Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


8. તીડ

1 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ફારુનની હજૂરમાં જા; કેમ કે મેં તેનું હ્રદય તથા તેના સેવકોનાં હ્રદય હઠીલાં કર્યાં છે, એ માટે કે હું મારાં ચિહ્નો તેઓની મધ્યે બતાવું,

2 અને એ માટે જે કામો મેં મિસર ઉપર કર્યાં છે, ને જે ચિહ્નો મેં તેઓ મધ્યે કર્યાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણો કે હું યહોવા છું.”

3 અને મૂસા તથા હારુને ફારુનની હજૂરમાં જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, કયાં સુધી તમે મારી આગળ નમી જવાનો ઇનકાર કરશો? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દો.

4 કેમ કે જો તમે મારા લોકને જવા દેવાનો ઈનકાર કરશો, તો જુઓ, હું કાલે તમારી સીમોમાં તીડ મોકલીશ;

5 અને તેઓ પૃથ્વીની સપાટીને એવી ઢાંકી દેશે કે ભૂમિ દેખાશે નહિ. અને કરાથી જે તમારે માટે બચેલું છે તે પણ તેઓ ખાઈ જશે, અને જે પ્રત્યેક વૃક્ષ તમારે માટે ખેતરમાં ઊગેલું હશે તે પણ તેઓ ખાઈ જશે.

6 અને તમારાં ઘર તથા તમારા સર્વ સેવકોનાં ઘર તથા સર્વ મિસરીઓનાં ઘર [તેઓથી] ભરાઈ જશે; તમારા પિતૃઓએ તથા તમારા પિતૃઓના પિતૃઓએ તેઓ પૃથ્વી પર હયાતીમાં આવ્યા ત્યારથી તે આજ સુધી એવું જોયું નથી.” અને તે પાછો ફરીને ફારુનની હજૂરમાંથી નીકળી ગયો.

7 અને ફારુનના સેવકોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ અમને ફાંસારૂપ થઈ પડશે? લોકોને તેઓના ઈશ્વર યહોવાની સેવા કરવા માટે જવા દો. શું આપ હજી સુધી જાણતા નથી કે મિસરનો વિનાશ થઈ ચૂક્યો છે?”

8 અને મૂસા તથા હારુનને ફારુનની હજૂરમાં ફરી રજૂ કરવામાં આવ્યા; અને ફારુને તેઓને કહ્યું, “તમે જઈને તમારાં ઈશ્વર યહોવાની સેવા કરો. પણ કોણ કોણ જવાનાં છો?”

9 અને મૂસાએ કહ્યું, “અમે અમારાં નાનાંમોટાંને લઈને, અમારા પુત્રો તથા પુત્રીઓને લઈને, અમારાં ઘેટાંબકરાં તથા અમારાં ઢોરઢાંક લઈને જઈશું; કેમ કે યહોવાને માટે અમારે પર્વ પાળવું પડશે.”

10 અને ફારુને તેઓને કહ્યું, “જેમ હું તમને તથા તમારાં બાળકોને જવા દઈશ, તેમ યહોવા તમારીસ સાથે રહો. જોજો; કેમ કે તમારું ધારવું ભૂંડું છે.

11 એમ તો નહિ; સેવા કરો; કેમ કે એ જ તમારી ઇચ્છા છે.” અને તેઓને ફારુનની હજૂરમાંથી હાંકી કાઢવામાં આવ્યા.

12 અને યહોવાએ મૂસાને કહ્યું, “તીડ [લાવવા] માટે તું તારો હાથ મિસર દેશ ઉપર લાંબો કર કે, તેઓ મિસર દેશ ઉપર આવીને કરાથી બચેલી સર્વ વનસ્પતિ ખાઈ જાય.”

13 અને મૂસાએ પોતાની લાકડી મિસર દેશ પર લંબાવી, અને યહોવાએ આખો દિવસ તથા આખી રાત પૂર્વ તરફથી પવન ચલાવ્યો; અને સવાર થઈ એટલે પૂર્વ દિશાનાં તીડ આવ્યાં.

14 અને આખા મિસર દેશ ઉપર પ્રસરી ગયાં, ને મિસરની સર્વ સીમમાં બેઠાં. તે મહા ત્રાસદાયક હતાં તેમની અગાઉ એવા તીડ આવ્યાં નહોતાં, ને તેમની પછી પણ એવાં આવશે નહિ.

15 કેમ કે તેઓથી બધી ધરતી ઢંકાઈ ગઈ, ને તેથી દેશ ઉપર અંધકાર છવાઈ ગયો. અને દેશની સર્વ વનસ્પતિ તથા કરાથી બચેલાં વૃક્ષોનાં સર્વ ફળ તેઓ ખાઈ ગયાં. અને આખા મિસર દેશનાં ખેતરનાં વૃક્ષોમાંથી કે વનસ્પતિમાંથી કંઈ પણ લીલું રહ્યું નહિ.

16 ત્યારે ફારુને મૂસા તથા હારુનને ઉતાવળે બોલાવીને કહ્યું, “મેં તમારા ઈશ્વર યહોવાનો તથા તમારો અપરાધ કર્યો છે.

17 એ માટે ફક્ત આટલો જ વખત મારા અપરાધની ક્ષમા કરીને તમારા ઈશ્વર યહોવાની વિનંતી કરો કે તે માત્ર આ મરો મારાથી દૂર કરે.”

18 અને ફારુનની પાસેથી બહાર જઈને મૂસાએ યહોવાને વિનંતી કરી.

19 અને યહોવા પશ્ચિમ તરફથી ભારે તોફાન લાવ્યા, ને તેણે તીડોને ઉડાડીને સૂફ સમુદ્રમાં નાખી દીધાં. અને મિસરની આખી સીમની અંદર એક પણ તીડ રહ્યું નહિ.

20 પણ યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.


9. અંધકાર

21 અને યહોવાએ મૂસાને કહ્યું, “તારો હાથ આકાશ તરફ લાંબો કર કે, મિસર દેશમાં એવું અંધારું થાય કે, એ અંધારામાં માણસોને ફંફોસવું પડે.”

22 અને મૂસાએ પોતાનો હાથ આકાશની તરફ લાંબો કર્યો. અને ત્રણ દિવસ સુધી આખા મિસર દેશ ઉપર ઘોર અંધકાર વ્યાપી રહ્યો.

23 તેઓ એકબીજાને જોઈ શકતા નહિ, ને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગાએથી ઊઠયું નહિલ પણ ઇઝરાયલીઓનાં સર્વ ઘરોમાં અજવાળું હતું.

24 અને ફારુને મૂસાને બોલાવીને કહ્યું, “તમે જાઓ, યહોવાની સેવા કરો. માત્ર તમારાં ઘેટાંબકરાં તથા તમારાં ઢોરઢાંક અહીં રહેવા દો. તમારાં બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ.”

25 અને મૂસાએ કહ્યું, “તમારે અમને યજ્ઞ તથા દહનીયાર્પણો પણ આપવાં જોઈએ કે, અમે અમારા ઈશ્વર યહોવાને યજ્ઞાપર્ણ કરીએ.

26 અમારાં જાનવર પણ અમારી સાથે આવે. એક ખરી [વાળું પ્રાણી] પણ અહીં રહે નહિ; કેમ કે તેઓમાંથી અમારા ઈશ્વર યહોવાની સેવાને માટે લેવાં પડશે. અને અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધી અમે જાણતા નથી કે અમારે શા વડે યહોવાની સેવા કરવી પડશે.”

27 અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેઓને જવા દીધા નહિ.

28 અને ફારુને તેને કહ્યું, “મારી પાસેથી જા, ખબરદાર, મારું મુખ હવે પછી તું જોતો નહિ; કેમ કે તું મારું મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે.”

29 અને મૂસાએ કહ્યું, “તમે બરાબર કહ્યું છે, હું ફરીથી કદી તમારું મુખ જોઈશ નહિ.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan