પુનર્નિયમ 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)લેવીઓ અને યાજકોના હક્ક 1 લેવી યાજકોને, એટલે લેવીના આખા કુળને, ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે. તેઓ યહોવાના હોમયજ્ઞ તથા તેના વારસા ઉપર ગુજરાન ચલાવે. 2 અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે; તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેમણે તેનોને કહ્યું છે તેમ. 3 અને લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનારા તરફથી યાજકોને આ દાપું મળે કે, તેઓ યાજકને બાવડું તથા બન્ને ગલોફાં તથા હોજરી આપે. 4 તારા અનાજનાં, તારા દ્રાક્ષારસનાં તથા તારા તેલનાં પ્રથમફળ, તથા તારા ઘેટાંનું પહેલી કાતરણીનું ઊન તું તેને આપ. 5 કેમ કે યહોવઅ તારા ઈશ્વરે તારાં સર્વ કુળોમાંથી તેને તથા તેના પુત્રોને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાને નામે સેવા કરે. 6 અને કોઈ લેવી આખા ઇઝરાયલમાં તારા કોઈ પણ ગામમાં વસેલો હોય, ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે; 7 તો ત્યાં યહોવાની હજૂરમાં ઊભા રહેનાર તેના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવા તેના ઈશ્વરને નામે સેવા કરે. 8 તેની વડીલોપાર્જિત મિલકતન વેચાણથી જે તેને મળે તે ઉપરાંત તેને બીજાઓના જેટલો જ હિસ્સો ખાવાને મળે. મેલી વિદ્યા સંબંધી ચેતવણી 9 જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તું જાય ત્યારે તે દેશજાતિઓનાં અમંગળ કૃત્યોનું અનુકરણ કરતાં તારે ન શીખવું. 10 તારી મધ્યે એવો કોઈ જન ન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને ને દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર, 11 કે મોહિની લગાડનાર, કે મૂઠ મારનાર, કે ઇલમી, કે ભૂવો હોય. 12 કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવા કંટાળે છે. અને એવાં અમંગળ કામોને લીધે તો યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. 13 તું યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં સંપૂર્ણ થા. પ્રબોધક મોકલવાનું વચન 14 કેમ કે આ જે દેશજાતિઓનું તું વતન પામવાનો છે તેઓ શકુન જોનારાઓનું તથા જોષ જોનારાઓનું સાંભળે છે; પણ તને તો યહોવા તારા ઈશ્વરે એમ કરવા દીધું નથી. 15 યહોવા તારા ઈશ્વર તારે માટે, તારી મધ્યેથી, તારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે; તેનું તમારે સાંભળવું. 16 હોરેબમાં સભાને દિવસે જે સર્વ તેં યહોવા તારા ઈશ્વર પાસે માંગ્યું કે, હવે પછી યહોવા મારા ઈશ્વરની વાણી મારા સાંભળવામાં ન આવે, તેમજ આ મોટી આગ હવે પછી મારા જોવામાં ન આવે, રખેને હું માર્યો જાઉં, તે પ્રમાણે. 17 અને યહોવાએ મને કહ્યું, ‘તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે. 18 હું તેમને માટે તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ. અને હું મારાં વચનો તેના મુખમાં મૂકીશ, ને જે સર્વ હું તેને ફરમાવું તે તે તેઓને કહેશે. 19 અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ. 20 પણ જે પ્રબોધક ગર્વ કરીને મારે નામે, જે વાત બોલવાની મેં તેને આ આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે, તે પ્રબોધક માર્યો જશે.’ 21 અને જો તું તારા હ્રદયમાં એમ કહે, ‘યહોવા જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ? 22 જ્યારે પ્રબોધક યહોવાને નામે બોલે, અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવા બોલ્યા નથી [એમ તારે જાણવું]. પ્રબોધક ગર્વથી તે બોલ્યો છે, તેનાથી તું બીશ નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India