Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરના ખાસ લોકો
( નિ. ૩૪:૧૧-૧૬ )

1 જે દેશનું વતન પામવા માટે તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લાવે, ને ઘણી દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, એ તારા કરતાં મોટી તથા બળવાન સાત દેશજાતિઓને [હાંકી કાઢે].

2 અને જ્યારે યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરી દે, ને તું તેમનો પરાજય કરે, ત્યારે તારે તેઓનો પૂરો નાશ કરવો. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ, ને તેમના પર દયા બતાવવી નહિ.

3 વળી તારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ. તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમજ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહિ.

4 કેમ કે તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે. એથી તો યહોવા તમારા પર કોપાયમાન થાય, ને તે જલદી તમારો નાશ કરે.

5 પણ તમારે તેઓ પ્રત્યે આ પ્રમાણે વર્તવું:તમારે તેમની વેદીઓ તોડી પાડવી, ને તેઓના સ્તંભોને પછાડીને ચૂરા કરવા, ને તેમની અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખવી, ને તેમની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખવી.

6 કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.

7 યહોવાએ તમારા પર પ્રેમ રાખ્યો તથા તમને પસંદ કર્યા એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતાં તમે સંખ્યામાં વિશેષ હતા. કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતાં થોડા હતા.

8 પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી તે પાળવા તે ઇચ્છે છે, ને તેથી જ યહોવ સમર્થ હાથવડે તમને કાઢી લાવ્યા છે, તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.

9 એ માટે જાણ કે, યહોવા તારા ઈશ્વર, તે જ ઈશ્વર છે. તે જ વિશ્વાસુ ઈશ્વર છે કે, જે તેમના ઉપર પ્રેમ રાખનારાઓ પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર [પાળે છે] તથા દયા રાખે છે.

10 અને તેમના પર વેર રાખનારનો સામી છાતીએ બદલો લઈને તેનો નાશ કરે છે. તેમના પર વેર રાખનાર પ્રત્યે તે ઢીલ નહિ કરે, તે સામી છાતીએ બદલો વાળશે.

11 માટે જે આજ્ઞાઓ તથા વિધિઓ તથા કાનૂનો હું આજે તને ફરમાવું છું તે તું પાળીને અમલમાં મૂક.


આજ્ઞાપાલનનો આશીર્વાદ
( પુન. ૨૮:૧-૧૪ )

12 અને આ હુકમોને લક્ષ આપીને તમે તે પાળશો ને અમલમાં મૂકશો તેથી એમ થશે કે, જે કરાર તથા દયા વિષે યહોવા તારા ઈશ્વરે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે, તે તારી પ્રત્યે તે અદા કરશે.

13 અને તે તારા પર પ્રેમ રાખશે, ને તને આશીર્વાદ આપશે, ને તારો વિસ્તાર વધારશે. વળી જે દેશ તને આપવાની તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને, તારા ધાન્યને તથા તારા દ્રાક્ષારસને તથા તારા તેલને, તારી ગાયોની ઊપજને તથા તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાંને વરદાન આપશે.

14 સર્વ લોકો કરતાં તું આશીર્વાદિત થશે. તમારી મધ્યે અથવા તમારાં ઢોર મધ્યે નર કે નારી વાંઝિયાં રહેશે નહિ.

15 અને યહોવા તારી મધ્યેથી સર્વ બિમારી દૂર કરશે. અને મિસરના જે ખરાબ રોગોનો તને અનુભવ થયો છે તેઓમાંનો કોઈ તે તારા પર લાવશે નહિ. પણ તારા સર્વ વૈરીઓ ઉપર તે રોગો લાવશે.

16 અને જે સર્વ પ્રજાઓને યહોવા તારા ઈશ્વર તારે સ્વાધીન કરશે તેઓનો તારે સંહાર કરવો. તારી આંખ તેઓ ઉપર દયા ન લાવે. અને તારે તેઓનાં દેવદેવીઓની સેવા પણ ન કરવી. કેમ કે એ તને ફંદારૂપ થઈ પડશે.

17 જો તું તારા મનમાં એમ ધારે કે આ પ્રજા મારા કરતાં મોટી છે; હું કેવી રીતે તેઓનું વતન તેમની પાસેથી છીનવી લઈ શકું?

18 તો પણ તું તેઓથી બીશ નહિ. યહોવા તારા ઈશ્વરે ફારુન પર તથા આખા મિસર પર જે વિતાડ્યું તે તારે સારી રીતે યાદ રાખવું.

19 એટલે જે મોટાં પરીક્ષણો તેં તારી નજરે જોયાં તે, તથા ચિહ્નો તથા ચમત્કારો તથા પરાક્રમી હાથ, તથા લંબાવેલો બાહુ કે જેઓ વડે યહોવા તારા ઈશ્વર તને કાઢી લાવ્યા [તે યાદ રાખવાં]. જે બધી પ્રજાઓથી તું બીહે છે તેઓને યહોવા તારા ઈશ્વર એ જ પ્રમાણે કરશે.

20 વળી યહોવા તારા ઈશ્વર તેઓ મધ્યે ભમરીઓ મોકલીને જેઓ બચી રહ્યા હશે ને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી આગળથી નાશ કરાવશે.

21 તું તેઓને જોઈને ગભરાઈશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર તારી મધ્યે છે, તે મહાન તથા ભયંકર ઈશ્વર [છે].

22 અને યહોવા તારા ઈશ્વર તે પ્રજાઓને તારી આગળથી ધીમે ધીમે હાંકી કાઢશે. તું એકદમ તેઓનો સંહાર કરીશ નહિ, રખેને વન પશુઓ વધી જઈને તને હેરાન કરે.

23 પણ યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરીને મોટા પરાજ્યથી તેઓનો પરાજય કરશે, એટલે સુધી કે તેઓનો પૂરો નાશ થઈ જાય.

24 અને તે તેઓના રાજાઓને તારા હાથમાં સોંપી દેશે, ને તું તેઓનું નામ આકાશ નીચેથી નાશ કરશે; ને તું તેઓનો વિનાશ કરી રહેશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તારી આગળ ટકી શકશે નહિ.

25 તેઓનાં દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી, તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહિ, તેમજ તે તારે માટે લેતો નહિ, રખેને તું તેમાં ફસાઈ પડે; કેમ કે યહોવા તારા ઈશ્વરની નજરમાં એ અમંગળ છે.

26 અને તું કોઈ અમંગળ [વસ્તુ] તારા ઘરમાં લાવીને તેની જેમ વિનાશપાત્ર થઈશ નહિ. તારે તે છેક ધિક્કારવું, ને તારે તેનાથી છેક કંટાળવું; કેમ કે તે તદન વિનાશપાત્ર‌ છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan