દાનિયેલ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)નબૂખાદનેસ્સારનું સ્વપ્ન 1 નબૂખાદનેસ્સરની કારકિર્દીને બીજે વર્ષે તેને સ્વપ્નો આવ્યાં; તેથી તેનો જીવ ગભરાયો, ને તેની ઊંઘ ઊડી ગઈ. 2 ત્યારે રાજાએ આજ્ઞા કરી, “મારાં સ્વપ્નોનો ખુલાસો કરી બતાવવા માટે જાદુગરોને, મંત્રવિદ્યા જાણનારાઓને, શકુન જોનારાઓને તથા ખાલદીઓને તેડાવો.” તેથી તેઓ હજૂરમાં આવીને રાજાની સંમુખ ઊભા રહ્યા. 3 ત્યારે રાજાએ તેઓને કહ્યું, “મને સ્વપ્ન આવ્યું છે, ને તે સ્વપ્નનો ખુલાસો જાણવાને મારો જીવ આકુળ-વ્યાકુળ થાય છે.” 4 ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો. આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો, એટલે અમે એનો અર્થ બતાવીશું.” 5 રાજાએ ખાલદીઓને ઉત્તર આપ્યો, “એ વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને એ સ્વપ્ન તથા તેનો ખુલાસો નહિ જણાવો. તો કાપીને તમારા ટુકડેટુકડા કરવામાં આવશે, અને તમારાં ઘરોનો ઉકરડો કરવામાં આવશે. 6 પણ જો તમે તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવશો, તો તમને મારી પાસેથી બક્ષિસો, ઇનામ તથા મોટું માન મળશે; માટે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવો.” 7 તેઓએ બીજી વાર ઉત્તર આપ્યો; “રાજા પોતાના દાસોને તે સ્વપ્ન કહી સંભળાવે તો અમે તેનો અર્થ કહી બતાવીએ.” 8 રાજાએ ઉત્તર આપ્યો, “હું નક્કી જાણું છું કે તમે વખત મેળવવા ચાહો છો, કેમ કે તમે જુઓ છો કે તે વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. 9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે માત્ર એક જ કાયદો છે; કેમ કે સમય બદલાઈ જાય ત્યાં સુધી મને કહેવા માટે જૂઠી તથા તરકટી વાતો તમે ગોઠવી રાખી છે! માટે મને સ્વપ્ન કહી બતાવો, એટલે હું જાણીશ કે તમે મને તેનો અર્થ પણ બતાવી શકશો.” 10 ખાલદીઓએ રાજાને ઉત્તર આપ્યો, “પૃથ્વી ઉપર એવું એકે માણસ નથી કે જે રાજાની વાત રાજાને વિદિત કરી શકે, કેમ કે કોઈ પણ રાજાએ, હાકેમે કે, અધિકારીએ કદી પણ આવી વાત કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે, ખાલદીને પૂછી નથી. 11 જે વાત રાજા [જાણવા] માગે છે તે તો દુર્લભ છે, અને દેવો કે જેમનો વાસો દેહમાં નથી તેઓ સિવાય બીજો કોઈ એવો નથી કે જે રાજાને તે વિદિત કરી શકે.” 12 આ કારણથી રાજાને ઘણો ક્રોધ ચઢ્યો, તે બહુ કોપાયમાન થયો, ને તેણે બાબિલના સર્વ જ્ઞાનીઓને કતલ કરવાની આજ્ઞા કરી. 13 તેથી તે હુકમ પ્રગટ કરવામાં આવ્યો, અને જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી [સિપાઈઓએ] દાનિયેલ તથા તેના સાથીઓને મારી નાખવા માટે શોધ્યા. સ્વપ્નનો અર્થ શો છે તે પ્રભુ દાનિયેલને બતાવે છે 14 એ વખતે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા માટે નીકળેલા, રાજાની રક્ષક-ટુકડીના નાયક, આર્યોખને દાનિયેલે ડહાપણ અને ચતુરાઈથી જવાબ આપ્યો. 15 તેણે રાજાના નાયક આર્યોખને પૂછ્યું, “રાજાનો હુકમ એવો તાકીદનો કેમ છે?” ત્યારે આર્યોખે [બધી] વાત દાનિયેલને જણાવી. 16 એટલે દાનિયેલે રાજાની હજૂરમાં જઈને રાજાને અરજ કરી, “આપ મને મુદત આપો, એટલે હું રાજા [ના સ્વપ્ન] નો ખુલાસો કરીશ.” 17 પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાન્યા, મિશાએલ અને અઝાર્યાને એ વાત જણાવી, 18 જેથી તેઓ એ રહસ્ય વિષે આકાશના ઈશ્વરની દયા માગે; સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના રાજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. 19 રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતી કરી. 20 દાનિયેલે કહ્યું, “ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો; કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેમનાં છે. 21 તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે, ને રાજાઓને ગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીઓને જ્ઞાન તથા બુદ્ધિમાનોને અક્કલ આપે છે; 22 તે ગહન ને ગુહ્ય વાતો ખુલ્લી કરે છે; અંધારામાં જે કંઈ હોય તે તે જાણે છે, ને પ્રકાશ તેમની સાથે રહે છે. 23 હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું ને તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યાં છે, અને જે અમે તમારી પાસેથી માગ્યું જે હમણાં તમે મને જણાવ્યું છે; કેમ કે તમે અમને રાજાની વાત પ્રગટ કરી છે.” દાનિયેલ રાજાને સ્વપ્ન અને સ્વપ્નનો અર્થ જણાવે છે 24 પછી આર્યોખ જેને રાજાએ બાબિલના જ્ઞાનીઓનો નાશ કરવા માટે નીમ્યો હતો, તેની હજૂરમાં દાનિયેલ ગયો. તેણે જઈને તેને આ પ્રમાણે કહ્યું:“બાબિલના જ્ઞાનીઓનો નાશ કરશો નહિ. મને રાજાની હજૂરમાં લઈ જાઓ, એટલે હું રાજા [ના સ્વપ્ન] નો ખુલાસો કરીશ.” 25 ત્યારે આર્યોખે દાનિયેલને જલદીથી રજાની હજૂરમાં લઈ જઈને રાજાને કહ્યું, “યહૂદિયા દેશમાંથી પકડી લાવવામાં આવેલા લોકોમાંથી એક માણસ મને મળી આવ્યો છે કે, જે રાજાને [સ્વપ્નનો] ખુલાસો વિદિત કરશે” 26 રાજાએ દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર હતું, તેને કહ્યું, “જે સ્વપ્ન મને આવ્યું છે તે તથા તેનો ખુલાસો મને વિદિત કરવાને શું તું શક્તિમાન છે?” 27 દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો, “જે મર્મ વિષે આપે પૂછ્યું છે, એ જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારાઓ, જાદુગરો કે જોષીઓ બતાવી શકતા નથી. 28 પણ આકાશમાં એક ઈશ્વર છે કે જે મર્મ ખોલે છે, ને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેમણે નબૂખાદનેસ્સાર રાજાને જણાવ્યું છે. આપનું સ્વપ્ન તથા આપના પલંગ પર થયેલાં આપના મગજનાં સંદર્શનો, તે આ છે: 29 એટલે, હે રાજાજી, હવે પછી શું થવાનું છે, તે વિષે આપને તો આપના પલંગ પર વિચાર આવ્યા; અને મર્મોના ખોલનારે ભવિષ્યમાં શું થશે તે આપને જણાવ્યું છે. 30 પણ બીજા માણસો કરતાં મારામાં કંઈ વધારે જ્ઞાન હોવાથી આ મર્મ મને પ્રગટ થયો છે એમ તો નથી, પણ એ માટે [મને સમજાવવામાં આવ્યો છે] કે એનો ખુલાસો રાજાના જાણવામાં આવે, ને આપ પોતાના અંત:કરણના વિચાર જાણો. 31 હે રાજા, આપે [સ્વપ્નમાં] એક મોટી મૂર્તિ જોઈ. આ ભવ્ય મૂર્તિનો ઝગઝગાટ અત્યુત્તમ હતો. તે આપની આગળ ઊભી હતી. તેનું સ્વરૂપ ભયંકર હતું. 32 એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું, તેની છાતી ને તેના ભુજ રૂપાનાં, તેનું પેટ ને તેનો જાંઘભાગ પિત્તળનાં, 33 તેના પગ લોઢાના, તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોઢાનો ને કેટલોક ભાગ માટીનો [હતો]. 34 આપ જોતા હતા એટલામાં [કોઈ માણસના] હાથ અડક્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી, ને તેણે તે [મૂર્તિ] ની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી, તેમના પર મારો ચલાવ્યો, ને તેમને ભાંગીને તેમના ટુકડેટુકડા કર્યા. 35 ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યા, તે ઉનાળાના ખાળમાંના ભૂસા જેવાં થઈ ગયાં; અને પવન તેમને એવી રીતે [ઊડાડી] લઈ ગયો કે તેમનું ઠામઠેકાણું રહ્યું નહિ. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો, ને તેની આખી પૃથ્વી ભરાઈ ગઈ. 36 સ્વપ્ન તો એ હતું. હવે તેનો ખુલાસો અમે રાજાને કહી બતાવીશું. 37 હે રાજા, આપ રાજાધીરાજ છો, આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યાં છે. 38 જ્યાં જ્યાં માણસો વસે છે, ત્યાં ત્યાં તેણે વનચર જાનવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યાં છે. પેલું સોનાનું માથું તે તો આપ છો. 39 આપના પછી આપના કરતાં ઊતરતું એવું બીજું રાજ્ય થશે; અને તે પછી ત્રીજું પિત્તળનું રાજ્ય [થશે] કે, જે આખી પૃથ્વી પર હકૂમત ચલાવશે. 40 ચોથું રાજ્ય લોઢા જેવું મજબૂત થશે; કેમ કે લોઢું સર્વ વસ્તુઓને ભાંગી ચૂરા કરે છે ને કચરે છે. અને જેમ લોઢું બધાંને કચરી નાખે છે તેમ તે બધાંને ભાંગીને ભૂકો કરશે ને કચરી નાખશે. 41 જેમ આપે પગની પાટલીઓ તથા તેનાં આંગળાંનો કેટલોક ભાગ જોયો, તેમ તે રાજ્યાના ભાગલા પડી જશે; પણ જેમ આપે લોઢાની સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તે [રાજ્ય] માં કેટલેક અંશે લોઢાનું બળ હશે. 42 વળી જેમ પગનાં આંગળાંનો કેટલોક ભાગ માટીનો હતો, તેમ તે રાજ્યનો એક ભાગ બળવાન થશે ને બાકીનો ભાગ તકલાદી થશે. 43 વળી જેમ આપે લોઢા સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તેઓ બીજા માણસોના સંતાન સાથે ભેળસેળ થશે; પણ જેમ માટી લોઢા સાથે મળી જતી નથી તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહિ. 44 તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે. 45 આપે જોયું કે પેલી શિલા પર્વતમાંથી કોઈ [માણસના] હાથ [અડક્યા] વગર કાપી કાઢવામાં આવી, ને તેણે લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરેચૂરા કર્યા, તે ઉપરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. ચોક્કસ એ [આપનું] સ્વપ્ન છે, ને આ તેનો સાચો ખુલાસો છે.” રાજા દાનિયેલને બક્ષિસ આપે છે 46 ત્યારે નબૂખાદનેસ્સાર રાજાએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી, અને એવી આજ્ઞા કરી, “તેને અર્પણ [ચઢાવો] તથા મધુર સુગંધીઓનો ધૂપ કરો.” 47 રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો, “તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર તે દેવોનો ઈશ્વર, રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે.” 48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને, ને તેને ઘણી મોટી બક્ષિસો આપી, ને તેને આખા બાબિલ પ્રાંત પર અધિકારી તથા બાબિલના સર્વ જ્ઞાનીઓનો અધિપતિ ઠરાવ્યો. 49 દાનિયેલે રાજાને વિનંતી કરી, તેથી તે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા; પણ દાનિયેલ તો રાજાના દરબારમાં રહ્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India