પુનર્નિયમ 21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ખૂનીનો પત્તો ન મળે ત્યારે 1 જે દેશ યહોવા તારા ઈશ્વર તેનું વતન પામવા માટે તને આપે છે, તેમાં જો કોઈની લાસ ખેતરમાં પડેલી મળી આવે, ને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય, 2 તો તારા વડીલો તથા તારા ન્યાયાધીશો બહાર જઈને લાસની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ, 3 અને એમ થાય કે, જે નગર લાસથી સૌ કરતાં થોડે અંતરે હોય તે, એટલે તે નગરના વડીલો, કામમાં લીધેલી ન હોય, તથા જેણે ઝૂંસરી ખેંચેલી ન હોય તેવી એક વાછરડી ટોળામાંથી લે. 4 અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ, કે જેમાં ખેડાણ તથા વાવેતર કરવામાં આવ્યું ન હોય, ત્યાં લાવે ને ત્યાં જ તે ખીણમાં તે વાછરડીની ગરદન ભાંગી નાખે. 5 અને યાજકો, એટલે લેવી પુત્રો, પાસે આવે; કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ આપવાને યહોવા તારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક મારનો નિવેડો થાય. 6 અને તે નગરના વડીલો જે પેલી લાસની નજીક રહે છે, તેઓ ખીણમાં ગરદન ભાંગી નાખેલી વાછરડી ઉપર પોતાના હાથ ધોઈ નાખે. 7 અને તેઓ એમ કહે કે, “અમારા હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી. તેમજ અમારી આંખોએ તે જોયું પણ નથી. 8 ઓ યહોવા, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને ક્ષમા કરો, ને તમારા ઇઝરાયલી લોક મધ્યે નિરપરાધીનું ખૂન [રહેવા] ન દો.’ અને તેઓને તે ખૂનની માફી મળશે. 9 એમ યહોવાની દષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તારી મધ્યેથી તારે નિરપરાધીનુમ લોહી દૂર કરવું. યુદ્ધબા સ્ત્રી કેદીઓ વિષે નિયમો 10 જ્યારે તું તારા શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને યહોવા તારા ઈશ્વર તેઓને તારા હાથમાં સોંપે, ને તું તેઓને બંદિવાન કરીને લાવે, 11 અને બંદીવાનોમઆં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય ને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે, 12 તો તારે તેને તારે ઘેર લાવવી; અને તે પોતાનું માથું મૂંડાવે, ને પોતાના નખ લેવડાવે., 13 અને તે પોતાના બંદીવાનપણાનું વસ્ત્ર ઉતારી નાખે, ને તારા ઘરમાં રહે, ને તેનાં માતાપિતાને માટે એક મહિના સુધી શોક કરે. પછી તારે તેની પાસે જવું, ને તેના પતિ થવું, ને તારી પત્ની થાય. 14 અને એમ થાય કે જો તું તેનાથી પ્રસન્ન ન થાય, તો તે ચાહે ત્યાં તેને જવા દેવી. પણ તારે પૈસા લઈને તેને વેચવી નહિ, તે ગુલામડી હોય એવી રીતે તારે તેની સાથે વર્તવું નહિ, કેમ કે તેં તેની આબરૂ લીધી છે. જ્યેષ્ઠ પુત્રનો વારસાહક્ક 15 જો કોઈ માણસને બે પત્ની હોય, એક માનીતી ને બીજી અણમાનીતી, અને માનીતી તથા અણમાનીતી બન્નેને તેના પેટનાં છોકરાં થયાં હોય, અને જ્યેષ્ઠ પુત્ર અણમાનીતીનો હોય; 16 તો જ્યારે તે તેના દીકરાઓને તેની માલમિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ, કે અણમાનીતીનો દીકરો જે ખરો જ્યેષ્ઠ છે તેને બદલે તે માનીતીના દીકરાને જ્યેષ્ઠ ન ઠરાવે. 17 પણ તેની સર્વ માલમિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જ્યેષ્ઠ તરીકે કબૂલ રાખે. કેમ કે તે તેના પુરુષત્વનું પ્રથમફળ છે. જયેષ્ઠ પુત્રનો હક તેનો જ છે. અણકહ્યાગરા દીકરા બાબતે 18 જો કોઈ માણસને હઠીલો તથા અણકહ્યાગરો દીકરો હોય, ને તે તેના પિતાનું કહેવું કે તેની માનું કહેવું માનતો ન હોય, અને તેઓ તેને શિક્ષા કરે છતાં પણ તે તેમને લેખવતો ન હોય, 19 તો તેનાં માતપિતા તેને પકડીને તેમના નગરના વડીલોની પાસે ને તેમના રહેઠાણની ભાગળે તેને બહાર લાવે. 20 અને તેઓ તે નગરના વડીલોને કહે કે, ‘આ અમારો દીકરો હઠીલો તથા અણકહ્યાગરો છે, ને તે અમારું કહેવું માનતો નથી. તે ઉડાઉ તથા છોકટો છે. 21 અને તેના નગરમા સર્વ પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે. એમ તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. અને સર્વ ઇઝરાયલી લોકો તે સાંભળીને બીશે. અન્ય નિયમો 22 અને જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, ને તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવ્યાથી તું તેને ઝાડ પર લટકાવે, 23 તો તેની લાસ આખી રાત ઝાડ પર ન રહે પણ તે જ દિવસે તારે તેને જરૂર દાટવી; કેમ કે લટકાવેલો [દરેક] પુરુષ ઈશ્વરથીઇ શાપિત છે. એ માટે કે તારો દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તે તારાથી અશુદ્ધ ન થાય. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India