Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મૃત્યુમાંથી જીવનમાં

1 વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતાં, ત્યારે [તેમણે તમને સજીવન કર્યાં] ;

2 તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.

3 તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલાં ચાલતાં હતા, અને દેહની તથા મનની વૃતિઓ પ્રમાણે કાર્ય કરતા હતાં, તથા પ્રથમની‍‍ સ્થિતિમાં બીજાઓના જેવાં કોપનાં છોકરાં હતાં.

4 પણ ઈશ્વર, જે કરુણાથી ભરપૂર છે, તેમણે આપણા પર પ્રેમ રાખ્યો, તેમના અત્યંત પ્રેમને લીધે,

5 આપણે પાપમાં મૂએલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યાં (કૃપાથી તમે તારણ પામેલા છો),

6 અને સાથે ઉઠાડયા, ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડયા.

7 જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે.

8 કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા તારણ પામેલા છો. અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે.

9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે.

10 કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


ખ્રિસ્તમાં ઐકય

11 એ માટે યાદ રાખો કે, તમે પહેલાં દેહ સંબંધી વિદેશી હતાં, અને દેહ સંબંધી હાથે કરેલી સુન્‍નતવાળા તમને બેસુન્‍નતી કહેતા હતાં.

12 તે સમયે તમે ખ્રિસ્તરહિત, ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના, તથા [આપેલા] વચનના કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઇશ્વર વગરના, એવાં હતાં.

13 પણ તમે જેઓ પહેલાં દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો.

14 કેમ કે તે આપણું સમાધાન છે, તેમણે બન્‍નેનું એક કર્યું, અને [આપણી] વચ્ચેની આડી ભીંત પાડી નાખી છે.

15 સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને,

16 અને વધસ્તંભ ઉપર વૈરને મારી નાખીને એ‍ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્‍નેનું સમાધાન કરાવવાને તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમ [શાસ્‍ત્ર] રૂપ વૈરને નાબૂદ કર્યું.

17 તેમણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિ [ની સુવાર્તા] પ્રગટ કરી.

18 કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બન્‍ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.

19 માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના [રહેવાસી] તથા ઈશ્વરનાં કુટુંબના [માણસો] છો.

20 પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.

21 તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે.

22 તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan