Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

દાનિયેલ 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દાનિયેલ એનાં સંદર્શન જણાવે છે ( ૭:૧—૧૨:૧૩ ) ચાર જાનવરો વિષેનું દાનિયેલનું સંદર્શન

1 બાબિલના રાજા બેલ્શાસ્સારને પહેલે વર્ષે દાનિયેલને પોતના બિછાનામાં સ્વપ્ન આવ્યું, ને તેના મગજમાં સંદર્શનો થયાં. તેણે તે સ્વપ્ન લખી લીધું, ને તે બાબતોમાં સાર કહી બતાવ્યો.

2 દાનિયેલે કહ્યું, “હું રાત્રે મારા સંદર્શનમાં જોતો હતો, ને જુઓ, આકાશના ચાર વાયુ મહાસમુદ્ર ઉપર જોસથી ફૂંકાવા લાગ્યા.

3 અને ચાર મોટા જાનવરો, એકબીજાથી જુદાં, સમુદ્રમાંથી નીકળી આવ્યાં.

4 પહેલું તો સિંહના જેવું હતું, ને તેન ગરૂડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી, ને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું, ને માણસની જેમ તેને બ પગ પર ઊભું રાખવામાં આવ્યું, ને તેને મનુષ્યનું હ્રદય આપવામાં આવ્યું.

5 વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું, તેની એક બાજુનો [પંજો] ઊંચો રાકવામાં આવ્યો હતો ને તેના મોંમાં તેના દાંતો વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેઓએ તેને કહ્યું, ‘ઊઠ, ઘણા માસનો ભક્ષ કર, ’

6 ત્યાર પછી હું જોતો હતો એટલમામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું દેખાયું, તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, વળી તે જાનવરને ચાર માથાં હતાં, અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.

7 એ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો, તો જુઓ, એક ચોથું જાનવર દેખાયું, તે ભયંકર, મજબૂત અને અતિશય બળવાન હતું.તેને લોઢાના મોટા દાંત હતા; તે ફાડી ખાતું તથા ભાંગીને ટુકડેટુકડા કરતું હતું ને બાકી રહેલાઓને પોતાના પગથી કચરી નાખતું હતું. તેની અગાઉના સર્વ પશુઓ કરતાં તે જૂદું હતું. તેને દશ શિંગડાં હતાં.

8 હું શિંગડા વિષે વિચાર કરતો હતો એટલામાં, જુઓ, તેઓ મધ્યે એક બીજું નાનું શિંગડું ફૂંટી નીકળ્યું કે જેના પ્રતાપથી પહેલામાંનાં ત્રણ શિંગડાં સમૂળાં ઊખડી ગયાં. અને, જુઓ, આ શિંગડામાં માણસની આંખો જેવી આંખો, તથા [બડાઈની] વાતો કરનાર એક મુખ હતું.


સનાતન ઈશ્વર વિષે સંદર્શન

9 હું જોયા કરતો હતો એટલામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં, ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો શ્વેત, ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનનાં જેવા હતા; તેનું રાજ્યાસન અગ્નિની જવાળારૂપ હતું, [ને] તેનાં પૈડાં ધગધગતા આંગારારૂપ હતાં.

10 અગ્નિની જવાળા તેની આગળથી નીકળીને ઘસી જતી હતી. હજારોહજાર તેની સેવા કરતા હતા, અને લાખોલાખ તેની સમક્ષ ઊભા રહેલા હતા; ન્યાયસભા ભરાઈ હતી, ને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં હતાં.

11 જે શિંગડું મોટી મોટી [બડાઈની] વાતો કરતું હતું તેના અવાજને લીધે હું તે વખતે જોયા કરતો હતો. એ જાનવરને છેક મારી નાખવામાં આવ્યું, ને તેનું શરીર નાશ પામ્યું, ને તેને બાળી નાખવામાં આવ્યું ત્યાં સુધી મેં જોયા કર્યું.

12 બાકીનાં જાનવરોનો તો રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો. પણ તેમની હયાતી એક સમય તથા એક કાળ સુધી કાયમ રાખવામાં આવી.

13 રાતનાં સંદર્શનોમાં હું જોતો હતો, તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો, ને તેઓ તેને તેની નજીક લાવ્યા.

14 તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં કે, જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય. તેની સત્તા સનાતન તથા અચળ છે, ને તેનું રાજ્ય અવિનાશી છે.


સંદર્શનોના ખુલાસા

15 હું દાનિયેલ મારા મનમાં દુ:ખી થયો, ને મારા મગજનાં સંદર્શનોથી હું ભયભીત થયો.

16 જેઓ પાસે ઊભા રહ્યા હતા તેઓમાંના એકની પાસે જઈને મેં તેને આ સર્વ બાબતનો ખરો અર્થ પૂછ્યો. તેણે તે મને કહ્યો, ને એ વાતોનો ખુલાસો મારી આગળ કર્યો.

17 આ ચાર મોટાં જાનવરો તો ચાર રાજાઓ છે કે, જેઓ પૃથ્વી પર ઊભા થશે.

18 પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.

19 ત્યારે જે‍ ચોથું જાનવર તે બધાં કરતાં જુદું તથા અતિશય ભયંકર હતું, જેના દાંત લોઢાના ને જેના નખ પિત્તળના હતા, જે ફાડી ખાતું, ભાંગીને ટુકડેટુકડા કરતું, ને બાકી રહેલાને પોતાના પગથી કચડી નાખતું હતું, તેનો ખરો અર્થ,

20 તથા તેના માથા પરનાં દશ શિંગડાં તથા પેલું બીજું ફૂટી નીકળેલું શિગડું કે જેના પ્રતાપથી ત્રણ પડી ગયાં, એટલે જે શિંગડાને આંખો તથા મોટી મોટી [બડાઈની] વાતો કરનાર મુંખ હતું, ને જે દેખાવમાં તેની સાથેનાં કરતાં મજબૂત હતું, તેઓનો ખરો અર્થ જાણવાની મેં ઇચ્છા દર્શાવી.

21 તે વયોવૃદ્ધ [પુરુષ] આવ્યો, ને પરાત્પરના પવિત્રોને ન્યાયાધિકાર આપવામાં આવ્યો; અને એવો વખત આવ્યો કે પવિત્રોને રાજ્ય પ્રાપ્ત થયું;

22 ત્યાં સુધી એ જ શિંગડાએ પવિત્રોની સામે યુદ્ધ મચાવીને તેઓના ઉપર જય મેળવ્યો, તે હું જોયા કરતો હતો.

23 વળી તેણે કહ્યું, ‘‍ચોથું જાનવર પૃથ્વી પર એક ચોથું રાજ્ય થવાનું છે તે છે, તે બીજાં બધાં રાજ્યો કરતાં જુદું થશે, તે આખી પૃથ્વીને ફાડી ખાશે, ને તેને કચરી નાખશે, ને તેને ભાગીને ટુકડેટુકડા કરશે.

24 પેલાં દશ શિંગડા, આ રાજ્યમાંથી દશ રાજાઓ ઉત્પન્‍ન થશે. તે આગલાઓના કરતાં જુદો થશે, ને તે ત્રણ રાજાઓને તાબે કરશે.

25 તે પરાત્પરની વિરુદ્ધ [મોટી મોટી] વાતો બોલશે, ને પરાત્પરના પવિત્રોને કાયર કરશે. અને તે [ધાર્મિક ઉત્સવોના] દિવસોને તથા નિયમને ફેરવી નાખવાનો વિચાર કરશે. તેઓ કાળ તથા કાળો તથા અડધા કાળ સુધી તેના હાથમાં આપવામાં આવશે.

26 પણ ન્યાયસભા ભરાશે, ને તેનું રાજ્ય છીનવી લેવામાં આવશે, અને અંતે તેની પાયમાલી તથા વિનાશ થશે.

27 રાજ્ય તથા સત્તા, ને આખા આકાશ નીચેનાં રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે.’

28 આ પ્રમાણે એ વાતની સમાપ્તિ છે. મારા, દાનિયેલના, વિચારોથી મને બહું ગભરાટ થયો, ને મારું મોં ઊતરી ગયું; પણ મેં આ વાત મારા મનામાં રાખી.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan