Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે ગોપશુ અથવા ઘેટુંબકરું કંઈ ખોડખાંપણવાળું કે કૂબડું હોય તેનો યજ્ઞ તું યહોવા તારા ઈશ્વરને ન ચઢાવ, કેમ કે યહોવા તારા ઈશ્વરને તે અમંગળ લાગે છે.

2 જે ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેઓમાંની કોઈની હદ અંદર જો તારી મધ્યે એવું કોઈ પુરુષ કે સ્‍ત્રી મળી આવે, કે જે યહોવા તારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેની દષ્ટિમાં જે ભૂંડું તે કરતું હોય,

3 ને જેણે અન્ય દેવદેવીઓની સેવા કરીને તેની ભક્તિ કરી હોય, ને તેઓને અથવા સૂર્ય કે ચંદ્ર કે તારામંડળમાંથી કોઈ પણ, જે વિષે મેં તમને આજ્ઞા કરી નથી, તેની ભક્તિ કરી હોય;

4 અને તે વિષે તને ખબર મળે ને તેં તે વિષે સાંભળ્યું હોય, તો તું ખંતથી તે વિષે તપાસ કર, ને જો, એ વાત ખરી તથા નિ:સંશય હોય કે ઇઝરાયલ મધ્યે એવું અમંગળ કર્મ થયું છે;

5 તો તે દુષ્ટ કૃત્ય કરનાર પુરુષને અથવા સ્‍ત્રીને, હા તે પુરુષ અથવા સ્‍ત્રીને, તું તારા દરવાજા આગળ લાવીને તેને પથ્થરે મારી નાખ.

6 બે સાક્ષીઓના કે ત્રણ સાક્ષીઓના કહેવાથી મરનાને દેહાંતદંડ આપવામાં આવે. એક જ સાક્ષીના કહેવાથી તેને દેહાંતદંડ આપવામાં ન આવે.

7 તેને મારી નાખવા માટે સાક્ષીનો હાથ તેના પર પહેલો પડે, ને ત્યાર પછી બીજા બધા લોકોનો. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.

8 જો ખૂન વિષે કે મિલકતના દાવા વિષે કે મારામારી વિષે વાદી પ્રતિવાદી વચ્ચે એવો મુકદ્દમો ઊભો થાય કે તેનો ઇનસાફ તારાથી થઈ શકે એમ ન હોય, ને તે તકરારી બાબતો તારી ભાગળોની અંદર બની હોય, તો તારે ઊઠીને યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે,

9 ત્યાં જઈને લેવી યાજકો પાસે, તથા તે વખતે જે ન્યાયાધીશ હોય તેની પાસે જઈને પૂછવું. અને તેઓ તને તે મુકદ્દમાનો ફેંસલો કરી બતાવશે.

10 અને જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાંથી જે ફેંસલો તેઓ તને બતાવે તેના તાત્પર્ય પ્રમાણે તારે કરવુમ, અને જે બધું તેઓ તને શીખવે તે પ્રમાણે કાળજી રાખીને તારે કરવું.

11 જે નિયમ તેઓ તને શીખવે તેની મતલબ પ્રમાણે, ને જે ચુકાદો તેઓ તને કરી બતાવે તે પ્રમાણે તારે કરવું. જે ફેંસલો તેઓ તને કરી બતાવે તેનાથી તું ડાબે કે જમણે મરાડીશ નહિ.

12 અને જે માણસ અહંકાર કરીને જે યાજક ત્યાં યહોવા તારા ઈશ્વરની આગળ સેવા કરવાને ઊભો રહે છે તનું અથવા ન્યાયાધીશનું ન સાંભળે તે માણસ માર્યો જાય; અને એવી રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.

13 અને સર્વ લોકો તે સાંભળીને ડરશે, ને ફરીથી કદી કોઈ અહંકાર કરશે નહિ.


રાજાઓ અંગે નિયમ

14 યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપે છે તેમઆં જ્યારે તું પહોંચે. ને તેનું વતન લઈને તેમાં વસે, ને એમ કહે કે મારી આસપાસની સર્વ દેશજાતિઓની માફક હું મારે માથે રાજા ઠરાવીશ;

15 તો જેને યહોવા તારા ઈશ્વર પસંદ કરે તેને જ તારે રાજા ઠરાવવો. તારા ભાઈઓમાંથી એકને તારે તારે શિર રાજા ઠરાવવો. કોઈ પરદેશી કે જે તારો ભાઈ નથી તેને તું તારે શિર રાજા ઠરાવતો નહિ.

16 ફક્ત એટલું જ કે તે પોતાના માટે ઘોડાનો જથો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે; કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે, તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.

17 તેમ જ તે ઘણી સ્‍ત્રીઓ કરે નહિ, એ માટે કે તેનું મન ભમી ન જાય. તેમ જ પોતાને માટે સોનુંરૂપું અતિશય ન વધારે.

18 અને જ્યારે તે તેના રાજ્યાસને બેસે ત્યારે એમ થાય કે તે પોતાને માટે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઊતારે.

19 અને તે તેની પાસે રહે, ને તે તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે કે, તે યહોવાનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે,

20 એ માટે કે તેનું હ્રદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ટ ન થઈ જાય, ને તે આ થી તે ડાબે કે જમણે ભટકી ન જાય. એ માટે કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેની તથા તેનાં ફરજંદની આવરદા વધે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan