Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


વચન આપવામાં કે માનતા માનવામાં ઉતાવળો ન થા

1 ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ; કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી; તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે.

2 તારે મુખેથી અવિચારી [વાત] ન કર, અને ઈશ્વરની હજૂરમાં કંઈ પણ બોલવાને તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કેમ કે ઈશ્વર આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે! માટે તારા શબ્દો થોડા જ હોય.

3 પુષ્કળ કામની ચિંતાથી સ્વપ્નો આવે છે, અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઈ [ઉઘાડી થાય છે].

4 જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર; કેમ કે મૂર્ખો પર તે રાજી નથી; તારી માનતા ઉપાર.

5 તું માનતા માનીને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને એ સારું છે.

6 તારા મુખને લીધે તું પાપમાં ન પડ; તેમ જ દૂતની રૂબરૂ એમ ન કહે, “એ તો ભૂલ થઈ!” શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે!

7 કેમ કે પુષ્કળ સ્વપ્નોથી, વ્યર્થ વિચારોથી તથા ઝાઝું બોલવાથી [એમ થાય છે] ; પણ તું ઈશ્વરનો ડર રાખ.


ધનની વ્યર્થતા

8 જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.

9 વળી પૃથ્વીની ઊપજ તો સર્વને કાજે છે; રાજાને પણ ખેતરથી મદદ મળે છે.

10 રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો ચાહક સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ. આ પણ વ્યર્થતા છે.

11 દોલત વધે છે ત્યારે તેને ખાનારાં પણ વધે છે; અને તેના માલિકને તે નજરે જોયા સિવાય બીજો શો નફો થાય છે?

12 મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે, પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.

13 મેં પૃથ્વી પર એક ભારે દુ:ખ જોયું છે, એટલે દ્રવ્યનો માલિક પોતાની હાનિને માટે જ દ્રવ્ય સંઘરી રાખે છે તે;

14 અને તે દ્રવ્ય [અવિચારી] સાહસથી નાશ પામે છે; અને જો તેને પેટનો દીકરો હોય, તો તેના હાથમાં કંઈ આવતું નથી.

15 જેવો તે પોતાની માના પેટમાંથી આવ્યો હતો તેવો ને તેવો નગ્ન તે પાછો જશે, અને તે પોતાની મહેનત બદલ કંઈ પણ પોતાના હાથમાં લઈ જવા પામશે નહિ.

16 આ પણ એક ભારે દુ:ખ છે કે, સર્વ બાબતોમાં જેવો તે આવ્યો હતો તેવા જ તેને પાછા જવું પડે છે! પવનને માટે મહેનત કરવાથી તેને શો લાભ છે?

17 વળી તેનું આખું આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.

18 જુઓ, મનુષ્યને માટે જે સારું ને શોભીતું મેં જોયું છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું ને પીવું, અને પૃથ્વી પર જે બધી મહેનત તે ઉઠાવે છે તેમાં મોજમઝા માણવી; કેમ કે એ જ તેનો હિસ્‍સો છે.

19 વળી જેને ઈશ્વરે દ્રવ્ય તથા ધન આપ્યું છે, ને તેનો ઉપભોગ કરવાની, પોતાનો હિસ્સો લેવાની તથા પોતાની મહેનતથી આનંદ માણવાની શક્તિ આપી છે, [એવા દરેક માણસે જાણવું જોઈએ કે] એ ઈશ્વરનું દાન છે.

20 તેની જિંદગીના દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કેમ કે તેના અંત:કરણનો આનંદ એ ઈશ્વરે તેને આપેલો ઉત્તર છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan