પુનર્નિયમ 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દર સાતમું વર્ષ છૂટકારાનું વર્ષ ( લે. ૨૫:૧-૭ ) 1 દર સાતમું વર્ષ તે છૂટકાનું વર્ષ થાય. 2 અને છૂટકો કરવાની રીત આ છે: પ્રત્યેક લેણદાર પોતાના પડોશીને પોતે જે ધીર્યું હોય તે જવા દે; તે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી બળજબરીથી તે પાછું લે નહિ, કેમ કે યહોવાના માનાર્થે છુટકારાનો ઢંઢેરો પિટાવવામાં આવ્યો છે. 3 વિદેશીની પાસેથી તો તે તારે બળજબરીથી વસૂલ કરવાની તને પરવાનગી છે. પણ તારું જે કંઈ [લેણું] તારા ભાઈ પાસે હોય તે તું જવા દે. 4 તોપણ તારી મધ્યે કોઈ દરીદ્રી નહિ હોય; [કેમ કે યહોવા તારા ઈશ્વર તને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવા તને નક્કી આશીર્વાદ આપશે.] 5 ફક્ત એટલું જ કે તું યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને, આ જે સર્વ આજ્ઞાઓ હું આજે તેન ફરમાવું છું તે તું કાળજીથી પાળશે તો. 6 કેમ કે તને આપેલા વચન પ્રમાણે, યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે; અને તું ઘણી દેશજાતિઓનો લેણદાર થશે, પણ તું દેવાદાર થશે નહિ. અને તું ઘણી દેશજાતિઓ પર અમલ ચલાવશે, પણ તેઓ તારા પર અમલ નહિ ચલાવે. 7 જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે, તેમાં તારા ઘરમાં રહેતો તારો કોઈ દેશી ભાઈ દરિદ્રી હોય, તો તું તારું હ્રદય કઠણ ન કર, ને તારા દરિદ્રી ભાઈ પ્રત્યે તારા હાથ બંધ ન કર; 8 પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો મૂક, ને તેની અછતને લીધે જેટલાની તેને જરૂર હોય તેટલું તેને ધીર. 9 સાવચેત રહે, રખેને તારા મનમાં એવો હલકો વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છૂટકાનું વર્ષ પાસે છે; અને તારી દાનત તારા દરિદ્રી ભાઈની વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે. 10 તારે તેને આપવું જ, ને તેને આપતાં તારું અંત:કરણ કચવાય નહિ, કેમ કે એ કૃત્યને લીધે યહોવા તારા ઈશ્વર તારા સર્વ કામમાં, ને જે કોઈ [કામ] તું તારા હાથમાં લે છે તેમાં તને આશીર્વાદ આપશે. 11 કેમ કે દેશમાંથી દરિદ્રીઓ કદી ખૂટશે નહિ. એ માટે હું તને એવી આ આપું છું કે, તારે તારા દેશમાં તારા ભાઈ પ્રત્યે, તારા કંગાલ પ્રત્યે, તથા તારા દરિદ્રી પ્રત્યે જરૂર હાથ ખુલ્લો રાખવો. ગુલામો પ્રત્યેની વર્તણૂકના નિયમો ( નિ. ૨૧:૧-૧૧ ) 12 જો તારો ભાઈ, એટલે કોઈ હિબ્રૂ પુરુષ અથવા હિબ્રૂ સ્ત્રી, તારે ત્યાં વેચાયો હોય, ને છ વર્ષ સુધી તે તારી ચાકરી કરે, તો સાતમે વર્ષે તારે તેને છોડી મૂકવો. 13 અને જ્યારે તું તેને તારા તાબામાંથી છોડી દે, ત્યારે તારે તેને ખાલી હાથે જવા દેવો નહિ. 14 તારે તારાં ઘેટાંબકરાંમઆંથી, ને તારા ખળામાંથી, ને તારા દ્રાક્ષાકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવા તારા ઈશ્વરે તને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારે તેને આપવું. 15 અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને છોડાવ્યો; એમાટે આ આજ્ઞા હું આજે તને આપું છું. 16 અને એમ બને કે, જો તે તને કહે કે, મારે તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી પાસેથી જવું નથી, અને તે એ માટે કે તેને તારી સાથે ને તારાં ઘરનાંની સાથે પ્રેમ બંધાયો છે, ને તારે ત્યાં તે સુખચેનમાં રહે છે, 17 તો એક આરી લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તારે તેનો કાન વીંધવો, એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ તારે એજ પ્રમાણે કરવું. 18 જ્યારે તું તેને તારા તાબામાંથી છૂટો કરે, ત્યાએ એમ કરવું એ તને કઠણ ન લાગે, કેમ કે મજૂરના પગાર કરતાં બમણી કિંમતની ચાકરી તેણે તારે ત્યાં છ વરસ સુધી કરી છે. અને તારા સર્વ કામમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે. પ્રથમ જન્મેલાં નર બચ્ચાંનું અર્પણ 19 તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તું યહોવા તારા ઈશ્વરને અર્પતિ કર. પ્રથમ જન્મેલાં તારાં વાછરાડા પાસેથી કંઈ કામ ન લે, ને તારાં ઘેટાંબકરાંનાં પહેલા વેતરનાં બચ્ચાંને તું ન કાતર. 20 તું તથા તારું કુટુંબ એવાંને વર્ષોવર્ષ યહોવા તારા ઈશ્વરની સમક્ષ જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં ખાઓ. 21 અને જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે તે લંગડું કે આંધળું અથવા કોઈપણ જાતની ખોડખાંપણવાળું હોય, તો તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે તેનો યજ્ઞ ન કર. 22 તું તે તારે ઘેર ખા; જેમ હરણ તથા સાબર, તેમ તે પણ અશુદ્ધ તેમજ શુદ્ધ જન ખાય. 23 ફકત તું તેનું રક્ત ન ખા; તે તું પાણીની જેમ જમીન પર ઢોળી દે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India