સભાશિક્ષક 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ ગુજારવામાં આવે છે તે સર્વ મેં જોયું. જુલમ વેઠનારાઓનાં આંસુ [પડતાં હતાં] , અને તેમને દિલાસો આપનાર કોઈ નહોતું! તેમના પર જુલમ ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પણ જુલમ વેઠનારાઓને દિલાસો આપનાર કોઈ નહોતું. 2 તે માટે હજી સુધી હયાત રહેલા જીવતાઓના કરતાં મરી ગયેલાઓનાં વખાણ મેં કર્યાં; 3 તે બન્ને કરતાં જે હજી સુધી હયાતીમાં આવ્યો નથી, ને જેણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં નથી, તેને હું વધારે [સુખી] ગણું છું. 4 વળી મેં બધી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, [ને એ પણ જોયું] કે એને લીધે પડોશી પડોશીની ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. 5 મૂર્ખ પોતાના હાથ ભીડી રાખે છે, અને પોતે જ નુકસાન વેઠે છે. 6 શ્રમ વેઠીને તથા પવનમાં ફાંફાં મારીને ખોબો મેળવવા કરતાં શાંતિ સહિત પોશ [મળે] તે સારું છે., 7 તે પછી હું પાછો ફર્યો, અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ. 8 માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે. 9 એક કરતાં બે ભલા; કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે. 10 જો તેઓ પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે; પણ જે પડતી વેળાએ એકલો હોય, અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે! 11 વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે? 12 એકલા માણસને કોઈપણ હરાવે, પણ બે તેની સામે થઈ શકે! ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી. 13 સલાહ માનતા ન હોય એવા કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કરતાં ગરીબ પણ જ્ઞાની જુવાન સારો છે. 14 કેમ કે જો કે તે તેના રાજ્યમાં દરિદ્રી જન્મ્યો હતો, તોપણ તે કેદખાનામાંથી નીકળીને રાજા થયો. 15 પૃથ્વી પર ચાલતા સર્વ જીવતાઓને મેં જોયા, તો તેઓ સલાહ ન માનનારની જગાએ ઊભા થનાર પેલા બીજા જુવાનના પક્ષમાં હતા. 16 જે સર્વ લોકોના ઉપર તે [રાજા] હતો તેમનો પાર નહોતો! તોપણ તેની પાછળ આવનારાઓ તેને માટે હરખાશે નહિ. નિશ્ચે એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India