સભાશિક્ષક 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મેં મારા મનમાં કહ્યું, “ચાલ ત્યારે, મોજથી હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે.” આ પણ વ્યર્થતા હતી. 2 મેં વિનોદ વિષે કહ્યું કે, તે ગાંડપણ છે; અને મોજશોખથી શું થાય? 3 મેં મારા અંત:કરણમાં ખોળ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના સર્વ આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને માલૂમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું. 4 મેં મારે પોતાને માટે મોટાં મોટાં કામો ઉઠાવ્યાં; મેં પોતાને માટે મહેલો બાંધ્યા; મેં પોતાને માટે દ્રાક્ષાવાડીઓ રોપાવી; 5 મેં પોતાને માટે બગીચા તથા ચમનબાગો બનાવ્યા, અને તેઓમાં મેં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં; 6 મેં મારે પોતાને માટે તળાવ ખોદાવ્યાં, જેથી વનમાં ઊછરતાં વૃક્ષોને પાણી પવાય. 7 મેં દાસદાસીઓ ખરીદ્યાં, અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. વળી જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાયબળદોનાં તથા ઘેટાંબકરાંનાં ટોળાંની સંપત્તિ અધિક હતી. 8 વળી મેં પોતાને માટે સોનુંરૂપું અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માને છે તે, એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી. 9 એમ હું પ્રતાપી થયો, અને જેઓ યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો; મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું હતું. 10 વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હઠયો નહિ; મેં મારા મનને કોઈ પણ આનંદથી રોકયું નહિ, કેમ કે મારી સર્વ મહેનત [નું ફળ] જોઈને મારું મન આનંદ પામ્યું; અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું. 11 ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતાં તે પર, અને જે મહેનત કરવાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું દેખાયું અને પૃથ્વી ઉતર મેન કંઈ લાભ જણાયો નહિ. 12 પછી જ્ઞાન, ઘેલાઈ તથા મૂર્ખાઈ નિહાળવાને મેં લક્ષ આપ્યું; કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું [કરી શકે છે] ? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ [તે કરી શકે છે]. 13 ત્યારે મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે. 14 બુદ્ધિમાન માણસની આંખો તેના માથામાં છે, ને મૂર્ખ અંધકારમાં ચાલે છે! એમ છતાં મને માલૂમ પડયું છે કે તે સર્વના એક જ હાલ થાય છે. 15 ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ; ત્યારે મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ? ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, એ પણ વ્યર્થતા છે. 16 મૂર્ખના કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; અને જે હાલમાં છે તેઓ સર્વ ભવિષ્યકાળમાં વિસારે પડશે. મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે! 17 તેથી મને જિંદગી પર ધિક્કાર ઊપજ્યો, કેમ કે પૃથ્વી ઉપર જે કામ કરવામાં આવે છે તે મને દુ:ખદાયક લાગ્યું, માટે બધું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. 18 પૃથ્વી ઉપર જે બધાં કામ મેં શ્રમ વેઠીને ઉઠાવ્યાં, તેથી મને ધિક્કાર ઊપજયો, કેમ કે મારા પછી થનાર માણસને માટે મારે તે મૂકી જવું પડશે. 19 વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ થશે એ કોણ જાણે છે? તેમ છતાં પણ જે જે કામમાં મેં શ્રમ ઉઠાવ્યો છે, અને પૃથ્વી પર જેમાં મેં જ્ઞાન દર્શાવ્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. એ પણ વ્યર્થતા છે. 20 તેથી હું ફર્યો, ને પૃથ્વી પર જે સર્વ કામોમાં મેં શ્રમ ઉઠાવ્યો હતો તે વિષે મેં મારા મનને નિરાશ કર્યું. 21 કોઈ એવો માણસ હોય છે કે જેનું કામ બુદ્ધિથી, જ્ઞાનથી, તથા કૌશલ્યથી કરેલું હોય છે; તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા માણસને તે વારસામાં આપી જશે. એ પણ વ્યર્થતા તથા મોટો અનર્થ છે. 22 પોતાનું સર્વ કામ કરવામાં તથા પોતાના અંત:કરણનું મંથન કરવામાં માણસ પૃથ્વી ઉપર શ્રમ ઉઠાવે છે તેથી તેને શું ફળ મળે છે? 23 કેમ કે તેના સર્વ દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુ:ખરૂપ છે! રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી, એ પણ વ્યર્થતા છે. 24 ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલૂમ પડયું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે. 25 કેમ કે તેના વગર કોઈ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે? 26 કેમ કે જે માણસ પર [ઈશ્વર] પ્રસન્ન છે તેને [તે] બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે [ફોકટ] પરિશ્રમ આપે છે, જેથી ઈશ્વરને રાજી કરનારને આપવા માટે તેઓ ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India