પુનર્નિયમ 14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 શોક પાળવાની મના કરેલી રીત 1 તમે યહોવા તમારા ઈશ્વરનાં છોકરાં છો. તમે મરેલાંને લીધે તમારા અંગ પર ઘા ન પાડો, ને તમારી આંખોની વચ્ચે ન મૂંડાવો. 2 કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે, ને પૃથ્વીની સપાટી પરની સર્વ દેશજાતિઓમાંથી તને યહોવાએ પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે. ખોરાક માટે યોગ્ય-અયોગ્ય પ્રાણીઓ ( લે. ૧૧:૧-૪૭ ) 3 તું કોઈ અમંગળ વસ્તુ ન ખા. 4 આ પશુઓ ખાવાની તમને છૂટ છે: એટલે ગોપશુ, ઘેટું તથા બકરું, 5 સાબર તથા હરણ તથા કાલિયાર તથા રાની બકરું તથા પહાડી હરણ તથા છીંકારુ, તથા પહાડી ઘેટું. 6 અને જે પ્રત્યેક પશુને ફાટેલી ખરી, તથા ચિરાઈને બે ભાગ થઈ ગએલી ખરી, તથા ચિરાઈને બે ભાગ થિઇ ગએલી ખરી હોય, ને વાગોળતું હોય, તે ખાવાની તમને છૂટ ફાટેલી છે. 7 તોપણ વાગોળનારાંમાંથી અથવા ફાટેલી ખરીવાળાંમાંથી પણ આ [નીચેનાં] તમારે ન ખાવાં. એટલે ઊંટ તથા સસલું તથા શાફાન, કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારે માટે અશુદ્ધ છે. 8 વળી ડુક્કર પણ, કેમ કે તેની ખરી ફાટેલી છે પણ તે વાગોળતું નથી, તે તમારે માટે અશુદ્ધ છે: તેઓનું માંસ તમારે ન ખાવું, ને તેઓનાં મુડદાંને તમારે ન અડકવું. 9 સર્વ જળચર પ્રાણીઓમાંથી તમારે જે ખાવાં તે આ:જેમને ભિંગડાં તથા પર હોય તે સર્વને તમે ખાઓ. 10 અને પર તથા ભિંગડા વગરનું જે હોય તે તમે ન ખાઓ, તે તમારે માટે અશુદ્ધ છે. 11 સર્વ શુદ્ધ પક્ષીઓ ખાવાની તમને છૂટ છે. 12 પણ તમારે જે ન ખાવાં તે આ છે: એટલે ગરૂડ, તથા દાઢીવાળો ગીધ તથા કુરર; 13 તથા સમડી, તથા બાજ, તથા ક્લીલ તેની [જુદી જુદી] જાત પ્રમાણે; 14 તથા પ્રત્યેક કાગડો તેની [જુદી જુદી] જાત પ્રમાણે; 15 તથા શાહમૃગ, તથા રાતશકરી, તથા શાખાફ, તથા શકરો તેની [જુદી જુદી] જાત પ્રમાણે. 16 ચીબરી, તથા ઘુવડ, તથા રાજહંસ; 17 તથા ઢીંચ તથા ગીધ, તથા કરઢોક, 18 તથા બગલું, તથા હંસલો તેની [જુદી જુદી] જાતપ્રમાણે, તથા ભોંયખોદ તથા વાગોળ. 19 અને સર્વ પાંખવાળા સર્પટિયાં તમારે માટે અશુદ્ધ છે, તે ન ખવાય. 20 સર્વ શુદ્ધ પક્ષીઓ ખાવાની તમને છૂટ છે. 21 તમારે કોઈ પણ પ્રાણીનું મુડદાલ ખાવું નહિ. તારી મધ્યે રહેનાર પરદેશીને તે ખાવાને તું આપે તો ભલે આપે, અથવા તું કોઈ વિદેશીને તે વેચે તો ભલે વેચે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. બકરીનું બચ્ચું તેની માના દૂધમાં તું ન બાફ. દશાંશનો નિયમ 22 તારા બિયારણની સઘળી પેદાશનો, એટલે ખેતરમાંથી દર વર્ષે થતી ઊપજનો, દશાંશ તારે [જુદો] કાઢવો. 23 અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં તેમની હજૂરમાં તારા અનાજનો, તારા દ્રાક્ષારસનો તથા તારા તેલનો દશાંશ તથા તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચાં તારે ખાવાં, એ માટે કે તું સદા યહોવા તારા ઈશ્વરનો ડર રાખતાં શીખે. 24 અને જો તારે માટે રસ્તો એટલો લાંબો હોય કે તું તે લઈ જઈ ન શકે, એટલે જ્યારે યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તે તારા [રહેઠાણ] થી ઘણે દૂર હોય, 25 તો તારે તે વેચી નાખવું, ને તે નાણાંની પોટલી તારા હાથમાં લઈને યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કે ત્યાં જવું. 26 અને તારું દિલ ચાહે તે [ખરીદવા] માટે તારે તે નાણાં ખરચવાં, એટલે વાછરડાંઓને માટે કે ઘેટાંને માટે, કે દ્રાક્ષારસને માટે કે મધને માટે, કે જે કંઈ તને પસંદ પડે તેને માટે. અને ત્યાં યહોવા તારા ઈશ્વરની આગળ તારે ને તારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો. 27 અને તારા ઘરમાં રહેનાર લેવીને તારે પડતો ન મૂકવો, કેમ કે તેને તારી સતે ભાગ કે વારસો મળેલો નથી. 28 દર ત્રણ વર્ષને અંતે તે વર્ષની તારી બધી ઊપજનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરવો. 29 અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India