Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સભાશિક્ષક અથવા ઉપદેશક

1 યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.


સર્વકાંઈ મિથ્યા છે

2 સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા : વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે.

3 જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે?

4 એક પેઢી જાય છે, અને બીજી આવે છે; પણ પૃથ્વી સદા ટકી રહે છે.

5 સૂર્ય ઊગે છે, અને તે અસ્ત થઈને સત્વર તેની ઊગવાની જગાએ ધસી જાય છે.

6 પવન દક્ષિણ તરફ જાય છે, અને પાછો ફરીને ઉત્તરમાં આવે છે; તે પોતાની ગતિમાં આમથી તેમ નિરંતર ફર્યા કરે છે, અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.

7 સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તોપણ સમુદ્ર ભરાઈ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

8 સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે; મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે; જોવાથી આંખ તૃપ્ત થતી નથી, અને સાંભળવાથી કાન ધરાતા નથી.

9 જે થઈ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; અને પૃથ્વી પર કંઈ જ નવું નથી.

10 શું, એવું કંઈ છે કે જે વિષે લોકો કહી શકે, “જુઓ, આ નવું છે?” તોપણ [જાણવું કે,] આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું.

11 આગલી [પેઢીઓ] નું સ્મરણ નથી; તેમ જ હવે પછી થનાર [પેઢીઓ] નું પણ કંઈ પણ સ્મરણ હવે પછી થનાર લોકોમાં રહેશે નહિ.


અનુભવનો સાર:‘બધું વ્યર્થ છે’

12 હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.

13 પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. એ કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.

14 પૃથ્વી પર જે કામો થાય છે તે સર્વ મેં જોયાં છે; અને એ સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.

15 વાંકું હોય તે સીધું કરી શકાતું નથી; અને જે ખૂટતું છે તે [બધા] ની ગણતરી કરી શકાતી નથી.

16 મેં મારા મન સાથે એવી વાત કરી, “જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વ કરતાં મેં અધિક જ્ઞાન મેળવ્યું છે; મારા મનને જ્ઞાનનો તથા વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.”

17 વળી મેં મારું મન જ્ઞાન સમજવામાં અને ઘેલાપણું તથા મૂર્ખાઈ સમજવામાં લગાડયું; તો મને માલૂમ પડયું કે એ પણ પવનમાં બાચકા ભરવા જેવું છે.

18 કેમ કે અધિક જ્ઞાનથી અધિક શોક થાય છે; અને વિદ્યા વધારનાર શોક વધારે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan