Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દરેક પ્રથમજનિત ઈશ્વરને અર્પણ કરવા વિષે

1 અને યહોવાએ મૂસાને કહ્યું,

2 “ઇઝરાયલી લોકો મધ્યે સર્વ પ્રથમ જન્મેલાઓને, એટલે સર્વ કૂખ ફાડનાર માણસ તેમ જ પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”


બેખમીર રોટલીનું પર્વ

3 અને મૂસાએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા, તેની યાદગીરી રાખો; કેમ કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે તમને ત્યાંથી કાઢી લાવ્યા; ખમીરવાળી રોટલી ખાવી નહિ;

4 આબીબ માસને આ દિવસે તમે નીકળી આવ્યા.

5 અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્તીઓનો તથા યબૂસીઓનો દેશ જે તને આપવાના સોગન તેમણે તારા પિતૃઓની આગળ ખાધા હતા, તે દૂધમધની રેલછેલવાળા દેશમાં તને લાવે, ત્યારે એમ થાય કે, આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી.

6 સાત દિવસ તારે બેખમીર રોટલી ખાવી, ને સાતમે દિવસે યહોવાનું પર્વ થાય.

7 એ સાત દિવસ બેખમીર રોટલી ખાવી; અને તારી પાસે ખમીરવાળી રોટલી જોવામાં ન આવે, ને તારી પાસે તારી સર્વ સીમોમાં ખમીર જોવામાં ન આવે.

8 અને તે દિવસે તું તારા પુત્રોને કહી સંભળાવ કે, હું મિસરમાંથી નીકળ્યો ત્યારે યહોવાએ મારે માટે જે કર્યું, તેને લીધે એ છે.

9 અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે, એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે; કેમ કે યહોવા તને બળવાન હાથે મિસરમાંથી કાઢી લાવ્યા છે.

10 માટે તારે આ વિધિ દર વરસે તેને સમયે પાળવો.


મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ

11 અને યહોવાએ તારી આગળ તથા તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી તે પ્રમાણે જ્યારે તે તને કનાનીઓના દેશમાં લાવે, ને તને તે આપે,

12 ત્યારે એમ થાય કે સર્વ કૂખ ફાડનારાઓને તથા તારા પશુના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે યહોવાને માટે અલાહિદા કરવા; પ્રત્યેક નર યહોવાનો થાય.

13 અને ગધેડાના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે એક હલવાન આપીને છોડાવવું; અને જો તેને છોડાવવાની તારી મરજી ન હોય, તો તેની ગરદન ભાંગી નાખવી; અને તારા પુત્રો મધ્યે સઘળા પ્રથમજનિત મનુષ્યોને તારે મૂલ્ય આપીને છોડાવવા.

14 અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”

15 અને એમ થયું કે ફારુને મન કઠણ કરીને અમને જવા ન દીધા, ત્યારે યહોવાએ મિસર દેશમાં સર્વ પ્રથમજનિતને એટલે પ્રથમજનિત મનુષ્યોને તથા પ્રથમજનિત પશુઓને મારી નાખ્યા; તે માટે કૂખ ફાડનાર સર્વ નરોને હું યહોવાને અર્પી દઉં છું; પણ મારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને હું મૂલ્ય આપીને છોડાવી લઉં છું.

16 અને તે તારા હાથ પર ચિહ્નરૂપ તથા તારી આંખોની વચમાં ચાંદરૂપ થશે, કેમ કે યહોવા પરાક્રમથી અમને મિસરમાંથી કાઢી લાવ્યા.”

17 અને ફારુને લોકોને જવા દીધા ત્યાર પછી એમ થયું કે, પલિસ્તીઓનો દેશ નજીક હતો તોપણ ઈશ્વરે તેઓને તે માર્ગે થઈને ચલાવ્યા નહિ; કમે કે ઈશ્વરે કહ્યું, “રખેને યુદ્ધ જોઈને લોકો પસ્તાય, ને મિસરમાં પાછા જાય.”

18 પણ ઈશ્વરે લોકોને ફંટાવીને સૂફ સમુદ્ર પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા. અને ઇઝરાયલી લોકો શસ્‍ત્રસજ્‍જિત થઈને મિસર દેશમાંથી નીકળ્યા હતા.

19 અને મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં; કેમ કે તેણે ઇઝરાયલીઓને પ્રતિ લેવડાવીને કહ્યું હતું, “યહોવા ખરેખર તમારી ખબર લેશે, ને તમે અહીંથી મારાં હાડકાં તમારી સાથે લઈ જજો.”

20 અને તેઓએ સુક્કોથથી ઊપડીને એથામમાં અરણ્યની સરહદ ઉપર છાવણી કરી.

21 અને તેઓ દિવસે તેમ જ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા માટે મેઘસ્તંભમાં, ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં, તેઓની આગળ આગળ ચાલતા.

22 દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ લોકોની આગળથી ખસતો નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan