Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તાર ભાઈના બળદને કે તેના ઘેટાને ભૂલું પડેલું જોઈને તેનાથી તારે સંતાવું નહિ. તારે તેને તારા ભાઈની પાસે જરૂર પાછું લાવવું.

2 અને જો તારો ભાઈ તારી પડોશમાં રહેતો ન હોય, અથવા તું તેને ઓળખતો ન હોય, તો તારે તેને તારા ઘરમાં લાવવું, ને તેને તારી પાસે રાખવું, ને તારો ભાઈ તેની શોધ કરે ત્યારે તેને તે પાછું સોપવું.

3 તેના ગધેડા વિષે તારે એમ જ કરવું; અને તારા ભાઈની ખોવાએલી જે કંઈ વસ્તુ તને જડી હોય તે સર્વ વિષે તારે એમ જ કરવું. તારે તેનાથી સંતાવું નહિ.

4 તારા ભાઈના ગધેડાને કે તેના બળદને રસ્તાની બાજુએ પડી ગયેલો જોઈને તું તેઓથી સંતાતો નહિ. તારે તેમને પાછા ઉઠાવવાને જરૂર તેને મદદ કરવી.

5 સ્‍ત્રીએ પુરુશનો વેશ ધરવો નહિ, ને પુરુષે સ્‍ત્રીનું વસ્‍ત્ર પહેરવું નહિ. કેમ કે જે કોઈ એવાં કૃત્યો કરે છે તે યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે.

6 જો રસ્‍તે ચાલતાં તું કોઈ પક્ષીનો માળો ઝાડ પર કે જમીન પર જુએ, ને તેની અંદર જો બચ્ચાં કે ઈંડાં હોય, ને ઈંડાં પર કે બચ્ચાં પર માદા બેઠેલી હોય, તો તારે માદાને બચ્ચાં સાથે પકડવી નહિ.

7 બચ્ચાંને તું લે તો ભલે લે, પણ તારે માદાને જરૂર છોડી મૂકવી, કે જેથી તારું ભલું થાય ને તારી જિંદગી વધે.

8 જ્યારે તું નવું ઘર બાંધે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા ઘર પર ખૂન [નો દોષ] આવે નહિ.

9 તું તારી દ્રાક્ષાવાડીમાં બે જાતનાં બી ન વાવ, રખેને તેની બધી ઊપજ, એટલે તારું વાવેલું બી તથા દ્રાક્ષાવાડીની બધી ઊપજ નાશ પામે.

10 તું બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કર.

11 ઊન તથા શણમિશ્રિત લૂંગડાં તારે પહેરવાં નહિ.

12 જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુએ તારે ઝાલર મૂકવી.


જાતીય શુદ્ધતા સંબંધી નિયમો

13 જો કોઈ પુરુષ સ્‍ત્રી પરણી લાવે, ને તે તેની પાસે જાય ને તેના પર નારાજ થાય,

14 અને તેના પર તહોમત મૂકે, ને તેનું નામ વગોવીને કહે કે હું આ સ્‍ત્રીને પરણી લાવીને તેની પાસે ગયો ત્યારે તેનામાં કુંવારાપણાનાં ચિહ્ન મને માલૂમ પડ્યાં નહિ.

15 તો તે કન્યાનાં માતપિતા તે કન્યાનાં કુંવારાપણાનાં ચિહ્ન લઈને તેમને નગરના વડીલોની પાસે ભાગળે લાવે.

16 અને કન્યાનો પિતા વડીલોને કહે કે, ‘મેં મારી દીકરી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે;

17 અને જુઓ, તે તેના પર તહોમત મૂકીને કહે છે કે, તારી દીકરીમઆં મને કુંવારાપણાનાં ચિહ્ન માલૂમ પડ્યાં નહિ. પણ મારી દીકરીનાં કુંવારાપણાનાં ચિહ્ન તો આ રહ્યાં, ’ અને તેઓ નગરના વડીલોની આગળ તે લૂંગડું પાથરે.

18 અને નગરના વડીલો તે પુરુષને પકડીને તેને ફટકા મારે.

19 અને તેઓ તેને સો [શેકેલ] રૂપાનો દંડ કરીને તે તે કન્યાના પિતાને આપે, કારણ કે તેણે ઇઝરાયલની એક કન્યાને વગોવી છે. અને તે તેની પત્ની કાયમ રહે. તેના આખા આયુષ્યભર તેનાથી તેના છૂટેછેડા કરી શકાય નહિ.

20 પણ તે કન્યામાં તેના કુંવારાપણાનાં ચિહ્નો નથી, એ વાત જો સાચી પડે,

21 તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે, અને તેના નગરના પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. કેમ કે તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં મૂર્ખાઈ કરી છે. એવી રીતે તારે તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કરવી.

22 જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરતો માલૂમ પડે, તો તેઓ એટલે વ્યભિચાર કરનાર પુરુષ તથા સ્‍ત્રી, બન્‍ને માર્યા જાય. એવી રીતે તારે ઇઝરાયલમાંથી ભૂંડાઈ દૂર કરવી.

23 જો કોઈ કુંવારી કન્યાની કોઈ પુરુષની સાથે સગાઈ કરેલી હોય, અને કોઈ બીજો પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે;

24 તો તમે તે બન્‍નેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારીને મારી નાખો. કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને એ માટે કે તેણે પોતાના પડોશીની સ્‍ત્રીની આબરૂ લીધી છે: એ રીતે તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.

25 પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, અને તે પુરુષ તેના પર બળાત્કાર કરીને તેની સાથે વ્યભિચાર કરે, તો વ્યભિચાર કરનાર પુરુષ એકલો માર્યો જાય.

26 પણ તે કન્યાને તું કંઈ ન કરતો. કન્યાને મરણયોગ્ય કંઈ પાપ કર્યું નથી; કેમ કે જેમ કોઈ માણસ તેના પડોશીની સામો ઊઠીને તેને મારી નાખે તે જ પ્રમાણે એ વાત છે:

27 કેમ કે તે તેને ખેતરમાં મળ્યો. સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું.

28 જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી એવીને પકડીને તેની સાથે વ્યભિચાર કરે, ને તેઓ પકડાય;

29 તો તે કન્યાની સાથે વ્યભિચાર કરનાર માણસ તે કન્યાના પિતાને પચાસ [શેકેલ] રૂપું આપે, ને તે તેની પત્ની થાય. કેમ કે તેણે તેની આબરૂ લીધી છે. તેની આખી જિંદગીભર તેનાથી તેના છૂટાછેડા કરી શકાય નહિ.

30 કોઈ પુરુષે પોતાના પિતાની સ્‍ત્રીને લેવી નહિ, તેમ પોતાના પિતાની નગ્નતા ઉઘાડવી નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan