Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ:ખ જોયું છે,

2 એટલે જેને પરમેશ્વર એટલું બધું દ્રવ્ય, સંપત્તિ તથા માન આપે છે કે તે જે કંઈ ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ રહે નહિ, તોપણ તેનો ઉપભોગ કરવાની શક્તિ પરમેશ્વર તેને આપતા નથી, પણ કોઈ પારકો માણસ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભૂંડો રોગ છે.

3 જો કોઈ માણસને સો છોકરાં થાય, અને પોતે એટલાં બધાં વર્ષ સુધી જીવે કે તેનું આયુષ્ય ઘણું લાંબું હોય, પણ તેના જીવને પૂરું સુખ ન હોય, ને વળી તેનું દફન પણ ન થાય; તો હું કહું છું કે, એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે;

4 કેમ કે અધૂરે ગયેલો ગર્ભ વ્યર્થતારૂપ આવે છે, અને અંધકારમાં જતો રહે છે, અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જય છે;

5 વળી તેણે સૂર્યને જોયો નથી, તેમ તેણે કશું જાણ્યું પણ નથી. પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે;

6 જો પેલો માણસ હજાર વર્ષ કરતાં બમણું જીવે તોપણ તે કંઈ સુખ ભોગવે નહિ. શું બધાં એક જ સ્થળે નથી જતાં?

7 મનુષ્યની બધી મહેનત તેના પેટને માટે છે, તથાપિ તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.

8 વળી મૂર્ખના કરતાં જ્ઞાનીને વધારે શું મળે છે? અથવા જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધારે શું મળે છે?

9 ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે સારું છે; એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.

10 હાલ જે કંઈ છે, તેનું નામ ઘણા વખત અગાઉ પાડવામાં આવ્યું હતું, ને તે માણસ છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે સમર્થ છે તેની સામે તે ટકકર લઈ શકતો નથી.

11 વ્યર્થતાની વૃદ્ધિ કરનાર ઘણી વાતો છે, તેથી માણસને શો ફાયદો થયો છે?

12 કેમ કે છાંયડાની જેમ માનસ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેની જિંદગીના સર્વ દિવસોભર તેને પોતાને માટે શું સારું છે, એ કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ પૃથ્વી પર શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan