Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત [લખે છે] :

2 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ.


ખ્રિસ્તમાં આત્મિક આશીર્વાદો

3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;

4 એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.

5 તેમણે પોતાની ઇચ્છા તથા પ્રસન્‍નતા પ્રમાણે, પોતાને માટે, આપણને ઈસુ ખ્રિસ્તદ્વારા પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યાં.

6 કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે [પોતાના] વહાલા [પુત્ર] માં આપણને મફત આપી.

7 એમનામાં, એમના લોહીદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.

8 સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે.

9 તેમણે તેમનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્‍નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો

10 કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વ વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, [હા, ખ્રિસ્તમાં].

11 જેમનામાં આપણે તેમનો વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતાં,

12 જેથી ખ્રિસ્ત પર પ્રથમ આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને માટે થઈએ.

13 તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.

14 એ [આત્મા ઈશ્વરના] પોતાના દ્રવ્ય [રૂપી લોકો] ના ઉદ્ધારના સંબંધમાં તેમના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે.


પાઉલની પ્રાર્થના

15 એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સર્વ પવિત્રો પર તમારા પ્રેમ વિષે સાંભળીને,

16 તમારે માટે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માંગું છું કે,

17 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાને વિષેના જ્ઞાનને માટે બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે.

18 અને તમારાં જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે, જેથી તેમના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેમનાં વારસાના મહિમાની સંપત્તિ શી છે,

19 અને તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિનું મહત્ત્વ શું છે, તે તમે જાણો.

20 તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેમને મૂએલાંમાંથી ઉઠાડયા,

21 અને સર્વ રાજયસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને માત્ર આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.

22 વળી બધાંને તેમણે તેમના પગો નીચે રાખ્યાં અને તેમને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યાં.

23 તે તો તેમનું શરીર છે, એટલે જેમ સર્વ વાતે સર્વને ભરપૂર કરે છે તેનું ભરપૂરપણું છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan