Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રભુના નિયમો પથ્થરો પર લખવા

1 અને મૂસાએ તથા ઇઝરાયલના વડીલોએ લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે સર્વ આજ્ઞા હું આજે તમને આપું છું તે પાળો.

2 અને જે દિવસે તમે યર્દન ઊતરીને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તમે જાઓ, ત્યારે એમ થાય કે તારે પોતાને માટે મોટા પથ્થર ઊભા કરવા, ને તેઓના પર લેપ મારવો.

3 અને પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેઓના ઉપર તારે લખવા. એ માટે કે યહોવા તારા ઈશ્વર જે દેશ, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને આપેલા વચન પ્રમાણે, તને આપે છે તેમાં તું જાય.

4 અને તમે યર્દન ઊતરી રહો ત્યાર પછી એમ થાય કે આ પથ્થરો જે વિષે હું આજે તને આજ્ઞા આપું છું તેઓને તમારે એબાલ પર્વત પર ઊભા કરવા ને તેઓના પર લેપ મારવો.

5 અને ત્યાં તારે યહોવા તારા ઈશ્વરને માટે વેદી, એટલે પથ્થરોની વેદી બાંધવી. તું તેઓના ઉપર લોઢાનું [હથિયાર] ઉગામીશ નહિ.

6 આખાઅ પથ્થરોથી તારે યહોવા તારા ઈશ્વરની વેદી બાંધવી. અને તે પર તારે યહોવા તારા ઈશ્વરને માટે દહનીયાર્પણ કરવાં:

7 અને તારે શાંત્યર્પણોના યજ્ઞ કરીને ત્યાં ખાવું. અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ આનંદ કરવો.

8 અને તારે યહોવા તારે આ નિયમના સર્વ શબ્દો બહુ સ્પષ્ટ રીતે તે પથ્થરો પર લખવા.”

9 અને મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ, છાનો રહીને સાંભળ. આજે તું યહોવા તારા ઈશ્વરનિ પ્રજા થયો છે.

10 એ માટે તારે યહોવા તારા ઈશ્વરની વાણી માનવી, ને તેમની આજ્ઞાઓ તથા તેમની વિધિઓ, જે આજે હું તને ફરમાવું છું, તેઓનો અમલ કરવો.”


અનાજ્ઞાંકિતપણાના શાપ

11 અને તે જ દિવસે મૂસાએ લોકોને આજ્ઞા આપીને કહ્યું,

12 “જ્યારે તમે યર્દન પાર ઊતરી રહો ત્યારે લોકોને આશીર્વાદ આપવા માટે શિમયોન તથા લેવી તથા યહૂદા તથા યિસ્સાખાર તથા યૂસફ તથા બિન્યામીન ગરેઝીમ પર્વત પર ઊભા રહે;

13 અને રુબેન, ગાદ તથા આશેર તથા ઝબુલોન, દાન તથા નફતાલી, એઓ શાપ [આપવા] માટે એલાબ પર્વત ઉપર ઊભા રહે.

14 અને લેવીઓ ઉત્તર આપતાં ઇઝરાયલનાં સર્વ માણસોને મોટે અવાજે કહે,

15 ‘જે માણસ કોતરેલી કે ગાળેલી [ધાતુની] એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ, જે યહોવાને અમંગળ લાગે છે, તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે છે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો ઉત્તર આપે, ‘આમેન.’

16 ‘જે પોતાના પિતાને કે પોતાની માને તુચ્છ કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

17 ‘જે પોતાના પડોશીની જમીનની સરહદનું નિશાન ખસેડે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

18 ‘જે આંધળાને માર્ગ પરથી ભમાવે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

19 ‘જે પરદેશીનો, કે અનાથનો કે વિધવાનો અન્યાય કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

20 ‘જે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો; કેમ કે તેણે પોતાના પિતાની નગ્નતા ઉઘાડી કરી છે.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

21 ‘જે કોઈ પણ જાતના જાનવરની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, આમીન.’

22 ‘જે પોતાની બહેનની સાથે, એટલે પોતાના પિતાની દીકરી કે પોતાની માતાની દીકરીની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

23 ‘જે પોતાની સાસુની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

24 ‘જે પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

25 ‘જે નિરપરાધીની હત્યા કરવાને લાંચ લે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, આમીન.’

26 ‘આ નિયમના શબ્દોને જે કોઈ અમલમાં ન લાવે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan