પુનર્નિયમ 26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પેદાશમાં પ્રભુનો પ્રથમ ભાગ 1 અને યહોવા તારા ઈશ્વર જે દેશ તને વતનને માટે આપે છે તેમાં તું આવે ને તેનો વારસો લઈને તેમાં વસે ત્યારે એમ થાય કે, 2 જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેની ભૂમિની બધી પેદાશ તું તારે ઘેર લાવે તેના પ્રથમફળમાંથી લઈને, તેને ટોપલીમાં ભરીને જે સ્થળ યહોવા તારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરે ત્યાં તારે જવું. 3 અને તે દિવસોમાં જે યાજક હોય તેની પાસે આવીને તારે તેને કહેવું, ‘આજે હું યહોવા તારા ઈશ્વરની આગળ જાહેર કરું છું કે, જે દેશ આપણને આપવાને યહોવાએ આપણા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેમાં હું આવી પહોંચ્યો છું.’ 4 અને યાજકલ તારા હાથમાંથી ટોપલી લઈને તેને યહોવા તારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે. 5 અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ એમ કહેવું, ‘મારો પિતા મરવાની તૈયારીમાં આવેલો એક અરામી હતો, ને તે મિસરમાં ગયો ને ત્યાં રહ્યો, ને તેના [લોકની] સંખ્યા થોડી હતી. અને ત્યાં એક મોટી, બળવાન તથા વિસ્તીર્ણ પ્રજા થઈ ગઈ. 6 અને મિસરીઓએ અમારા પર જુલમ કર્યો, ને અમને બહુ પીડા દીધી, ને અમારી પાસે સખત વેઠ કરાવી. 7 અને અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાને હાંક મારી, ને યહોવાએ અમારી હાંક સાંભળી, ને અમારી વિપત્તિ તથા અમારી હાડમારી તથા અમારા પર ગુજરતા જુલમ તરફ દષ્ટિ કરી. 8 અને યહોવા બળવાન હાથે, ને લાંબા કરેલા બાહુ વડે, ને બહુ ભયંકર રીતે ને ચિહ્નોથી તથા ચમત્કારોથી અમને મિસરમાંથી કાઢી લાવ્યા. 9 અને આ સ્થળે લાવીને તેમણે અમને આ દેશ, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, આપ્યો છે. 10 અને હવે, જુઓ, ઓ યહોવા, જે ભૂમિ તમે મને આપી છે તેના પ્રથમ ફળમાંથી હું લાવ્યો છું.’ અને યહોવા તારા ઈશ્વરની આગળ તે મૂકીને તારે યહોવા તારા ઈશ્વરનું ભજન કરવું. 11 અને જે સારું યહોવા તારા ઈશ્વરે તને તથા તારા ઘરનાંને આપ્યું હોય તે સર્વમાં તારે પોતે તથા લેવીએ તથા તારી મધ્યે રહેનાર પરદેશીએ હરખાવું. 12 ત્રીજું વર્ષ દશાંશ લેવાનું વર્ષ છે, તેમાં જ્યારે તું તારી ઉપજનો દશાંશ લઈ ચૂકે ત્યારે તારે લેવીને. પરદેશીને, અનાથને તથા વિધવાને તે આપવું કે, તેઓ તારા ગામોમાં ખાઈને તૃપ્ત થાય. 13 અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ કહેવું, મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ કાઢી છે, ને વળી તમારી આજ્ઞાઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં તે આપી છે. મેં તમારી એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમ જ હું તમને ભૂલી પણ ગયો નથી. 14 મેં મારા શોકમાં તેમાંથી કંઈ ખાધું નથી, ને અશુદ્ધ થઈને મેં તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી, ને મરેલાંને માટે તેમાંથી કંઈ આપ્યું નથી. મેં યહોવા મારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે મને આપી છે, તે પ્રમાણે મેં કર્યું છે. 15 તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી, એટલે આકાશમાંથી, નીચે જોઈને તમારા ઇઝરાયલી લોકોને, તથા અમારા પિતૃઓની જમીન તમે અમને આપી છે, એટલે દૂધમધની રેલછેલવાળો દેશ, તેને તમે આશીર્વાદ આપો.’ પ્રભુની પવિત્ર પ્રજા 16 આ વિધિઓ તથા હુકમો પાળવાની આજ્ઞા યહોવા તારા ઈશ્વર તને આજે આપે છે; માટે તું તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તેઓને પાળ ને અમલમાં લાવ. 17 આજ તેં કબૂલાત આપી છે કે યહોવા તારા ઈશ્વર છે, વળી તું તેમના માર્ગોમાં ચાલશે, તથા તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ તથા તેમના હુકમો પાળશે, ને તેમની વાણી સાંભળશે; 18 અને તને આપેલા વચન પ્રમાણે યહોવાએ આજે કબૂલ કર્યું છે કે તું તેમની ખાસ પ્રજા છે, અને તેમની સર્વ આજ્ઞાઓ તારે પાળવી. 19 અને સર્વના કરતાં તને કીર્તિમાં તથા માનમાં તથા સન્માનમાં વધારવાનું [તેમણે કબૂલ કર્યું છે]. અને તું તેમના કહ્યા પ્રમાણે યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India