Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈશ્વરને આજ્ઞાધીન રહેવા મૂસાની ઇઝરાયલને વિનંતી

1 અને હવે, હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો. એ માટે કે તમે જીવતા રહો, ને જે દેશ યહોવા તમારા પિતૃઓના ઈશ્વર તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો.

2 જે વચન હું તમને ફરમાવું છું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ, તેમજ તેમાં તમારે કંઈ ઘટાડો કરવો નહિ. એ માટે કે યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે તમે પાળો.

3 બાલ-પેઓરને લીધે યહોવાએ જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે. કેમ કે જે માણસો બાલ-પેઓરના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તમારા ઈશ્વરે મારી મધ્યેથી વિનાશ કર્યો છે.

4 પણ તમે જે યહોવા તમારા ઈશ્વરને વળગી રહ્યા તે સર્વ આજે જીવતા રહ્યા છો.

5 જુઓ, મેં તમને યહોવા મારા ઈશ્વરના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે, એ માટે કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો.

6 માટે તે પાળીને અમલમાં મૂકો; કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે, ખરેખર, આ મહાન દેશજાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે.

7 કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર એટલો નિકટનો સંબંધ રાખે છે કે જેટલો યહોવા આપણા ઈશ્વર આપણે તેમની વિનંતી કરીએ ત્યારે આપણી સાથે રાખે છે?

8 અને એવી કઈ મોટી દેશજાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા અદલ વિધિઓ તથા કાનૂનો હોય?

9 માત્ર પોતાના વિષે સાવધાન રહે, ને ખંતથી તારા આત્માની સંભાળ રાખ, રખેને તારી નજરે જોયેલાં કૃત્યો તું ભૂલઈ જાય, ને રખેને તારા આયુષ્યના સર્વ દિવસોભર તારા અંત:કરણમાંથી તે જતાં રહે; પણ તારાં છોકરાને તથા તારાં છોકરાંના છોકરાને એ જણાવ.

10 તું હોરેબમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો તે દિવસે યહોવાએ મને કહ્યું કે, ‘લોકોને મારી આગળ ભેગા કર, ને હું તેઓને મારાં વચન કહી સંભળાવીશ, એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે, તેમાં તેઓ મારો ડર શીખવે.’

11 અને તમે આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. અને પર્વત બળતો હતો ને તેનો અગ્નિ આકાશ સુધી પહોંચતા હતા, ને અંધકાર તથા વાદળ તથા ધોર અંધકાર [બધે વ્યાપી ગયાં હતાં].

12 અને યહોવા અગ્નિની મધ્યેથી તમારી સાથે બોલ્યા. તમે શબ્દોનો ઉચ્ચાર સાંભળ્યો ખરો, પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહિ. [તમે] ફક્ત અવાજ [સાંભળ્યો].

13 અને તેમણે પોતાનો કરાર તમને જાહેર કર્યો, ને તે એટલે દશ હુકમો, પાળવાની તેમણે તમને આજ્ઞા કરી. અને તેમણે બે શિલાપાટીઓ પર તે લખ્યા.

14 અને તે સમયે યહોવાએ તમને વિધિઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ માટે કે પેલી બાજુ જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો.


મૂર્તિપૂજા સામેની ચેતવણી

15 માટે પોતા વિષે ઘણી સંભાળ રાખો. કેમ કે હોરેબમાં યહોવા અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ.

16 રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો, એટલે નર કે નારીની પ્રતિમા,

17 અથવા પૃથ્વી પરના કોઈ પશુની પ્રતિમા, કે વાયુમાં ઊડનાર કોઈ પક્ષીની પ્રતિમા, કે વાયુમાં ઊડનાર કોઈ પક્ષીની પ્રતિમા,

18 કે જમીન પર પેટે ચાલનાર કોઈ પ્રાણીની પ્રતિમા, અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા [તમે બનાવો].

19 અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.

20 પણ યહોવા તને લોઢાની ભઠ્ઠીમાંથી એટલે મિસરમાંથી કાઢી લાવ્યા છે, એ માટે કે જેમ આજે છો તેમ તેમના વારસાના લોક થાઓ.

21 વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયા, ને તેમણે એવી પ્રતિજ્ઞા લીધી, કે તું યર્દનની પેલી બાજુ જવા પામશે નહિ ને યહોવા તારા ઈશ્વર જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે, તેમાં તું પ્રવેશ કરશે નહિ.

22 પણ હું તો નક્કી આ દેશમાં જ મરવાનો, હું યર્દન ઊતરવા પામવાનો જ નથી. પણ તમે તો પેલી બાજુ જશો, ને એ ઉત્તમ દેશનું વતન પ્રાપ્ત કરશો.

23 તો તમે સંભાળજો, રખેને જે કરાર યહોવા તમારા ઈશ્વરે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલી જાઓ, ને કોઈ પણ વસ્તુના આકારની મૂર્તિ જે વિષે યહોવા તારા ઈશ્વરે તને મના કરી છે તે તમે પોતાને કાજે બનાવો.

24 કેમ કે યહોવા તમારા ઈશ્વર ભસ્મકારક અગ્નિરૂપ [તથા] આવેશી ઈશ્વર છે.

25 તને છોકરાં ને છોકરાંનાં છોકરાં થયા પછી, ને તમે તે દેશમાં લાંબી મુદત સુધી રહ્યા પછી, જો તમે ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ કરશો, ને જે કામ યહોવા તારા ઈશ્વરની નજરમાં દુષ્ટ છે તે કરીને તેમને કોપાયમાન કરશો.

26 તો હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખીને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તમે જાઓ છો, તેમાંથી જલદી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ધાયુષ્ય ભોગવશો નહિ, પણ તમારો પૂરો નાશ કરી નાખવામાં આવશે.

27 અને યહોવા તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે, ને જે દેશજાતિઓ મધ્યે યહોવા તમને લઈ જશે તેઓ મધ્યે તમારામાંના થોડા જ બચશે.

28 અને ત્યાં રહીને તમે માણસના હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની એટલે જોઈ ન શકે કે સાંભળી ન શકે કે ખાઈ ન શકે કે સૂંઘી ન શકે એવા દેવદેવીઓની, સેવા કરશો.

29 પણ જો ત્યાંથી તમે યહોવા તમારા ઈશ્વરને શોધશો, ને જો તું તારા પૂરા અંત:કરણથી તથા તારા પૂરા જીવથી તેની શોધ કરશે, તો તે તને મળશે.

30 જ્યારે તું સંકટમાં હોય, ને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય, ત્યારે આખરે તું યહોવા તારા ઈશ્વરની તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશે.

31 કેમ કે યહોવા તારા ઈશ્વરને તે દયાળુ ઈશ્વર છે તે તારો ત્યાગ કરશે નહિ, ને તારો નાશ કરશે નહિ, તેમજ જે કરાર તેમણે પ્રતિ પૂર્વક તારા પિતૃઓની સાથે કર્યો તેને તે વીસરી જશે નહિ.

32 કેમ કે ઈશ્વરે મનુષ્યને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યું તે દિવસથીઇ માંડીને તારી અગાઉનો જે વખત વીતી ગયો છે તેને, તથા પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી પૂછી જો, કે વારું, આ અદભૂત કૃત્ય જેવું [બીજું કંઈ] થયું છે, અથવા તેના જેવું કંઈ સાંભળવામાં આવ્યું છે?

33 જેમ તેં ઈશ્વરની વાણી સાંભળી છે એમ અગ્નિ મધ્યેથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું?

34 અથવા જે બધું યહોવા તમારા ઈશ્વરે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું, તેમ કરીને એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે [બીજી] દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?

35 એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે; અને તે વિના બીજો કોઇ નથી.

36 તે તને બોધ આપે તે માટે તેમણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવીલ અને પૃથ્વી પર તેમણે તને મોટી આગ દેખાડી, અને તેં તેમના શબ્દો અગ્નિ મધ્યેથી સાંભળ્યા.

37 અને તારા પિતૃઓ ઉપર તેમનો પ્રેમ હતો તે માટે તેમણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા, ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા.

38 એ માટે કે તે તારા કરતાં મોટી તથા સમર્થ દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, ને તને તેઓના દેશમાં પ્રવેશ કરાવીને તે તને વારસામાં આપે, જેમ આજ છે તેમ.

39 માટે આજ તું જાણ તથા તારા અંત:કરણમાં ઠસાવ કે, આકાશમાં તથા નીચે પૃથ્વીમાં યહોવા તે જ ઈશ્વર છે. તેમના સિવાય બીજો કોઈ નથી.

40 અને જે તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવાં કે, તારું તથા તારી પાછળ તારાં છોકરાંનું ભલું થાય, ને જે દેશ યહોવા તમારા ઈશ્વર તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.


યર્દનની પૂર્વેના આશ્રયનગરો

41 ત્યાર પછી મૂસાએ યર્દન પાર પૂર્વ દિશાએ ત્રણ નગરો જુદાં કર્યાં.

42 એ માટે કે જે મનુષ્યઘાતકે, પોતાના પડોશીની સાથે અગાઉથી વેર ન હોય તેમ છતાં, તેને અજાણે મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને તે બચી જાય.

43 [તે નગરો આ:] અરણ્યના સપાટ પ્રદેશમાં બેસેર, એ રુબેનીઓને માટે, અને ગિલ્યાદમાં રામોથ, એ ગાદીઓને માટે, અને બાશાનમાં ગોલાન, એ મનાશ્શીઓને માટે,


ઈશ્વરનું નિયમશાસ્‍ત્ર આપવાની શરૂઆત

44 અને જે નિયમ મૂસાએ ઇઝરાયલી પ્રજા આગળ મૂક્યો તે આ છે:

45 ઇઝરાયલી લોકો મિસરમાંથી નિકળ્યા ત્યારે મૂસાએ તેઓને જે કરારો તથા વિધિઓ તથા કાનૂનો કહી સંભળાવ્યા તે આ છે:

46 અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રહેતો હતો, ને જેને મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ મિસરમાંથી નીકળ્યા પછી પરાજીત કર્યા હતો તેના દેશમાં યર્દન પાર બેથ-પેઓરની સામેની ખીણમાં [તે તેણે કહી સંભળાવ્યા].

47 અને તેઓએ તેના દેશને તથા બાશાનના રાજા ઓગના દેશને પોતાનું વતન કરી લીધું. તેઓ યર્દન પાર પૂર્વ દિશાએ વસનાર અમોરીઓના બે રાજાઓ હતા.

48 એટલે આર્નોનની ખીણની સરહદ પર આવેલા એરાએરથી તે સિયોન પર્વત [એટલે હેર્મોન સુધીનો દેશ] ,

49 તથા યર્દન પાર પૂર્વ બાજુ આખો અરાબા, તે છેક પિસ્ગાના ઢોળાવની નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધી.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan