એસ્તેર 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આહાશ્વેરોશે આપેલી મિજબાની 1 આહાશ્વેરોશ ભારતથી તે કૂશ સુધી એકસો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેના સમયમાં એમ બન્યું કે, 2 રાજા સૂસાના મહેલમાં પોતાના રાજ્યાસન પર બેઠેલો હતો તે દરમિયાન, 3 તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારોને તથા પોતાના હજૂરિયાને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરો તથા સરદારો તેની હજૂરમાં હાજર થયા હતા. 4 તે સમયે તેણે પોતાના વિખ્યાત રાજ્યની રિદ્ધિ, તથા પોતાના મહાપ્રતાપનો વૈભવ, ઘણા દિવસો સુધી, એટલે એક સો એંશી દિવસ સુધી બતાવ્યાં. 5 એ પછી રાજાએ સુસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાનામોટા સર્વ લોકને, સાત દિવસ સુધી રાજમહેલના બાગના ચોકમાં મિજબાની આપી. 6 ત્યાં ધોળા, લીલા તથા આસમાની રંગના [કાપડના પડદા] , રૂપાની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનારૂપાના પલંગ લાલ, ધોળા, પીળા તથા કાળા આરસપહાણની ફરસબંધી પર હતા. 7 તેઓને પીવને માટે પ્યાલા તો સોનાના હતા, (પ્યાલા તરેહતરેહના હતા.) અને રાજાનો દ્રાક્ષારસ રાજાની ઉદારતા પ્રમાણે પુષ્કળ [હતો]. 8 તે નિયમસર પીવામાં આવતો; કોઈને ફરજ પાડી શકાતી નહિ; કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો, “તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે વર્તવું.” 9 વાશ્તી રાણીએ પણ અહાશ્વેરોશ રાજાના રાજ્ય-ગૃહમાં સ્ત્રીઓને મિજબાની આપી. વાશ્તી રાણીએ રાજાના હુકમનો અનાદર કર્યો 10 સાતમે દિવસે રાજાનું મન દ્રાક્ષારસથી મગ્ન હતું, ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર તથા કાર્કાસ, એ સાત ખોજા અહાશ્વેરોશ રાજાના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી, 11 “વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌદર્ય લોકોને તથા સરદારોને દેખાડવા માટે મારી હજૂરમાં લાવો.” કેમ કે તે દેખાવમાં સ્વરૂપવાન હતી. 12 પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાશ્તી રાણીએ ના પાડી. માટે રાજાને બહું ક્રોધ ચઢ્યો, અને તે ક્રોધથી તપી ગયો. બાદશાહી ફરમાન અને વાશ્તીને સજા 13 ત્યારે રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું, (કેમ કે નિયમ તથા રૂઢિ જાણનારા સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો. 14 તેની પાસે ઈરાનના તથા માદાયના સાત સરદારો, કાર્શના, શેથાર, આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના તથા મમૂખાન [બેઠેલા] હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા;) 15 “કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે ખોજાઓની મારફતે [આપેલી] મારી આજ્ઞાનો અમલ તેણે કર્યો નથી.” 16 મમૂખાને રાજાની તથા સરદારોની સમક્ષ ઉત્તર આપ્યો, “વાશ્તી રાણીએ ફક્ત રાજાનો અન્યાય કર્યો છે એમ નહિ, પરંતું સર્વ સરદારોનો તથા અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ [અન્યાય કર્યો છે]. 17 કેમ કે રાણીનું આ કૃત્ય સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે. તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની હજૂરમાં આવવાનો હુકમ કર્યો પણ તે આવી નહિ, ’ ત્યારે સ્ત્રીઓ પોતપોતાના પતિઓને તુચ્છકારપાત્ર લેખવશે. 18 ઈરાન તથા માદાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના એ કૃત્ય વિષે સાંભળ્યું હશે, તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને [એમ જ] ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ [ઉત્પન્ન થશે]. 19 જો રાજાની ઇચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ, ને તે ફરે નહિ માટે ઈરાનના તથા માદાયના કાયદાઓમાં તે નોંધાવું જોઈએ કે, ‘વાશ્તી હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવે; અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું.’ 20 રાજા જે હુકમ કરશે, તે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે (કેમ કે તે વિશાળ છે, ) ત્યારે સર્વ સ્ત્રીઓ પોતપોતાના પતિઓને, એટલે નાનાને તેમ જ મોટાને, માન આપશે.” 21 એ સૂચના રાજાને તથા સરદારોને સારી લાગી, તેથી રાજે મમૂખાનના કહેવા પ્રમણે કર્યું. 22 રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે, તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યાં, “પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે, ” અને એ હુકમ તે પોતાના લોકની ભાષામાં પ્રગટ કરે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India