Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સિનાઇ પર્વત આગળ ઇઝરાયલ લોકો આવ્યા

1 ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યાને ત્રીજા માસને પહેલે જ દિવસે સિનાઇ અરણ્યમાં આવ્યા.

2 અને તેઓ રફીદીમથી ઊપડીને સિનાઇના અરણ્માં આવ્યા, ત્યારે તેઓએ તે જ અરણ્યમાં છાવણી કરી.

3 અને મૂસા ઉપર ચઢીને ઈશ્વરની હજૂરમાં ગયો અને યહોવાએ પર્વત પરથી તેને હાંક મારીને કહ્યું, “યાકૂબના ઘરનાને આ પ્રમાણે કહીને ઇઝરાયલી લોકોને જાહેર કર કે,

4 મેં મિસરીઓને જે વિતાડયું, તથા કેવી રીતે હું તમને ગરૂડની પાંખો ઉપર ઊંચકીને મારી પાસે લાવ્યો તે તમે જોયું છે.

5 તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.

6 અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયલીઓને કહેવી.”

7 અને મૂસાએ આવીને લોકોના વડીલોને બોલાવ્યા, ને યહોવાએ તેને ફરમાવેલાં સર્વ વચનો તેઓની આગળ કહી સંભળાવ્યાં.

8 અને સર્વ લોકોએ એક મતે ઉત્તર આપીને કહ્યું કે, યહોવાએ જે ફરમાવ્યું તે બધું અમે કરીશું. અને લોકો જે બોલ્યા તે મૂસાએ યહોવાની આગળ જાહેર કર્યું.

9 અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, હું ઘાડા વાદળામાં તારી પાસે આવું છું, એ માટે કે જ્યારે હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે, ને વળી તારા [કહેવા] પર તેઓ સદા વિશ્વાસ કરે.” અને મૂસાએ લોકોનું કહેવું યહોવાએ જાહેર કર્યું.

10 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ,

11 ને ત્રીજા દિવસને માટે તૈયાર થાય; કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના જોતાં સિનાઇ પર્વત ઉપર ઊતરશે.

12 અને તું લોકોને માટે ચોગરદમ હદ ઠરાવીને કહે કે, ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા ના, ને તેની કોરને અડકતા ના. જે કોઇ પર્વતને અડકશે તે નિશ્ચે માર્યો જશે.

13 જે કોઇ તેને હાથ અડકાડશે તે પથ્થરે મરાયા વગર કે [તીરથી] વીંધાયા વગર રહેશે જ નહિ; પછી ગમે તેઓ તે પશુ હોય કે માણસ હોય પણ તે નહિ બચે. જ્યારે રણશિંગડું લઅભે સૂરે વાગે, ત્યારે તેઓ ઢોળાવ‍ ચઢીને પર્વત પાસે આવે.”

14 અને મૂસા પર્વત પરથી લોકો પાસે ઊતરી આવ્યો, ને તેણે લોકોને શુદ્ધ કર્યા, અને તેઓએ પોતાના વસ્‍ત્ર ધોયાં.

15 અને તેણે લોકોને કહ્યું, “તમે ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ; સ્‍ત્રીની નજીક જતા મા.”

16 અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે, ગર્જના તથા વીજળી તથા પર્વત પર ઘાડું વાદળ, તથા રણશિંગડાનો બહુ મોટો અવાજ થયાં; અને તેથી છાવણીના સર્વ લોક ધ્રૂજી ગયા.

17 અને ઈશ્વરને મળવા માટે મૂસાએ લોકોને છાવણી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા.

18 અને આખા સિનાઈ પર્વત ઉપર ધુમાડો થયો; કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઊતર્યા; અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચઢયો, ને આખો પર્વત બહુ કંપ્યો.

19 અને જ્યારે રણશિંગડાનો અવાજ વધારે ને વધારે મોટો થતો ગયો, ત્યારે મૂસા બોલ્યો ને ઈશ્વરે તેને વાણી દ્વારા ઉત્તર આપ્યો.

20 અને યહોવા સિનાઈ પર્વત ઉપર એટલે પર્વતના શિખર ઉપર ઊતર્યા, અને યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો, અને મૂસા ઉપર ચઢયો.

21 અને યહોવાએ મૂસાને કહ્યું, “નીચે ઊતરીને લોકોને મના કર, રખેને તેઓ હદ ઓળંગીને યહોવાને જોવા આવે, ને તેઓમાંના ઘણા નાશ પામે.

22 અને વળી જે યાજકો યહોવાની હજૂરમાં આવે, તેઓ પોતાને શુદ્ધ કરે, રખેને યહોવા તેઓ ઉપર તૂટી પડે.”

23 અને મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત પાસે આવી શકતા નથી; કેમ કે તમે અમને એવી આજ્ઞા આપી હતી, કે પર્વતની ચોગરદમ હદ ઠરાવો, ને તેને પવિત્ર રાખો.”

24 અને યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર, અને તું તથા તારી સાથે હારુન ઉપર આવો, પણ યાજકો તથા લોકો યહોવા પાસે આવીને હદ ઓળંગે નહિ, રખેને તે તેઓ ઉપર તૂટી પડે.”

25 અને મૂસાએ લોકોની પાસે નીચે ઊતરીને તેઓને તે કહ્યું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan