Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પાસ્ખા

1 અને મિસર દેશમાં યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,

2 “આ માસને તમારા માલોમાંનો પ્રથમ ગણવો. તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય.

3 ઇઝરાયલના આખા સમુદાયને કહે કે, આ માસને દશમે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને માટે પોતાના પિતાના ઘર પ્રમાણે એકેક હલવાન લેવું, એટલે કુટુંબદીઠ અકેક હલવાન;

4 અને જો કુટંબ એટલું નાનું હોય કે એક હલવાનને ખાઈ ન શકે તો તે તથા તેના ઘર પાસેનો પડોશી મળી તેમનાં માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન વિષે અટકળ કરવી.

5 હલવાન એબરહિત તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરાંમાંથી લેવો;

6 અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો.

7 અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બન્‍ને બારસાખો ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે.

8 અને તેઓ તે જ રાત્રે તે માંસ અગ્નિમાં શેકીને બેખમીર રોટલી સાથે ખાય; તેઓ તે કડવી ભાજી સાથે ખાય.

9 કાંચુ કે તદન પાણીમાં બાફીને તે ખાવું નહિ; પણ તેનું માથું તથા પગ તથા આંતરડા સહિત આગમાં શેકીને તે ખાવું;

10 સવાર સુધી તેમાંનું કંઈ રાખવું નહિ; પણ તેમાંનું જે કંઈ સવાર સુધી રહે તે તમારે આગમાં બાળી દેવું.

11 અને તે તમારે આ પ્રમાણે ખાવું:એટલે તમારી કમર બાંધીને, તમારાં પગરખાં પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને [ખાવું] ; અને તમારે તે જલદી જલદી ખાઈ લેવું; તે યહોવાનું પાસ્ખા છે.

12 કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વ પ્રથમજનિતને મારી નાખીશ; અને હું મિસરના સર્વ દેવો પર ન્યાયાશાસન લાવીશ, હું યહોવા છું.

13 અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ.

14 અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.


બેખમીર રોટલીનું પર્વ

15 સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી. પહેલા જ દિવસેથી તમારે તમારાં ઘરોમાંથી ખમીર દૂર કરવું, કેમ કે પહેલા દિવસથી તે સાતમા દિવસ સુધી જે કોઈ ખમીરી રોટલી ખાય તે માણસ ઇઝરાયલમાંથી નાબૂદ કરાશે.

16 અને પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો, ને સાતમે દિવસે તમારે પવિત્ર મેળાવડો ભરવો. તેઓમાં કંઈ કામ ન કરવું, માત્ર પ્રત્યેક માણસને ખાવાની જરૂર હોય, તેટલું જ તમારે કરવું.

17 અને તમારે બેખમીર રોટલી [નું પર્વ] પાળવું; કેમ કે એ જ દિવસે હું તમારાં સૈન્યો મિસર દેશમાંથી કાઢી લાવ્યો છું; એ માટે તમારે વંશપરંપરા એ દિવસને નિત્યના વિધિથી પાળવો.

18 પહેલા માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી ખાવી.

19 સાત દિવસ તમારાં ઘરોમાં કંઈ પણ ખમીર રહેવું ન જોઈએ; કેમ કે જે કોઈ ખમીરી વસ્તુ ખાય તે માણસ ઇઝરાયલી લોકોમાંથી નાબૂદ કરાશે, પછી તે પરદેશી હોય કે દેશનો વતની હોય.

20 કંઈ પણ ખમીરી વસ્તુ તમારે ખાવી નહિ. તમારાં સર્વ રહેઠાણોમાં તમારે બેખમીર રોટલી ખાવી.”


પ્રથમ પાસ્ખા

21 ત્યારે મૂસાએ ઇઝરાયલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું, “જાઓ, ને તમારાં કુટુંબો પ્રમાણે હલવાનો લઈને પાસ્ખા કાપો.

22 અને ગુફાની એક ઝૂડી લઈને તેને વાસણમાંનઅ રક્તમાં બોળીને ઓતરંગ પર તથા બન્‍ને બારસાખ પર તે વાસણમાંના રક્તમાંથી છાંટો; અને સવાર સુધી તમારામાંના કોઈએ ઘરના બારણાની બહાર જવું નહિ.

23 કેમ કે મિસરીઓ ઉપર મરો લાવવા માટે યહોવા આખા દેશમાં ફરશે. અને ઓતરંગ ઉપર તથા બન્‍ને બારસાખ પર તે રક્ત જોઈને યહોવા તે બારણું ટાળી મૂકશે, ને વિનાશકને તમારાં ઘરોમાં પેસીને તમારાં ઘરોમાં પેસીને તમારા પર મરો લાવવા દેશે નહિ.

24 અને તમે તથા તમારા દીકરાઓ આ બાબતને સદાના વિધિ તરીકે પાળો.

25 અને યહોવા તેના વચન પ્રમાણે જે દેશ તમને આપશે, તેમાં તમે પહોંચો ત્યારે એમ થાય કે તમે એ સંસ્કાર પાળશો.

26 અને એમ થશે કે જ્યારે તમારાં છોકરાં તમને પૂછે કે, એ સંસ્કારનો અર્થ શો છે?

27 ત્યારે તમારે એમ કહેવું કે, એ યહોવાનો પાસ્ખાયજ્ઞ છે, કેમ કે જ્યારે યહોવા મિસરીઓ ઉપર મરો લાવ્યા ને આપણાં ઘરો બચાવ્યાં, ત્યારે તેમણે મિસરમાં રહેનાર ઇઝરાયલીઓનાં ઘરોને ટાળી મૂક્યાં.” ત્યારે લોકોએ માથું નમાવીને ભજન કર્યું.

28 અને ઇઝરાયલી લોકોએ જઈને તે પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું.

29 અને મધરાતે એમ થયું કે યહોવાએ રાજ્યાસને બિરાજમાન ફારુનના પ્રથમજનિતથી માંડીને તુરંગવાસી કેદીના પ્રથમજનિત સુધી મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત સુધી મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોને મારી નાખ્યા. અને પશુના સર્વ પ્રથમ જન્મેલાને [પણ મારી નાખ્યા].

30 અને રાત્રે ફારુન તથા તેના સર્વ સેવકો તથા સર્વ મિસરીઓ ઊઠયા; અને મિસરમાં ભારે વિલાપ થયો; કેમ કે એવું એક પણ ઘર નહોતું કે જ્યાં એક માર્યો ગયો ન હોય.

31 અને તેણે મૂસાને તથા હારુનને રાત્રે તેડાવીને કહ્યું, “તમે તથા ઇઝરાયલીઓ બન્‍ને ઊઠો, ને મારા લોક મધ્યેથી નીકળી જાઓ. અને જઈને તમારા કહ્યા પ્રમાણે યહોવાની સેવા કરો.

32 અને તમારા કહ્યા પ્રમાણે તમારાં ઘેટાંબકરાં તથા ઢોરઢાંક લેતા જાઓ. અને મને પણ આશીર્વાદ આપો.”

33 અને મિસરીઓએ લોકોને દેશમાંથી જલદી વિદાય થવાનો આગ્રહ કર્યો; કેમ કે તેઓએ કહ્યું કે, અમે તો બધા મરી ગયા!

34 અને લોકોએ ખમીર દીધા વગર લોટના લોંદા લઈ લીધા, ને પોતાની કથરોટો પોતાની ચાદરોમાં બાંધીને પોતાની ખાંધે લઈ લીધી.

35 અને ઇઝરાયલી લોકોએ મૂસાના કહેવા પ્રમાણે કરીને મિસરીઓ પાસેથી સોનાના તથા રૂપાના દાગીના તથા વસ્‍ત્રો માંગી લીધાં.

36 અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં લોકોને કૃપા પમાડી, ને તેથી જે કંઈ તેઓએ માંગ્યું તે તેઓએ તેમને આપ્યું. અને તેઓએ મિસરીઓને લૂંટી લીધા.


ઇઝરાયલી લોકો મિસર છોડી ચાલ્યા

37 અને ઇઝરાયલીઓ રામસેસથી સુક્કોથ આવ્યા; તેઓ બાળકો સિવાય સુમારે છ લાખ પાયદળ પુરુષો હતા.

38 અને મિશ્રિત લોકોનો જ્થ્થો પણ તેમની સાથે ચાલતો હતો. અને ઘેટાંબકરાં તથા ઢોરઢાંક મળી અતિ ઘણાં જાનવર હતાં.

39 અને જે લોટના લોંદા તેઓ મિસર દેશમાંથી સાથે લેતા આવ્યા હતા; તેમાંથી તેઓને બેખમીર રોટલી પકાવી, કેમ કે તેને ખમીર દીધેલું નહોતું. કેમ કે તેમને મિસરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, ને તેથી તેઓ થોભી શક્યા નહોતા, તથા તેઓએ પોતાને માટે કંઈ ભાથું પણ તૈયાર કર્યું નહોતું.

40 હવે ઇઝરાયલીઓએ જે પ્રવાસ મિસર દેશમાં કર્યો, તેની મુદત ચારસો ને ત્રીસ વર્ષની હતી.

41 અને એમ થયું કે ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં, તે જ દિવસે એમ થયું કે યહોવાનાં સર્વ સૈન્યો મિસર દેશમાંથી નીકળી ગયાં.

42 મિસર દેશમાંથી યહોવા તેમને કાઢી લાવ્યા તે કારણથી તે રાત તેમના માનાર્થે જાગરણની રાત તરીકે સારી રીતતે ઊજવવાની છે. સર્વ ઇઝરાયલીઓને માટે તે રાત યહોવાના માનાર્થે જાગરણની રાત તરીકે વંશપરંપરા ઊજવવાની છે.


પાસ્ખા પાળવાનો વિધિ

43 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય;

44 પણ મૂલ્ય આપીને ખરીદેલો પ્રત્યેક માણસનો દાસ સુન્‍નત કરાવ્યા પછી તે ખાય.

45 પ્રવાસી કે પગારે રાખેલો ચાકર તે ન ખાય.

46 એક જ ઘરમાં તે ખવાય; અને તારે તે માંસમાંથી કંઈ પણ બહાર લઈ જવું નહિ અને તમારે તેનું એકે હાડકું ભાંગવું નહિ.

47 ઇઝરાયલના સર્વ લોકો તે પાળે.

48 અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય, ને તે યહોવાનું પાસ્ખઅ પાળવા ચાહતો હોય, તો તેના [ઘરના] સર્વ પુરુષો સુન્‍નત કરાવે, ને ત્યાર પછી તે પાસ્ખા પાળવાને પાસે આવે; અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય; પણ કોઈ બેસુન્‍નત માણસ તે ન ખાય.

49 દેશમાં જન્મેલાને માટે તથા તમારામાં પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય.”

50 સર્વ ઇઝરાયલીઓએ એમ જ કર્યું; જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા કરી હતી તેમ તેઓએ કર્યું.

51 અને તે દિવસે એમ થયું કે, યહોવા ઇઝરાયલી લોકોને તેમનાં સૈન્યો સહિત મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan