પુનર્નિયમ 32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 “હે આકાશો, કાન ધરો ને હું બોલીશ; અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે: 2 મારો બોધ વરસાદની જેમ ટપકશે. મારી વાતો ઝાકળની જેમ નીગળશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ [તે પડશે] ; 3 કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ. આપણા ઈશ્વરના મહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો. 4 તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે. કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે. 5 લોકોએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, [તેઓ] યહોવાનાં છોકરાં [રહ્યાં] નથી, [એ] તેઓનું કલંક [છે]. [તેઓ] અડિયલ તથા વાંકી પેઢી છે. 6 ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો, શું તમે યહોવાને આવો બદલો આપો છો? શું તે તને ખંડી લેનાર તારા પિતા નથી? તેમણે તને ઉત્પન્ન કર્યો છે ને તને સ્થિર કર્યો છે. 7 પૂર્વકાળના દિવસો સંભાર, ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કર. તારા પિતાને પૂછ, એટલે તે તને કહી બતાવશે; તારા વડીલોને [પૂછ] , એટલે તેઓ તને કહેશે 8 જ્યારે પરાત્પર યહોવાએ દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો, જ્યારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયલનાં છોકરંની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી. 9 કેમ કે યહોવાનો હિસ્સો તે તેમના લોક છે; યાકૂબ તેમના વારસાનો ભાગ છે. 10 તે તેને ઉજ્જડ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યા. તે તેની આસપાસ [કોટરૂપ] રહ્યા, તેમણે તેને સંભાળી લીધો, પોતાની આંખની કીકીની જેમ યહોવાએ તેનું રક્ષણ કર્યું. 11 જેમ ગરૂડ પોતાના માળાને હલાવે છે, અને પોતાનાં બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે, તેમ યહોવાએ પોતાની પાંખો ફેલાવીને, તેઓને પોતાની પાંખો ઉપર ઊંચકી લીધા; 12 એકલા યહોવાએ તેને ચલાવ્યો, ને તેની સાથે કોઈ પારકો દેવ નહોતો. 13 તેમણે ઇઝરાયલને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર બેસાડ્યો, અને ખેતરની ઊપજ તેણે ખાધી. અને યહોવાએ તેને ખડકમાંથી મધ, તથા ચકમકના ખડકમાંથી તેલ ચુસાવ્યું. 14 ગાયનું માખણ ને ઘેટીનું દૂધ, અને હલવાનની ચરબી અને બાશાનની ઓલાદના ઘેટા, તથા બકરા તથા ઘઉંના તાંદળાનું સત્વ; અને દ્રાક્ષાના લાલચોળ રસનો દ્રાક્ષારસ તેં પીધો, 15 પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી; તું હ્રષ્ટપુષ્ટ થયો છે, તું જાડો થયો છે, તું સુવાળો થયો છે. ત્યારે જેમણે તેને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો, અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો. 16 તેઓએ અન્ય [દેવો] થી તેમને રોષિત કર્યા, અમંગળ કર્મોથી તેઓએ યહોવાને રોષ ચઢાવ્યો. 17 તેઓએ ભૂતો [કે જેઓ] ઈશ્વર નહોતા તેઓને, જે દેવોને તેઓ ઓળખતા નહોતા તેઓને, ટૂંક મુદતથી પ્રસિદ્ધ થયેલા નવા [દેવો] કે જેઓથી તમારા પિતૃઓ બીતા નહોતા, તેઓને માટે તેઓએ યજ્ઞ કર્યા. 18 જેમણે તને પેદઅ કર્યો તે ખડક વિષે તને ભાન નથી, અને તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો છે. 19 એ જોઈને યહોવાને કંટાળો ઊપજ્યો, કેમ કે તેમના દીકરા તથા તેમની દીકરીઓએ તેમને ખીજવ્યા. 20 અને તેમણે કહ્યું, ‘તેઓથી હું મારું મુખ સંતાડીશ, [ત્યારે] તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ. કેમ કે તેઓ ઘણી હઠીલી પેઢી, અને વિશ્વાસઘાતી છોકરાં છે. 21 જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે; અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ; મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ. 22 કેમ કે મારો કોપ ભડકે બળે છે, અને શેઓલના તળિયા સુધી તે બળે છે, અને પૃથ્વીને તેની પેદાશસહિત ખાઈ નાખે છે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે. 23 હું તેઓનું ઘણું નુકસાન કરીશ; હું તેઓ પર મારાં તીર ખલાસ કરી દઈશ; 24 [તેઓ] ભૂખથી સુકાઈ [જશે] , ને ઉગ્ર તાપથી તથા દારૂણ વિનાશથી ખવાઈ જશે: હું તેઓ પર પશુઓના દાંત, અને ધૂળમાં પેટે ચાલનાર જાનવરોનું ઝેર રેડીશ. 25 બહાર તરવાર, અને કોટડીઓમાં ત્રાસ નાશ કરશે. [તે] જુવાનોનો તથા કુંવારીઓનો, ધાવણાનો તેમ જ પાકા કેશી માણસનો [નાશ કરશે]. 26 મેં કહ્યું, ‘હું તેઓને દૂર વિખેરી નાખત, હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.’ 27 પણ હું શત્રુઓની ખીજવણીથી બીહું છું, કે રખેને તેઓના દુશ્મનો ખોટું સમજે, અને તેઓ કહે કે, ‘અમારો હાથ પ્રબળ થયો છે, અને યહોવાએ આ સર્વ કર્યું નથી.’ 28 કેમ કે તેઓ અબુદ્ધ દેશજાતિ છે, અને તેઓમાં કંઈ સમજણ નથી. 29 અરે, તેઓ ડાહ્યા થયા હોત, ને તેઓ સમજનારા થયા હોત, અને તેઓ પોતાના અંતકાળનો વિચાર કરત તો કેવું સારું! 30 જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત? 31 કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ, તેઓનો ખડક આપણા ખડક જેવો નથી. 32 કેમ કે તેઓનો દ્રાક્ષાવેલો સદોમના દ્રાક્ષાવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો પિત્તની દ્રાક્ષો છે, તેઓની લૂમો કડવી છે; 33 તેઓનો દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે. 34 ‘શું એ મારા ખજાનાઓની ભેગું મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી? 35 તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે; કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવશે.’ 36 કેમ કે યહોવા પોતાના લોકનો ઇનસાફ કરશે, અને જ્યારે તે જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને બંદીવાન કે છૂટો એવો કોઈ બાકી રહ્યો નથી, ત્યારે તેના સેવકોને માટે તે ખેદિત થશે. 37 અને તે કહેશે કે, ‘તેઓના દેવો, એટલે જે ખડક પર તેઓ ભરોડો રાખતા હતા; 38 જેઓએ તેઓના યજ્ઞની ચરબી ખાધી, [અને] તેઓનાં પેયાર્પણનો દ્રાક્ષારસ પીધો તેઓ ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય! 39 હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી. 40 કેમ કે હું મારો હાથ આકાશની તરફ ઊંચો કરીને મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે, 41 જો હું મારી ચળકતી તરવાર ઘસીશ, [અને] મારો હાથ ન્યાયદંડ ધારણ કરશે, તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ, ને મારા દ્રેષીઓનો બદલો લઈશ. 42 કાપી નંખાયેલાના તથા કેદ પકડાયેલાના લોહીથી, [અને] શત્રુના અગ્રેસરોના માથાના લોહીથી, હું મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તરવાર માંસ ખાશે.’ 43 ઓ દેશજાતિઓ, તને લોકો [ની સાથે] હરખાઓ; કેમ કે યહોવા પોતાના સેવકોના લોહીનો બદલો લેશે, અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.” 44 અને મૂસા આવ્યો, અને તે તથા નૂનનો દીકરો યહોશુઆ લોકોના સાંભળતાં આ ગીતનાં સર્વ વચનો બોલ્યા. મૂસાની આખરી સૂચનાઓ 45 અને મૂસા સર્વ ઇઝરાયલને આ સર્વ વચનો કહી રહ્યો: 46 ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો. અને એ વિષે તમારાં છોકરાંને આ કરો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે. 47 કેમ કે તે તમારે માટે નકામી વાત નથી; કેમ કે તેમાં તમારું જીવન છે, ને જે દેશનો કબજો લેવા તમે યર્દન પાર જાઓ છો તેમાં રહીને તમે એ વાતથી તમારું આયુષ્ય વધારશો.” 48 અને તે ને તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું, 49 “આ અબારીમ પર્વતોમાં નબો પહાડ જે મોઆબ દેશમાં યરીખોની સામે છે, તે પર તું ચઢ; અને જે કનાન દેશ હું ઇઝરાયલી લોકોને વતન તરીકે આપું છું તે જો. 50 અને જે પર્વત ઉપર તું ચઢે છે ત્યાં તું મરી જા, ને તારા પિતૃઓની સાથે મળી જા, ને તારા પિતૃઓની સાથે મળી જા; જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મરી ગયો ને પોતાના પૂર્વજોની સાથે મળી ગયો તેમ. 51 કેમ કે કાદેશના મરીબાનાં પાણી પાસે સીનના અરણ્યમાં તમે ઇઝરાયલીઓની મધ્યે મારો અપરાધ કર્યો; કેમ કે તમે ઇઝરાયલી લોકોની આગળ મને પવિત્ર માન્યો નહિ. 52 કેમ કે તું તે દેશને આઘેથી જોશે, પણ જે દેશ હું ઇઝરાયલી લોકોને આપું છું તેમાં તું જવા પામશે નહિ.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India