય,

34 તો ખાડાનો માલિક તે [નું મૂલ્ય] ભરી આપે; તે તેમના માલિકને પૈસા આપે, ને મૂએલું [જાનવર] તેનું થાય.

35 અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને મારીને મારી નાખે; તો તેઓ જીવતા બળદને વેચીને તેની કિંમત વહેંચી લે, ને મરેલાને પણ તેઓ વહેંચી લે.

36 અથવા પોતાના બળદને અગાઉથી મારવાની ટેવ છે એવી ખબર તેના માલિકને હોવા છતાં, જો તેણે તેને કબજે રાખ્યો ન હોય; તો તે બળદને બદલે બળદ નક્કી આપે, ને મરેલું [જાનવર] તેનું થાય.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan