Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓ 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રકાશમાં ચાલો

1 એ માટે તમે [પ્રભુનાં] પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ.

2 અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે, આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ.

3 વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે.

4 નિર્લજજ તથા મૂર્ખતાભરેલી વાત અથવા ઠઠ્ઠામશ્કરી [તમારામાં ન થાય] , કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભારસ્તુતિ [કરવી].

5 કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે, કોઈ પણ વ્યભિચારી અથવા દુરાચારી અથવા દ્દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજક, તેઓને ખ્રિસ્તના તથા ઈશ્વરના રાજયમાં કંઈ વારસો નથી.

6 તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.

7 એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ન થાઓ.

8 કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશનાં સંતોનોને ઘટે તેમ ચાલો.

9 (કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.)

10 પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.

11 વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.

12 કેમ કે તેઓ ગુપ્તમાં એવાં કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.

13 જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે કંઈ પ્રગટ કરવામાં આવે છે; તે પ્રકાશરૂપ છે.

14 માટે કહેલું છે, “ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”

15 કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિબુદ્ધની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ, ચાલો.

16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે.

17 એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.

18 મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ [પવિત્ર] આત્માથી ભરપૂર થાઓ.

19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારાં હ્રદયોમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ગાઓ.

20 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો.


પતિ અને પત્નીનો દાખલો

21 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.

22 પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો.

23 કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે. વળી [ખ્રિસ્ત] શરીરનો ત્રાતા છે.

24 જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતોમાં પોતાના પતિઓને [આધીન] રહેવું.

25 પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો.

26 એ માટે કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, [ખ્રિસ્ત મંડળીને] પવિત્ર કરે,

27 અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.

28 એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે, તે પોતા પર પ્રેમ રાખે છે.

29 કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી, પણ તે તેનું પાલનપોષણ કરે છે, જેમ પ્રભુ પણ મંડળીનું [કરે છે] તેમ.

30 કેમ કે આપણે તેમના શરીરના અવયવો છીએ.

31 એ માટે પુરુષ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.

32 આ મોટો મર્મ છે, પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું.

33 તોપણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan