Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એસ્તેર 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


એસ્તેર રાજાને તથા હામાનને મિજબાની માટે નોતરે છે

1 ત્રીજે દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં, રજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે, પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો.

2 રાજાએ એસ્તેર રાણીને ચોકમાં ઊભી રહેલી જોઈ, ત્યારે તેની રહેમનજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તેર રાણી સામે ધર્યો. એટલે એસ્તરે પાસે આવીને રાજદંડની ટોચને સ્પર્શ કર્યો.

3 રાજાએ તેને કહ્યું, “એસ્તેર રાણી, તારી શી ઈચ્છા છે? અને તારી શી અરજ છે? તું અડધું રાજ્ય માગશે તોયે તે તને આપવામાં આવશે.”

4 એસ્તેરે તેને કહ્યું, “આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો.”

5 ત્યારે રાજાએ કહ્યું, “હામાનને તાકીદ કરો કે એસ્તેરના કહેવા પ્રમાણે તે હાજર થાય.” જે મિજબાની એસ્તેરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા.

6 દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને કહ્યું, “તારી શી અરજ છે? તે પ્રમાણે તને આપવામાં આવશે; અને તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી હું તે મંજૂર કરીશ.”

7 ત્યારે એસ્તેરે ઉત્તર આપ્યો, “મારી અરજ તથા મારી વિનંતી આ છે:

8 જો આપની મારા પર કૃપાર્દષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય, તો રાજા ને હામાન જે મિજબાની હું તેઓને માટે તૈયાર કરું, તેમાં આવે, એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ.”


મોર્દખાયનું કાસળ કાઢવાનું હામાનનું કાવતરું

9 ત્યારે તે દિવસે હામાન મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો બહાર નીકળ્યો. પણ જ્યારે હામાને મોર્દખાયને રાજાના દરવાજામાં બેઠેલો જોયો કે, એ તો ઊભો થતો નથી કે મને જોઈને કાંપતો નથી, ત્યારે તે મોર્દખાય પર ક્રોધે ભરાયો.

10 તેમ છતાં હામાન ગમ ખાઈને ઘેર આવ્યો. તેણે સંદેશો મોકલીને પોતાના મિત્રોને તથા પોતાની પત્ની ઝેરેશને બોલાવ્યાં.

11 હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવી, અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કહી સંભળાવ્યું.

12 વળી હામાને કહ્યું, “એસ્તેર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેણે મારા સિવાય બીજા કોઈને પણ રાજાની સાથે આવવાનું કહેણ મોકલ્યું નહોતું. કાલે પણ તેણે મને રાજાની સાથે નોતર્યો છે.

13 પણ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દખાયને હું રાજાના દરવાજામાં બેઠેલો જોઉં છું, ત્યાં સુધી આ સર્વ મને કંઈ કામનું નથી.”

14 માટે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને કહ્યું, “પચાસ હાથ ઊંચી એક ફાંસી તૈયાર કરાવો, અને સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસી આપવી જોઈએ. પછી આનંદે તમે રાજાની સાથે મિજબાનીમાં જજો.” એ વાત હામાનને યોગ્ય લાગી. અને [તેમના કહેવા પ્રમાણે] તેણે ફાંસી [ઊભી] કરાવી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan