Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સર્વ બાબત માટે સમય

1 પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ, અને દરેક કામને માટે સમય હોય છે:

2 જનમવાનો સમય અને મરવાનો સમય; ‍ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય;

3 મારી નાખવાનો સમય અને સાજું કરવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

4 રડવાનો સમય અને હસવાનો સમય; ‍ શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;

5 પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય; આલિંગન કરવાનો સમય અને આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;

6 શોધવાનો સમય અને ખોવાનો સમય; રાખવાનો સમય અને નાખી દેવાનો સમય;

7 ફાડવાનો સમય અને સીવવાનો સમય; ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય;

8 પ્રેમ કરવાનો સમય અને દ્વેષ કરવાનો સમય; યુદ્ધનો સમય અને સલાહશાંતિનો સમય.

9 જે વિષે તે શ્રમ કરે છે તેથી મહેનત કરનારને શો લાભ છે?

10 જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે.

11 ઈશ્વરે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે! વળી ઈશ્વરે માણસોનાં હ્રદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે આદિથી તે અંત સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.

12 હું જાણું છું કે, પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું, તે કરતાં તેઓને માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી.

13 વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.

14 હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે બધું સદા રહેશે. તેમાં કંઈ વધારી શકાય નહિ કે, તેમાંથી કંઈ ઘટાડી પણ શકાય નહિ; અને મનુષ્યો ઈશ્વરનો ડર રાખે તે માટે ઈશ્વરે તે કર્યું છે.

15 જે [હાલ] છે તે અગાઉ થઈ ગયુમ છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે.


દુનિયામાં અન્યાય

16 વળી મેં પૃથ્વી પર એવું જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા છે; અને નેકી હોવી જોઈએ ત્યાં બદી છે.

17 મેં મારા મનમાં કહ્યું કે, ઈશ્વર નેકનો તથા દુષ્ટનો ન્યાય કરશે; કેમ કે ત્યાં દરેક પ્રયોજનને માટે તથા દરેક કામને માટે [યોગ્ય] સમય હોય છે.

18 મેં મારા મનમાં કહ્યું કે, ઈશ્વર માણસોની કસોટી કરે છે, જેથી તેઓ સમજે કે અમે પશુવત છીએ.

19 કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે; તેઓની એક જ દશા થાય છે: જેમ એક મરે છે તેમ બીજું પણ મરે છે; તે સર્વને એક જ પ્રાણ હોય છે; અને માણસ પશુ કરતાં બિલકુલ શ્રેષ્ઠ નથી; કેમ કે બધું વ્યર્થ જ છે.

20 સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે;

21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે, અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની કોને ખબર છે?

22 એ માટે મેં જોયું કે, માણસે પોતાનાં કામોમાં મગ્ન રહેવું તે કરતાં તેને માટે વધારે સારું બીજું કંઈ નથી; કેમ કે એ જ તેનો હિસ્સો છે; કેમ કે તેની પાછળ જે થશે તે તેને કોણ બતાવશે?

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan