એસ્તેર 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)શાહી ફરમાનથી યહૂદીઓ પોતાના દુશ્મનો પર સામા ત્રાટક્યા 1 તે દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર એસ્તેર રાણીને સોંપ્યું. મોર્દખાય રાજાની હજૂરમાં આવ્યો; કેમ કે તે પોતાનો શો [સગો] થતો હતો તે એસ્તેરે [રાજાને] જાહેર કર્યું હતું. 2 રાજાએ પોતાની મુદ્રિકા હામાનની પાસેથી પાછી લઈ લીધી હતી, તે કાઢીને તેણે મોર્દખાયને આપી. એસ્તેરે મોર્દખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો. 3 એક વાર ફરીથી એસ્તેર રાજાની હજૂરમાં બોલી, અને તેને પગે પડીને આંખમાં આંસુ લાવીને તેના કાલાવાલા કર્યા, “અગાગી હામાનનું [યોજેલું] નુકસાન તથા યહૂદીઓની વિરુદ્ધ તેણે રચેલું કાવતરું રદ કરવું જોઈએ.” 4 ત્યારે રાજાએ એસ્તેરની સામે સોનાનો રાજદંડ ધર્યો એટલે એસ્તર ઊઠીને રાજાની હજૂરમાં ઊભી રહી. 5 તેણે કહ્યું, “જો આપની મરજી હોય, અને જો મારા પર આપની કૃપાદષ્ટિ હોય, અને આ વાત આપને યોગ્ય લાગતી હોય, અને આપની આંખોને હું ગમતી હોઉં, તો રાજાના સર્વ પ્રાંતોના યહૂદીઓનો નાશ કરવાના ઇરાદાથી અગાગી હામ્માદાથાના પુત્ર હામાને જે પત્રો લખ્યા હતા, તે રદ કરવાનો [હુકમ] આપવો જોઈએ; 6 કેમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારાં સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?” 7 ત્યારે અહાશ્વેરોશ રાજાને એસ્તેર રાણીને તથા યહૂદી મોર્દખાયને કહ્યું, “જુઓ, હામાનનાં ઘરબાર મેં એસ્તેરને સોંપ્યાં છે, અને તેને તેઓએ ફાંસી પર લટકાવ્યો છે, કારણ કે તેણે પોતાનો હાથ યહૂદીઓ પર નાખ્યો હતો. 8 તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ ઉપર રાજાના નામથી લખાણ કરો, અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો; કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી.” 9 તે સમયે ત્રીજા માસની, એટલે સીવાન માસની, ત્રેવીસમી તારીખે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. મોર્દખાયની સર્વ આજ્ઞા પ્રમાણે, યહૂદીઓ ઉપર, તથા ભારતથી તે કૂશ સુધીના એક સો સત્તાવીસ પ્રાંતોના અમલદારો, સૂબાઓ તથા સરદારો ઉપર, જુદા જુદા પ્રાંતોમાં તેમની જુદી જુદી લિપિમાં, તથા જુદા જુદા લોકો ઉપર તેમની જુદી જુદી ભાષાઓમાં, તથા યહૂદીઓ ઉપર તેઓની લિપિમાં તથા તેઓની ભાષામાં [હુકમ] લખવામાં આવ્યો. 10 મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નામથી લખીને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરીને ઘોડેસવાર સંદેશિયાઓની, એટલે રાજાના કામમાં વપરાતા તથા રાજાની અશ્વશાળાની પેદાશના જલદ ઘોડા પર બેઠેલા સવારોની મારફતે પત્રો રવાના કર્યા. 11 તેમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓને એવી પરવાનગી આપી હતી કે, તેઓ એકત્ર થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલા સામા થાય કે, જે લોક તથા પ્રાંત તેઓ પર હુમલો કરે તેના સર્વ બળનો, [તેઓના] બાળકોનો તથા સ્ત્રીઓનો, વિનાશ કરે, તેમને મારી નાખે, તથા નષ્ટ કરે, અને તેઓને લૂટી લે. 12 તે [છૂટ] અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે, એટલે બારમો માસ, જે અદાર માસ છે, તેની તેરમીએ [આપવામાં આવી]. 13 એ હુકમ સર્વ પ્રાંતોમાં જાહેર કરવામાં આવે એટલા માટે તેની એકેક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી. તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું. 14 એમ સરકારી કામમાં વપરાતા જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી, તેઓ ચાલી નીકળ્યા, અને તે હુકમ સૂસાના મહેલમાં પ્રગટ કરવામાં આવ્યો. 15 મોર્દખાય આસમાની તથા સફેદ રાજપોશાક, ને સોનાનો મુગટ, અને બારીક શણનો તથા જાંબુડિયો જામો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો; અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો. 16 થયેલા હર્ષનાદને લીધે યહૂદીઓ તેજોમય થયા, અને તેઓને માન પણ આપવમાં આવ્યું. 17 સર્વ પ્રાંતોમાં અને સર્વ નગરોમાં, એટલે જ્યાં જ્યાં રાજાની આજ્ઞા અને તેનો હુકમ ગયો, ત્યાં ત્યાં યહૂદીઓને હર્ષ પ્રદર્શિત કરવા માટે મિજબાની કરવાનો તે શુભ દિવસ બની રહ્યો. અને તે દેશના લોકોમાંના ઘણાક તો યહૂદી થઈ ગયા, કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો હતો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India