Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શાણપણભરી વાતો

1 મરેલી માખીઓ ગાંધીના અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે! તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ તથા માનને દબાવી દે છે.

2 બુદ્ધિમાન માણસનું હ્રદય તેને જમણે હાથે છે; પણ મૂર્ખનું હ્રદય તેને ડાબે હાથે છે.

3 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેકને કહે છે કે, હું મૂર્ખ છું.

4 જો અધિકારીનો મિજાજ તારા પર તપી જાય, તોપણ તારી જગા છોડી ન દે; કેમ કે નમી જવાથી ભારે ગુસ્સો સમી જાય છે.

5 મેં પૃથ્વી પર એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારીથી થતી ભૂલ:

6 મૂર્ખાઈ ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, અને દ્રવ્યવાનો નીચે સ્થળે બેસે છે.

7 મેં ચાકરોને ઘોડે ચઢેલા અને અમીરોને ચાકર તરીકે જમીન પર પગે ચાલતા જોયા છે.

8 જે ખાડો ખાદે છે તે જ તેમાં પડશે; અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડશે.

9 જે પથ્થર ખસેડશે તેને તે વાગશે; અને લાકડાં ચીરનાર લાકડાંથી જ જોખમમાં પડે છે.

10 જો કોઈ બુઠ્ઠા લોઢાને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને અધિક બળ વાપરવું પડશે; પણ સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.

11 જો મંત્ર્યા પહેલાં સાપ [કોઈને] કરડે, તો ગારુડીની વિદ્યા નકામી છે.

12 જ્ઞાની માણસના મુખના શબ્દો માયાળુ છે; પણ મૂર્ખના હોઠો તેને પોતાને જ ગળી જશે.

13 તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે.

14 વળી મૂર્ખ ઘણું બોલે છે; પણ માણસ જાણતું નથી કે શું થવાનું છે; અને તેની પાછળ શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?

15 મૂર્ખોની મહેનત તેઓમાંના દરેકને થકવે છે, કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.

16 હે દેશ, તારો રાજા બાળક હોય, અને તારા હાકેમો સવારમાં ખાણીપીણી કરતા હોય, ત્યારે તને અફસોસ છે!

17 હે દેશ, તારો રાજા કુલીન કુટુંબનો હોય, અને તારા હાકેમો કેફને માટે નહિ પણ બળ મેળવવાને માટે યોગ્ય વેળાએ ખાતા હોય, ત્યારે તો તને ધન્ય છે!

18 આળસથી છાપરું નમી પડે છે; અને હાથની સુસ્તીથી ઘરમાં ચૂવે છે.

19 મિજબાની મોજમઝાને માટે કરવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશ કરે છે. પૈસા બધી વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડે છે.

20 રાજાને શાપ ન દે, તારા વિચારથી પણ નહિ; અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી [પણ] શાપ ન દે; કેમ કે વાયુચર પક્ષી તે બોલ લઈ જશે, અને પંખી તે વાત કહી દેશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan