Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


છૂટાછેડા અને પુનર્લગ્ન

1 જ્યારે કોઈ પુરુષ સ્‍ત્રી પરણી લાવે ત્યારે એમ થાય કે જો તેને તેનામાં કંઈ નાલાયક વાત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે તો તે તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકે.

2 અને જ્યારે તે તેના ઘરમાંથી નીકળી જાય ત્યારે બીજા પુરુષને વરવાની તેને છૂટ છે.

3 અને જો તેના બીજા પતિની તેના પર નાખુશી થાય, અને તે પણ તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને પોતાના ઘરમાંથી તેને કાઢી મૂકે, અથવા જે બીજા પતિએ તેને પોતાની સ્‍ત્રી કરી લીધી હતી, તે જો મરણ પામે,

4 તો તેના પહેલા પતિએ તેને કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી ફરીથી પોતાની પત્ની કરી ન લે, કેમ કે યહોવાની દષ્ટિમાં તે અમંગળપણું છે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેના પર તું દોષ ન લાવ.


બીજા કેટલાક નિયમો

5 જ્યારે કોઈ પુરુષ નવી સ્‍ત્રી પરણે ત્યારે તે લશ્કરમાં ન જાય, તેમ જ તેને કંઈ કામ સોંપવમાં ન આવે. તે એક વર્ષ સુધી ઘરમાં છૂટો રહે, ને, જે સ્‍ત્રી તે પરણ્યો હોય તેને ખુશ કરે.

6 કોઈ માણસ ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ઘરેણે ન લે; કેમ કે તે માણસની ઉપજીવિકા ઘરેણે લે છે.

7 જો કોઈ માણસ ઇઝરાયલનાં સંતાનમાંથી પોતાના કોઈ ભાઈનું હરણ કરે, ને તેની પાસે ગુલામી કરાવે, અથવા તેને વેચે, તો તે ચોર માર્યો જાય. એમ તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.

8 કોઢ રોગ વિષે તું સાવચેત થઈને લેવી યાજકો તને જે કંઈ શીખવે તે સર્વ તું ખંતથી પાળીને બજાવ. જેમ મેં તમને આજ્ઞા કરી તેમ તમે સાંભળીને કરો.

9 મિસર દેશમાંથી તમારા નીકળ્યા પછી માર્ગમાં યહોવા તારા ઈશ્વરે મરિયમને જે કર્યું તે યાદ રાખ.

10 જ્યારે તું તારા પડોશીને કંઈ પણ ધીરે, ત્યારે તું તેની ગીરે મૂકેલી વસ્તુ લેવાને તેના ઘરમાં ન પેસ.

11 તું બહાર ઊભો રહે, ને જે માણસને તું ધીરે છે તે તારી પાસે ગીરે મૂકવાની વસ્તુ બહાર લાવે.

12 અને જો તે ગરીબ માણસ હોય તો તેની ગીરે મૂકેલી વસ્તુ રાખીને તું સૂઈ જઈશ નહિ.

13 સૂર્ય આથમતાં તારે તે ગીરે મૂકેલી વસ્તુ તેને જરૂર પાછી આપવી કે તે પોતાનું વસ્‍ત્ર પહેરીને સૂએ ને તને આશીર્વાદ આપે અને યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં તે તારા લાભમાં ન્યાયીપણારૂપ ગણાશે.

14 તારા ભાઈઓમાંના અથવા તારા દેશમાં તારી ભાગળોમાં રહેનાર પ્રવાસીઓમાંના કોઈ ગરીબ તથા દરિદ્રી મજૂર પર તું જુલમ ન કર.

15 તે જ દિવસે તું તેની મજૂરી તેને આપ, સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે, ને તેનું મન તેમાં ચોટેલું છે. રખેને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે.

16 છોકરાંને લીધે પિતા માર્યા ન જાય, ને પિતાને લીધે છોકરાં માર્યા ન જાય, દરેક માણસ પોતપોતાનાં પાપને લીધે માર્યો જાય.

17 પરદેશીનો કે નબાપાનો ન્યાય તું ન મરડ. તેમ જ વિધવાનું વસ્‍ત્ર ઘરેણે ન રાખ.

18 પણ યાદ કર કે મિસરમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને‍ ત્યાંથી છૂટો કર્યો. એ માટે હું તને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.

19 જ્યારે તું તારા ખેતરમાં તારો પાક કાપીને ખેતરમાં એક પૂળો ભૂલી ગયો હોય, ત્યારે તેને લાવવાને પાછો ન જા. તે પરદેશીને માટે તથા અનાથને માટે તથા વિધવાને માટે રહે. એ માટે કે યહોવા તારા ઈશ્વર તારા હાથનાં સર્વ કામમાં તને આશીર્વાદ આપે.

20 જ્યારે તું તારું જૈતવૃક્ષ ઝૂડી લે ત્યારે ફરીથી તેની ડાળીઓ પર ન ફર. [રહી ગયેલું ફળ] તે પરદેશીને માટે, અનાથને માટે, તથા વિધવાને માટે રહેવા દે.

21 જ્યારે તું તારી દ્રાક્ષાવાડી [ની દ્રાક્ષો] વીણી લે ત્યારે ફરીથી તું તેને વીણવા ન જા. તે પરદેશીને માટે, અનાથને માટે, તથા વિધવાને માટે રહે.

22 અને યાદ કર કે મિસરમાં તું પણ દાસ હતો. એ માટે હું તને આ આ પાળવાનું ફરમાવું છું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan