Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

દાનિયેલ 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મેંઢા તથા બકરા વિષે દાનિયેલનું સંદર્શન

1 બેલ્શાસ્સાર રાજાના ત્રીજા વર્ષમાં મને, હા, મને દાનિયેલને, એક સંદર્શન થયું, એટલે પ્રથમ મને જે થયું હતું તેના પછી.

2 હું સંદર્શનમાં જોતો હતો; તે વખતે હું એલામ પ્રાંતમાંના સૂસાના મહેલમાં હતો. મારા સંદર્શનમાં મેં જોયું કે હું ઉલાઈ નદીની પાસે હતો.

3 ત્યારે મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, બે શિંગડાવાળો એક મેંઢો નદી આગળ ઊભો હતો. એ બે શિંગડાં ઊંચાં હતાં, પણ તેમાંનું એક બીજા કરતાં ઊંચું હતું, ને જે વધારે ઊંચું હતું તે પાછળથી ઊગી નીકળ્યું.

4 મેં તે મેંઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથાં મારતો જોયો. અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું; તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો, ને બડાઈ મારતો હતો.

5 હું વિચાર કરતો હતો એટલામાં જુઓ, એક બકરો પશ્ચિમથી નીકળીને આખી પૃથ્વી પર આક્રમણ કરીને [આવ્યો] , તે જમીન પર પગ પણ મૂકતો નહોતો, એ બકરાને એની આંખોની વચ્ચે એક વિલક્ષણ શિંગડું હતું.

6 તે, પેલા બે શિંગડાંવાળો મેંઢો, જેને મેં નદી આગળ ઊભેલો જોયો, તેની પાસે આવ્યો, ને પોતાના બળના જોસમાં તેના પર ઘસી આવ્યો.

7 મેં તેને મેંઢાની પાસે આવી પહોંચતો જોયો, ને તે મેંઢા પર બહુ ક્રોધે ભરાયો હતો. તેણે મેંઢાને મારીને તેનાં બન્‍ને શિંગડાં ભાગી નાખ્યાં. તેની સામે ટક્કર લેવાને મેંઢો તદ્દન અશક્ત ને પોતાના પગથી એને કચરી નાખ્યો. તેના હાથમાંથી મેંઢાને છોડાવી શકે એવો કોઈ નહોતો.

8 ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું; પણ તે બળવાન થયો ત્યારે એનું મોટું શિંગડું ભાંગી ગયું; અને તેને બદલે આકાશના ચારે વાયુ તરફ ચાર વિલક્ષણ [શિંગડાં] તેને ફૂટ્યાં.

9 તેઓમાંના એકમાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું, તે દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા રળીયામણા દેશ તરફ બહુ જ મોટું થઈ ગયું.

10 તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું; અને તેણે તે સૈન્યમાંના તથા તારાઓમાંના કેટલાકને નીચે જમીન પર પાડી નાખ્યા, ને તેમને પગ નીચે કચરી નાખ્યા.

11 વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું. અને એ શિંગડાંએ તેની પાસેથી નિત્યનું દહનીયાર્પણ લઈ લીધું, ને તેનું પવિત્રસ્થાન પાડી નાખવામાં આવ્યું.

12 અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું [દહનીયાર્પણ] તેને હવાલે કરવામાં આવ્યાં. તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું, ને તે પોતાની [મરજી મુજબ] વર્ત્યું, ને ફતેહ પામ્યું.

13 ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો, જે અમુક પવિત્ર બોલતો હતો તેને બીજા પવિત્રે પૂછ્યું, “નિત્યના [દહનીયાર્પણ] વિષેના, તથા ઉજ્જડ કરનાર અપરાધ પવિત્રસ્થાનને તેમ જ સૈન્યને બન્‍નેને પગ નીચે કચરી નાખવા વિષેના સંદર્શનોની મુદત કેટલી છે?”

14 તેણે મને કહ્યું, ‘બે હજાર ત્રણસો સાંજ સવારની છે; ત્યાર પછી પવિત્રસ્થાનનું શુદ્ધિકરણ થશે.’


ગાબ્રિયેલ દૂત સંદર્શન સમજાવે છે

15 મને, હા, મને દાનિયેલને, એ સંદર્શન થયા પછી એમ થયું કે, તે સમજવા માટે હું પ્રયત્ન કરતો હતો; તો જુઓ, પુરુષના જેવો આભાસ મારી નજરે પડ્યો.

16 મેં ઉલાઈ ના કાંઠાઓની વચ્ચે મનુષ્યનો સાદ સાંભળ્યો, તેણે હાંક મારીને કહ્યું, “ગાબ્રિયેલ, આ માણસને સંદર્શનની સમજ આપ.”

17 તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો; પણ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું સમજ; કેમ કે આ સંદર્શન અંતકાળ વિષેનું છે.”

18 હવે તે મારી સાથે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરનિદ્રામાં પડ્યો; પણ તેણે મને અડકીને ટટાર બેસાડ્યો.

19 તેણે મને કહ્યું, “જો કોપને અંત સમયે જે થવાનું છે તે હું તને જણાવીશ; કેમ કે એ ઠરાવેલા અંતકાળ વિષે છે.

20 જે બે શિંગડાવાળો મેંઢો તેં જોયો, તેઓ માદિય તથા ઈરાનના રાજાઓ છે.

21 રૂઆંવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે; તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે.

22 જે ભાંગી ગયું, તે એક પ્રજા દર્શાવે છે કે જેમાંથી ચાર રાજ્યો ઉત્પન્‍ન થશે, પણ તેઓ તેના જેટલાં બળવાન થશે નહિ.

23 તેઓના રાજ્યની આખરે, જ્યારે અપરાધીઓનો ઘડો ભરાયો હશે ત્યારે એક વિકરાળ ચહેરાનો, તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે.

24 તે મહા બળવાન થશે પણ પોતાના જ બળથી નહિ. તે અદ્‍ભુત રીતે નાશ કરશે, તે ફતેહ પામશે ને પોતાની મરજી પ્રમાણે વર્તશે; અને તે પરાક્રમીઓનો તથા પવિત્ર લોકોનો નાશ કરશે.

25 તે પોતાની હોશિયારીથી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેહમંદ થશે. તે પોતાના મનમાં બડાઈ કરશે, ને તે ઘણાઓનો [તેઓની] અસાવધ સ્થિતિમાં નાશ કરશે. તે સરદારોના સરદારની સામે પણ બાથ ભીડશે; પણ [કોઈ મનુષ્ય] હાથ વગર તેનો નાશ થશે.

26 સાંજ-સવાર વિષે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે ખરું છે; પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ; કેમ કે તે ઘણા દૂરના કાળ વિષે છે.”

27 પછી મને દાનિયેલને મૂર્છા આવી, ને હું કેટલાક દિવસો સુધી માંદો રહ્યો, ત્યાર પછી હું ઊઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો; અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan