Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યુદ્ધ વિષેના નિયમ

1 જ્યારે તું તારા શત્રુઓની સામે લડવા જાય, ને ઘોડાઓને તથા રથોને તથા તારા કરતાં વધારે લોકોને જુએ, ત્યારે તેઓથી તું બીશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર જે તને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તે તારી સાથે છે.

2 અને જ્યારે તમે રણભૂમિની નજદીક પહોંચો, ત્યારે એમ થાય કે યાજક આગળ આવીને લોકોની સાથે વાત કરે,

3 અને તેઓને કહે કે, હે ઇઝરાયલ, સાંભળો, આજે તમે તમારા શત્રુઓની સામે યુદ્ધ કરવાને આવ્યા છો. તો તમે નાહિમ્મત ન થાઓ. બીહો નહિ, ને ધ્રૂજો નહિ, તેમજ તેઓથી ભયભીત ન થાઓ;

4 કેમ કે તમને બચાવવાને તમારે પક્ષે રહીને તમારા શત્રુઓની સામે લડવાને તમારી સાથે જે જાય છે તે તો યહોવા તમારા ઈશ્વર છે.

5 અને સરદારો લોકોને કહે કે, જેણે નવું ઘર બાંધીને તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય. રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજા પરુષને તેની પ્રતિષ્ઠા કરવી પડે.

6 અને જેણે દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ ખાધું ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેર પાછો જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તેનું ફળ ખાય.

7 અને જે કોઈ સ્‍ત્રીની સાથે સગાઈ કરીને તેને તેડી લાવ્યો ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તે સ્‍ત્રીને લે.

8 અને સરદારોને લોકોને એમ પણ કહે કે, બીકણ તથા નાહિમ્મત કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તેની જેમ તેના ભાઈઓ પણ નાહિમ્મત થઈ જાય.

9 અને જ્યારે સરદારો લોકોને કહી રહે, ત્યારે એમ થાય, કે લોકોની આગેવાની કરવા માટે તેઓ અમલદારો ઠરાવે.

10 જ્યારે તું કોઈ નગરની વિરુદ્ધ યુદ્ધ કરવાને તેની નજીદીક આવે, ત્યારે તેને સલાહનું કહેણ મોકલાવ.

11 અને એમ થશે કે, જો તે તને સલાહનો પ્રત્યુત્તર આપીને તારે માટે દરવાજા ખોલી દે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તને છૂટકાની રકમ આપીને તારા દાસ થાય.

12 અને જો તે [નગર] તારી સાથે સલાહ ન કરે, પણ તારી સામે યુદ્ધ કરે તો તું તેને ઘેરો ઘાલ.

13 અને જ્યારે યહોવા તારા ઈશ્વર તેને તારા હાથમાં સોંપે ત્યરે તું તેમાંના‍ પ્રત્યેક પુરુષને તરવારની ધારથી મારી નાખ;

14 પણ સ્‍ત્રીઓ તથા બાળકો તથા ઢોર, તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂટ, તું તારે માટે લે. અને તારા શત્રુઓની જે લૂટ યહોવા તારા ઈશ્વરે તને આપી હોય તે તું ખા.

15 જે નગરો તારાથી ઘણાં વેગળા છે, જે આ દેશજાતિઓનાં નગરોમાંનાં નથી, તે સર્વને તું એમ જ કર.

16 પણ આ લોકોનાં જે નગરો યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહિ.

17 પણ જેમ યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞા આપી છે તેમ તારે તેઓનો, એટલે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, તથા પરીઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરો નાશ કરવો;

18 રખેને જે સર્વ અમંગળ કર્મો તેઓએ તેમના દેવોની સેવામાં કર્યાં છે, તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવા તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.

19 જ્યારે યુદ્ધ કરતાં તુમ કોઈ નગર લેવા માટે લાંબા વખત સુધિ તેને ઘેરો ઘાલે, ત્યારે તેનાં વૃક્ષો પર કુહાડી લગાડીને તું તેને કાપી નાખતો નહિ; કેમ કે તું તેઓનું ફળ ખાય તો ભલે ખાય, પણ તેઓને તારે કાપી ન નાખવાં. કેમ કે ખેતરનુમ વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે?

20 જે ઝાડ વિષે તું જાણે છે કે તે ફળઝાડ નથી, તેઓનો જ નાશ કરવો ને તેઓને જ કાપી નાખવાં. અને જે નગર તારી સામે યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan