Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પાસ્ખાપર્વ
( નિ. ૧૨:૧-૨૦ )

1 આબીબ માસ ધ્યાનમાં રાખીને યહોવા તારા ઈશ્વરની પ્રત્યે પાસ્ખા પાળ; કેમ કે આબીબ માસમાં યહોવા તારા ઈશ્વર તને રાત્રે મિસરમાંથી કાઢી લાવ્યા.

2 અને પોતાનું નામ રાખવા માટે યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાબકરાંનો કે ઢોરઢાંકનો પાસ્ખાયજ્ઞ તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે કર.

3 તારે તેની સાથે કંઈ પણ ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તારે તેની સથે બેખમીર રોટલી, એટલે દુ:ખની રોટલી ખાવી; કેમ કે તું મિસર દેશમાંથી નીકળ્યો તે દિવસ તારા આખા આયુષ્યભર તને યાદ રહે.

4 અને સાત દિવસ સુધી તારી સર્વ સીમાઓમાં કંઈ પણ ખમીર તારી સર્વ સીમાઓમાં કંઈ પણ ખમીર તારી પાસે જોવામાં ન આવે. અને પહેલા દિવસની સાંજના યજ્ઞનું કંઈ પણ માંસ આખી રાત સવાર સુધી રહેવા દેવામાં ન આવે.

5 જે ભાગળો યહોવા તારા ઈશ્વર તને આપે તેમાંની કોઈની અંદર તારે પાસ્ખાયજ્ઞ કરવો નહિ,

6 પણ પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત થતી વેળાએ એટલે તું મિસરમાંથી નીકળ્યો તે સમયે, પાસ્ખાયજ્ઞ કર.

7 અને જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તું તે રાંધીને ખા; ને સવારમાં તું તારા તંબુમાં પાછો જા.

8 છ દિવસ સુધી તારે બેખમીર રોટલી ખાવી; અને સાતમા દિવસે યહોવા તારા ઈશ્વરના માનમાં પવિત્ર મેળાવડો થાય. [તે દરમિયાન] તારે કંઈ કામ ન કરવું.


કાપણીનું પર્વ (પચાસી પર્વ)
( નિ. ૩૪:૨૨ ; લે. ૨૩:૧૫-૨૧ )

9 તું તારે માટે સાત અઠવાડિયાં ગણ, એટલે તું પાકેલા અનાજને દાતરડું લગાડવું શરૂ કરે ત્યારથી માંડીને તું સાત અઠવાડિયાં ગણ

10 અને તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે અઠવાડીયાનું પર્વ પાળ, અને યહોવા તારા ઈશ્વરે આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારા હાથના ઐચ્છિકાર્પણની ભેટ તું તેમને આપ.

11 અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, યહોવા તારા ઈશ્વરની સમક્ષ, તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા તારી મધ્યે રહેનાર પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.

12 અને યાદ રાખ કે તું પણ મિસરમાં દાસ હતો. અને તું આ વિધિઓ પાળ તથા તેમને અમલમાં મૂક.


માંડવાપર્વ
( લે. ૨૩:૩૩-૪૩ )

13 તારા ખળામાંથી તથા તારા દ્રાક્ષાકુંડમાંથી [ધાન્ય તથા દ્રાક્ષારસ] ઘરમાં લાવ્યા પછી તું સાત દિવસ સુધી માંડવા પર્વ પાળ.

14 અને તારા પર્વમાં તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.

15 યહોવા જે સ્થળ પસંદ કરે ત્યાં તારા ઈશ્વરના માનમાં તું સાત દિવસ સુધી પર્વ પાળ; કેમ કે યહોવા તારા ઈશ્વર તારી સર્વ ઊપજમાં, તથા તારા હાથના સર્વ કામમાં તને આશીર્વાદ આપશે, ને તું બહુ જ આનંદ કરશે.

16 વર્ષમાં ત્રણ વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તેમની હજૂરમાં રજૂ થાય; એટલે બેખમીર રોટલીના પર્વમાં, તથા અઠવાડિયાંના પર્વમાં, તથા માંડવાપર્વમાં અને તેઓ ખાલી હાથે યહોવાની હજૂરમાં હાજર ન થાય.

17 પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ પ્રમાણે, એટલે જે આશીર્વાદ યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેના પ્રમાણમાં આપે.


અદલ ઇનસાફ

18 “જે સર્વ ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેમની અંદર તું તારે માટે તારાં કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ. અને તેઓ અદલ ન્યાયીપણાથી લોકોનો ન્યાય ચૂકવે.

19 તું ન્યાય ન મરડ; આંખની શરમ ન‍‍ રાખ; તેમજ લાંચ ન લે; કેમ કે લાંચ ની આંખોને આંધળી કરે છે, ને નેક જનોનાં વચનોને વિપરીત કરી નાખે છે.

20 અદલ ન્યાયનું અનુસરણ કર, એ માટે કે તું જીવતો રહે, ને યહોવા તારા ઈશ્વર તને જે દેશ આપે છે તેનો વારસો પામે.

21 યહોવા તારા ઈશ્વરની જે વેદી તું તારે માટે બનાવે તેની પાસે તું તારે માટે કોઈ પણ વૃક્ષરૂપી અશેરા [મૂર્તિ] ન બેસાડ.

22 તેમજ તું તારે માટે કોઈ પણ સ્તંભ ઊભો ન કર, કેમ કે યહોવા તારા ઈશ્વર તે ધિક્કારે છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan