Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


સર્વોપરી આજ્ઞા

1 હવે જે આજ્ઞા, વિધિઓ તથા કાનૂનો યહોવા તમારા ઈશ્વરે તમને શીખવવાને મને ફરમાવ્યું છે, એ માટે કે જે દેશનું વતન પામવા માટે તમે [યર્દન] ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો, તે આ છે:

2 એ માટે કે તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા ઈશ્વરનો ડર રાખીને તેમનાં સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો; અને તારી આવરદા લાંબી થાય.

3 માટે, હે ઇઝરાયલ, સાંભળ, ને કાળજી રાખીને તે પાળ; એ માટે કે જેમ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વચન આપ્યું છે તેમ દૂધમધની રેલમછેલવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો.

4 હે ઇઝરાયલ, સાંભળ:યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે.

5 અને યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંત:કરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રેમ કર.

6 અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંત:કરણમાં [ઠસી] રહે.

7 અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.

8 અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ, ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ.

9 અને તું તેમને તારા ઘરની બારસાખો ઉપર તથા દરવાજા ઉપર લખ.


અનાજ્ઞાંકિતપણા સામે ચેતવણી

10 અને એમ થશે કે જ્યારે યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપવાના તેમણે તારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમની આગળ, ઇસહાકની આગળ, તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેમાં તને લાવે. એટલે મોટાં ને ઉત્તમ નગરો જે તેં બાંધ્યાં નથી,

11 ને સર્વ સારી વસ્તુઓથી ભરેલાં ઘર કે જે તેં ભર્યાં નથી. ખોદેલા કૂવા જે તેં ખોદ્યા નથી, દ્રાક્ષાવાડીઓ ને જૈતવૃક્ષો જે તેં વાવ્યા નથી [તેમાં લાવે] , ને તું ખાઈને તૃપ્ત થાય;

12 ત્યારે સાવધાન રહે, રખેને યહોવા તારરા ઈશ્વર જે તને મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી કાઢી લાવ્યા તેમને તું ભૂલી જાય.

13 યહોવા તારા ઈશ્વરનો ડર રાખ. અને તેમની જ સેવા કર, ને તેમના નામમાં પ્રતિજ્ઞા લે.

14 તમારી આસપાસની દેશજાતિઓનાં દેવદેવીઓમાંના અન્ય દેવદેવીઓની પાછળ તમે [ભટકી] ન જાઓ.

15 કેમ કે તારી મધ્યે રહેનાર યહોવા તમારા ઈશ્વર આસ્થાવાન ઈશ્વર છે. રખેને યહોવા તારા ઈશ્વરનો કોપ તારી વિરુદ્ધ સળગી ઊઠે, ને પૃથ્વીની સપાટી પરથી તે તારો સંહાર કરે.

16 જેમ તમે માસ્સામાં તેમની પરીક્ષા કરી તેમ તમે યહોવા તમારા ઈશ્વરની પરીક્ષા ન કરો.

17 યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ તથા કરારો તથા વિધિઓ તેમણે તને ફરમાવ્યાં છે તે તમે ખંતથી પાળો.

18 અને યહોવાની નજરમાં જે યથાર્થ તથા સારું હોય તે તું કર. એ માટે કે તારું ભલું થાય, ને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને [આપવાની] યહોવાએ પ્રતિજ્ઞા લીધી છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે,

19 અને તારા બધા શત્રુઓને તારી આગળથી તે હાંકી કાઢે, જેમ યહોવાએ કહ્યું છે તેમ.

20 ભવિષ્યકાળમાં જ્યારે તારો દીકરો તને એવું પૂછે કે જે કરારો તથા વિધિઓ તથા કાનૂનો યહોવા આપણા ઈશ્વરે તમને ફરમાવ્યાં છે તેમનો અર્થ શો છે?

21 ત્યારે તું તારા દીકરાને કહેજે કે, અમે મિસરમાં ફારુનના ગુલામ હતા, અને યહોવા પરાક્રમી હાથવડે અમને મિસરમાંથી કાઢી લાવ્યા.

22 અને યહોવાએ અમારા જોતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં તથા દુ:ખદ ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યાં.

23 અને તે અમને ત્યાંથી કાઢી લાવ્યા, એ માટે કે જે દેશ તેમણે આપણા પિતૃઓને [આપવાની] પ્રતિજ્ઞા લીધી હતી તે આપવા માટે તે અમને તેમાં લઈ જાય.

24 અને આપણા હમેશના હિતને માટે આ બધા વિધિઓ પાળવાની તથા યહોવા આપણા ઈશ્વરનો ડર રાખવાની યહોવાએ અમને આજ્ઞા આપી કે, જેમ આજ છીએ તેમ, તે આપણને બચાવી રાખે.

25 અને યહોવા આપણા ઈશ્વરે આપણને ફરમાવ્યું છે તે પ્રમાણે જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેમની પ્રત્યે કાળજીથી પાળીએ, તો તે આપણા લાભમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan